70 વર્ષમાં મોદીની જેમ નોટબંધી, GST જેવા નુકસાનકારક નિર્ણયો કોઇએ નથી લીધા: રાહુલ


અમેઠી, તા. 27 એપ્રિલ, 2019, શનિવાર

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ ઉત્તર પ્રદેશમાં પ્રચાર માટે ભારે જોર લગાવ્યું હતું, તેમણે વડા પ્રધાન મોદી પર પ્રહારો કરતા નોટબંધી, જીએસટીનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાથે જણાવ્યું હતું કે છેલ્લા ૭૦ વર્ષમાં નોટબંધી જેવો મુર્ખામી ભર્યો નિર્ણય આ દેશમાં કોઇએ નથી લીધો. રાહુલે દાવો કર્યો હતો કે જીએસટીને જે રીતે લાગુ કર્યો તેને કારણે દેશને અને વ્યાપારીઓને ભારે નુકસાન ઔથયું છે. 

સાથે સરકારમાં જે ૨૨ લાખ નોકરીઓ ખાલી પડી છે, નોટબંધી લાદીને અનેક નોકરીઓ છીનવી લીધી, લોકોના પૈસા લઇ લીધા. અમે સત્તામાં આવીશું તો આ પૈસાને અમે પરત લાવીશું અને તેને જનતાને આપીશું. 

રાહુલે દાવો કર્યો હતો કે હાલની મોદી સરકાર જે ખેડૂતો લોનની રકમ પરત નથી કરી શકતા તેને જેલમાં નાખી રહી છે, જો કોંગ્રેસની સરકાર આવશે તો એક પણ ખેડૂતને લોન ન ચુકવવા બદલ જેલમાં નહીં મોકલે, આવા ખેડૂતો વિરુદ્ધ આપરાધીક કેસ નહીં થાય માત્ર દિવાની કાર્યવાહી જ કરવામાં આવશે.

આ ઉપરાંત ખેડૂતો માટે અલગથી બજેટ પણ લાવીશું જેમાં ખેડૂતોને ટેકાના ભાવ, પાક નિષ્ફળ જવા પર યોગ્ય વળતર, વિમા સહીતના નિર્ણયો લેવામાં આવશે. હાલની સરકારમાં ખેડૂતોને તેની વિમાની રકમ પણ નથી આપવામાં આવી.

આ આખી રકમ અનિલ અંબાણી જેવાને આપી દેવામાં આવી છે.  રફાલ સોદાને લઇને સવાલો ઉઠાવતા રાહુલે જણાવ્યું હતું કે અનિલ અંબાણીને મોદીએ ૩૦ હજાર કરોડ રૃપિયા કેમ આપ્યા? એચએએલ પાસેથી કોન્ટ્રાક્ટ લઇ લેવામાં આવ્યો અને જે કંપની પાસે કોઇ અનુભવ નથી તેને રફાલ વિમાનનો આ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો.

 મોદીએ ગબ્બર સિંઘ ટેક્સ (જીએસટી) લાગુ કરીને વ્યાપાર અને બિઝનેસનો નાશ વાળી દીધો છે. મોદીએ ૨૦૧૪માં બે કરોડ રોજગારી, દરેકના ખાતામા ૧૫ લાખ સહીતના અનેક વચનો આપ્યા હતા પણ તેમાંથી એક પણ પુરુ ન કરી શક્યા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vmwACr
via Latest Gujarati News

Post a Comment

0 Comments