ક્રુડ ઉછળી 70 ડોલર કુદાવી જતાં રૂપિયો વધુ ગબડશે

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 07 એપ્રિલ, 2019, શનિવાર

મુંબઈ ઝવેરીબજાર બુલીયન બજાર આજે શનિવારના કારણે સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે કિંમતી ધાતુઓના ભાવ જોકે નરમ બોલાઈ રહ્યા હતા. વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રુડના ભાવ વધી બેરલના ૭૦.૪૫ ડોલર થઈ ૭૦.૩૦થી ૭૦.૩૫ ડોલર બોલાઈ રહ્યા હતા જ્યારે ન્યુયોર્કના ભાવ વધી ૬૩.૩૦થી ૬૩.૩૫ ડોલર થઈ છેલ્લે ભાવ ૬૩.૦૫થી ૬૩.૧૦ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવ ઉછળી ૭૦ ડોલર વટાવી જતાં સોનાના ભાવોને સપોર્ટ પણ મળતો થયો હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.

વિશ્વબજારના સમાચાર મુજબ અમેરિકામાં જોબગ્રોથના આંકડાઓ અપેક્ષાથી સારા આવ્યા છે અને તેના પગલે વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ ઉંચો જતાં તેની પાછળ વિશ્વબજારમાં કિંમતી ધાતુઓમાં ઉછાળે ફંડવાળાનું માનસ વેંચવાનું રહ્યું હોવાના નિર્દેશો હતા.  વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના છેલ્લે સપ્તાહના અંતે ૧૨૯૧.૫૦થી ૧૨૯૨ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં ચાંદીના ભાવ સોના પાછળ ઔંશના ૧૫.૧૫થી ૧૫.૧૬ ડોલર રહ્યા પછી છેલ્લે ૧૫.૧૧થી ૧૫.૧૨ ડોલર રહ્યા હતા.

મુંબઈ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૧૬૦૯ વાળા રૂ.૩૧૬૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૩૧૭૫૦ બોલાઈ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બજારમાં ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૩૭૫૬૦ વાળા રૂ.૩૭૪૫૦ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે રૂ.૧૦૦૦થી ૧૧૦૦ ઉંચા ચાલી રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવ સપ્તાહના અંતે ઉંચા રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ઔંશના ૯૦૧.૧૦થી ૯૦૧.૨૦ ડોલર તથા પેલેડીયમના ભાવ છેલ્લે ૧૩૭૧.૩૦થી ૧૩૭૧.૪૦ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં ક્રુડતેલ વધતાં ઘરઆંગણે કરન્સી બજારમાં હવે આગળ ઉપર ડોલર સામે રૂપિયો નબળો પડવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. ઓપેક તથા રશિયામાં ઉત્પાદન ઘટયું છે. વેનેન્ઝુએલા ખાતે વિજળીના ધાંધીયા સર્જાતાં ત્યાં પણ ક્રુડતેલનું ઉત્પાદન ઘટયું છે. 

અમેરિકાએ ઈરાન પરના પ્રતિબંધો વધુ કડક બનાવ્યાના પણ સમાચાર હતા. વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવમાં આ વખતે ચાલેલી લાંબી રેલીએ ૧૮ મહિનાનો નવો રેકોર્ડ બનાવ્યાની ચર્ચા હતી. અમેરિકાના જોબ ગ્રોથના આંકડા સારા આવતાં તેની અસર પણ ક્રુડ બજાર પર પ્રોત્સાહક પડી છે. અમેરિકામાં ઓઈલ રિગ્સની સંખ્યા માર્ચમાં ૩૭ ઘટી છે. એપ્રિલ- ૨૦૧૬ પછીનો આ સૌથી મોટો મંથલી ઘટાડો મનાયો છે. ત્રણ મહિનામાં આવી રિગ્સની સંખ્યા ૬૯ જેટલી ઘટી છે.

ક્રુડતેલના ભાવ ઉંચા જતા ઘર આંગણે કરન્સી બજારમાં ડોલર ઉંચો જશે તથા રૂપિયો નબળો પડશે એવી ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં ડોલરના ભાવ શુક્રવારે સત્તાવાર બંધ રૂ.૬૯.૨૨ રહ્યા હતા તે ભાવ આજે બંધ બજારે રૂ.૬૯.૨૫થી ૬૯.૩૦ બોલાઈ રહ્યા હતા તથા આ ભાવ સોમવારે વધુ ઉંચા જવાની ભીતી જાણકારો બતાવી રહ્યા હતા. 

જોકે બ્રિટીશ પાઉન્ડ તથા યુરો  બજારના ખેલાડીઓની નજર બ્રેકઝીટ પ્રશ્ને બની રહેલા નવા બનાવો પર રહી હતી. બ્રેકઝીટમાં વિલંબ વિશે બ્રિટનની રજૂઆત સામે યુરોપના દેશોમાં અંદરો અંદર મતભેદો વધ્યાની ચર્ચા હતી. દરમિયાન, અમેરિકાના પ્રમુખે ત્યાંના ફેડરલ રિઝર્વને વ્યાજ વધારવાના બદલે વ્યાજદ ઘટાડવા વિચારણા કરવા જણાવ્યાના વાવડ હતા. આની અસર પણ આવતા સપ્તાહમાં કરન્સી બજાર પર જોવા મળશે એવી ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા.

જોકે ભારતમાં વિદેશી હુંડિયામણની અનામત વધી છે અને તેની અસર પણ કરન્સી બજાર પર પોઝીટીવ રહેવાની ગણતરી બજારમાં બતાવાઈ રહી હતી. આરબીઆઈએ તાજેતરમાં ડોલર- રૂપી સ્વેપ યોજતાં ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં ખાસ્સી વૃધ્ધિ થઈ છે તથા આવું રિઝર્વ ૫.૨૦ અબજ ડોલર વધી ૪૧૧.૯૦ અબજ ડોલર થઈ ગયાના સમાચાર હતા. આ જોતાં કરન્સી બજારમાં ડોલરના ભાવમાં મોટી તેજી આવવાની શક્યતા પણ ઓછી જણાઈ રહી છે એવું તજજ્ઞાો બતાવી રહ્યા હતા.




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2I4vKCu
via Latest Gujarati News

Post a Comment

0 Comments