ક્રૂડના પગલે ATFના ભાવ ઉછળતાં હવાઈ ક્ષેત્રનો ટેક ઓફ રુંધાયો



ક્રૂડતેલના ભાવમાં તાજેતરમાં તેજીની રેલી દેખાઈ છે અને તેના પગલે પેટ્રોલ-ડિઝલ, કેમિકલ્સ  તથા હવાઈ જહાજમાં  વપરાતા ફયુઅલના ભાવ પર તેની અસર જોવા મળી છે. વિશ્વ બજારમાં  ક્રૂડતેલના ભાવ ઉછળી તાજેતરમાં  નવેમ્બર ૨૦૧૮ પછીની નવી ઉંચી પાંચ મહિનાની ટોચને આંબી ગયા છે. આના પગલે વિવિધ વેપાર-ઉદ્યોગ પર છાંટા ઉડયા છે.  આની અસર કરન્સી બજાર પર પણ પડી છે. 

કરન્સી બજારના સૂત્રોના જણાવ્યા મુજબ સામાન્યપણે  ક્રૂડતેલના ભાવ ઉંચા જાય છે ત્યારે રૂપિયો નબળો પડે છે અને ક્રૂડના ભાવ નીચા આવે છે  ત્યારે રૂપિયો ઉંચકાતો હોય છે.  ક્રૂડ વધે છે ત્યારે  હવાઈ જહાજમાં ભરવામાં  આવતા એવીએશન  ટર્બાઈન  ફયુઅલ એટીએફના  ભાવ પણ  વધી જતા હોય છે અને આની અસર  વિવિધ એરલાઈન્સોની નાણાંકીય સ્થિતિ પર પડતી હોય છે. દેશમાં આ પૂર્વે  નાણાંભીડના કારણે  ઘણા મોટા નામો ધરાવતી એરલાઈન્સોને ફટકો પડયો છે અને ઘણી એરલાઈન્સો ઈતિહાસ બનતી પણ જોવા મળી છે. 

દેશમાં છેલ્લા બાર મહિનાના ગાળામાં  જોતાં ફયુઅલના ઉંચા ભાવના પગલે મોટાભાગની એરલાઈન્સોના નફાના માર્જિનો દબાણ હેઠળ જોવા મળ્યા છે. એક જાણીતી  એરલાઈન્સને તો જબ્બર ફટકો પડયો છે. ફયુઅલના ભાવ વધે છે તો પણ હરીફાઈના કારણે આવી એરલાઈન્સો ફયુઅલનો ભાવ વધારો પ્રવાસીઓ પર લાદી શકતા નથી અને તેમને પોતાને જ આ સ્થિતિ  સહન કરવી પડે છે અને તેની અસર તેમની નફા-નુકશાનની સ્થિતિ પર પડતી હોય છે.

દરમિયાન વિશ્વ બજારમાં  તાજેતરમાં બ્રેન્ટક્રૂડના  ભાવ ઉછળી બેરલદીઠ  ઉંચામાં ૭૧ ડોલરની  સપાટી વટાવી જતાં તાજેતરનો  નવો રેકોર્ડ ભાવ  જોવા મળ્યો છે. ઓપેકના દેશોમાં  તાજેતરમાં ક્રૂડનું  ઉત્પાદન ઘટયું  છે. ઉપરાંત  રશિયામાંથી વિશ્વ બજારમાં  ઠલવાતો  ક્રૂડતેલનો પુરવઠો પણ ઘટયો છે. આ ઉપરાંત  અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોના પગલે  ઈરાન તથા  વેનેન્ઝુએલાના ક્રૂડતેલનો  પુરવઠો પણ વિશ્વ બજારમાં  તાજેતરમાં ખાસ્સો ઘટયાના વાવડ મળ્યા છે.

અધુરામાં પૂરું તાજેતરમાં લીબીયામાં   આંતરવિગ્રહ  શરૂ થયો છે અને આના પગલે ત્યાં ક્રૂડતેલના ઉત્પાદન  પર અસર પડી છે.  આમ વિવિધ પરિબળોના પગલે ક્રૂડતેલના ભાવ ઉછળતા રહ્યા છે. દરમિયાન, ભારતમાં એવીએશન  ક્ષેત્રમાં  જે કુલ ખર્ચ થાય છે એ પૈકી  મોટાભાગનો ખર્ચ ફયુઅલનો થતો હોય છે  અને બીજા ક્રમાંકે   કર્મચારીઓના વેતનનો ખર્ચ આવે છે.

દેશમાં છેલ્લા સતત બે વર્ષથી  હવાઈ જહાજોમાં વપરાતા આવા ફયુઅલના  ભાવ વધતા રહ્યા છે.   દિલ્હીમાં  ૨૦૧૭ના જુલાઈ મહિનામાં આવા એવિએશન ટર્બાઈન  ફયુઅલ એટીએફના ભાવ કિલોલીટરના  આશરે રૂ.૪૭ હજાર જેટલા હતા તે ત્યાર પછી વધતા રહી તાજેતરમાં  નવેમ્બર  ૨૦૧૮માં  રૂ.૭૬ હજારની  સપાટીની ઉપર જતા રહ્યાના સમાચાર હતા.   આ આ ગાળામાં  આ ભાવમાં આશરે ૫૫થી ૬૦ ટકાની વૃદ્ધી જોવા મળી છે.   

વિશ્વ બજારમાં  ક્રૂડતેલના ભાવ  આ ગાળામાં ઉંચા ગયા હતા ઉપરાંત ઘરઆંગણે  કરન્સી બજારમાં આ ગાળામાં  રૂપિયા સામે  ડોલર પણ ઉંચો ગયો હતો અને  તેની અસર એટીએફના ભાવ પર જોવા મળી હતી.   જોકે નવેમ્બર ૨૦૧૮ પછી પરિસ્થિતિ  બદલાતાં  એટીએફની તેજીમાં  પીછેહઠ પણ દેખાઈ છે અને  તેના પગલે ફેબુ્રઆરી ૨૦૧૯માં તેના ભાવ નીચા આવી રૂ.૫૮ હજાર આસપાસ બોલાતા થયા હતા.

જોકે ત્યારબાદ માર્ચમાં ભાવ ફરી ઉંચકાઈ રૂ.૬૨ હજારની ઉપર બોલાયા હતા.  તથા એપ્રિલના  આરંભમાં ભાવ વધુ ઉંચા જઈ રૂ.૬૩ હજાર ઉપર ગયા છે. સરકારે  ગયા વર્ષે એટીએફ પરની એક્સાઈઝ ડયુટી ૧૪ વાળી ૧૧ ટકા કરી હતી અને ત્યાર પછી  કસ્ટમ ડયુટી ઝીરો વાળી પાંચ ટકા કરી હતી. 

એટીએફના  ભાવ ઘટી જાય છે ત્યારે સરકાર એકસાઈઝ વધારી દે છે  પરંતુ એટીએફના ભાવ ઉંચા જાય છે ત્યારે આવી એક્સાઈઝમાં ઘટાડો તેટલા પ્રમાણમાં કરાતો નથી એવું બજારના જાણકારો  જણાવી રહ્યા હતા. એટીએફનો સમાવેશ જીએસટી હેઠળ કરવાની માગ પણ ઊઠી છે. આમ થશે તો એટીએફ પર ટેક્સનો બોજ હળવો થઈ  શકે તેમ છે. એટીએફ ઉપર કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારોનો પણ ટેક્સ બોજ  આવતો રહ્યો છે.  

જીએસટી હેઠળ  એટીએફ આવશે તો આ બોજ હળવો   થવાની શક્યતા છે. ડોમેસ્ટીક  કેરીયર્સએ એટીએફના દામ ઉંચા ચૂકવવા પડે છે  જ્યારે તેની સામે ફોરેન  કેરીયર્સ -હવાઈ કંપનીઓને આવા દામ ઓછા ચૂકવવા પડે છે. આ ભેદભાવના પગલે  પણ ઘરઆંગણાની  હવાઈ કંપનીઓને ફટકો પડી રહ્યો છે. ભારતમાં  ક્રૂડતેલની  મોટા પાયે  આયાત કરવામાં આવે છે જ્યારે  દેશમાંથી એટીએફની નિકાસ પણ થાય છે. જોકે આવી નિકાસનું પ્રમાણ મર્યાદિત રહ્યું છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GhzUUg
via Latest Gujarati News

Post a Comment

0 Comments