દેશના આઈટી ક્ષેત્રના વિકાસની જેમ ઔદ્યોગિક ક્રાંતિ માટે પણ ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી



સરકારની ખાસ દરમિયાનગીરી રહી નહીં હોવાને કારણે છેલ્લા અઢી દાયકામાં દેશમાં ઈન્ફરમેશન અને ટેકનોલોજીનો વિકાસ શકય બન્યો હોવાની માન્યતા પ્રવર્તી રહી છે. 

જો કે આ માન્યતા ભૂલભરેલી છે એમ કહી શકાય, કારણ કે ઈન્ફરમેશન ટેકનોલોજી (આઈટી) ક્ષેત્રને સફળ બનાવવા માટે આવશ્યક દરેક ટેકા સરકાર તરફથી અવારનવાર પૂરા પડાતા રહ્યા છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નહીં ગણાય. વૈશ્વિક ધોરણો મુજબની હાઈ-સ્પીડ ઈન્ટરનેટ કનેકટિવિટી ઊભી કરવા સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. ભારતમાં ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ પહેલા ઈન્ટરનેટ કનેકટિવિટીમાં મોટી પ્રગતિ જોવાઈ હતી. 

સરકારના ટેકાને કારણે ભારતનો આઈટી ઉદ્યોગ અમેરિકાની બજારમાં પ્રવેશી શકયો છે. સરકારે સેવા ક્ષેત્રને પણ આયાત - નિકાસના નિયમનકારી માળખા હેઠળ લાવીને આઈટી જેવા સેવા ક્ષેત્રને પ્રોત્સાહન પૂરા પાડવાની નીતિ અપનાવી હતી. આઈટી ઉદ્યોગને હાર્ડવેર તથા સોફટવેરની ડયૂટી ફ્રી આયાતની છૂટ આપવા ઉપરાંત સરકારે  માલસામાનના નિકાસકારોને નિકાસ વધારવા જે કંઈ પ્રોત્સાહનો અપાતા હતા તેવા જ પ્રોત્સાહનો આઈટી ક્ષેત્રને પણ પૂરા પડાયા હતા.

આઈટી ઉદ્યોગને શોપ્સ અને એસ્ટાબ્લિશમેન્ટ એકટ હેઠળ કામ કરવાની છૂટ અપાઈ હતી જેને પરિણામે તે ૪૦ જેટલા લેબર લોઝમાંથી મુકત રહી શકયો હતો અને તેના પર બિનજરૂરી નિયમનકારી બોજા  આવ્યા નહોતા. આમ આઈટી ઉદ્યોગે પૂરવાર કરી આપ્યું છે કે સ્પર્ધાત્મક લાભોને સરકાર છાવરી શકે છે. એ વાત અલગ છે કે દેશના ઉત્પાદન ક્ષેત્રમાં સ્થિતિ આનાથી એકદમ વિપરીત છે. 

દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્પેશ્યલ ઝોન્સની રચના કરી ચીને વૈશ્વિક સ્તરના માળખા ઊભા કર્યા છે જેમાં કામદારોને રહેવા માટે રહેઠાણોનો પણ સમાવેશ થાય છે. ચીને પોતાના ઉદ્યોગોને બહારથી ઈન્વેસ્ટમેન્ટ મેળવવામાં નોંધપાત્ર ટેકો પૂરો પાડયો છે. અને થોડાઘણા વર્ષોની અંદર જ ચીન ઉદ્યોગ ક્ષેત્રે સુપરપાવર બની ગયું હતું.

ભારતમાં ઔદ્યોગિક વિસ્તારો વિકસાવવાની જવાબદારીઓ કેન્દ્ર કરતા રાજ્ય સરકારોની વધુ રહે છે. અછત ધરાવતા સ્રોતોનું દરેક પ્રદેશોમાં સમાન રીતે વિતરણ કરી ઉત્પાદન ક્ષેત્ર માટે વૈશ્વિક સ્તરના સ્પર્ધાત્મક માળખા ઊભા કરવાનું ભારત માટે હમેશા પડકારરૂપ રહ્યું છે. જો કે આ માટે આપણા દેશની રાજકીય વ્યવસ્થા પણ ઘણી રીતે જવાબદાર રહી છે.

આ પડકારોને કેન્દ્ર સરકારોએ ઓળખી કાઢેલા પણ છે, પરંતુ તેને દૂર કરવાના તેના પ્રયાસોમાં ખાસ સફળતા જોવા મળી નથી, આને કારણે સરકારે ખાનગી ક્ષેત્ર પર વધુ મદાર આપવાનું શરૂ કરવું પડયું. ઔદ્યોગિક ક્ષેત્રે ખાનગી રોકાણકારોને આકર્ષિત કરવા એકવીસમી સદીના પ્રારંભમાં સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન્સ (એસઈઝેડ)ની પરિકલ્પના આવી પડી અને તેમાં સ્થપાનારા ઉદ્યોગોને વેરામાં વિવિધ રાહતો પૂરી પાડવાનું ધોરણ અપનાવાયું. 

આઈટી ક્ષેત્રમાં ખાનગી કંપનીઓ સફળ રહી શકી કારણ કે આ ક્ષેત્રમાં જમીન અને નાણાંની આવશ્યકતા ઉત્પાદન ક્ષેત્ર કરતા ઓછી રહે છે. ઉત્પાદન ક્ષેત્ર આ સિદ્ધિ હાંસલ કરી શકયું નથી કારણ કે તે પોતાના કર્મચારીઓ માટે રહેઠાણો સહિત વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકાય તેવા માળખા વિકસાવી શકતું નથી.

રાજ્યો સાથે મળીને જો કેન્દ્રએ જમીન પૂરી પાડવામાં અને પૂરતા પ્રમાણમાં ઈન્વેસ્ટમેન્ટ હાથ ધરવામાં આગેવાની લીધી હોત અને ખાનગી ક્ષેત્રનો જ્યાં વિકાસ શકય હોય ત્યાં જ તેમને આમંત્રિત કર્યા હોત તો  દેશના ઉત્પાદન ક્ષેત્રની સ્થિતિ આજે કંઈક અલગ હોત.

૨૦૦૫માં મહત્વાકાંક્ષી એવા દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીઅલ કોરિડરની સ્થાપના કરવામાં આવી હતી. આ કોરિડોરમાં ખાનગી ક્ષેત્રને ઈન્વેસ્ટમેન્ટ કરવા અને ઔદ્યોગિક ક્ષેત્રો વિકસાવવા પ્રોત્સાહન અપાશે એવો શરૂઆતમાં નિર્ણય લેવાયો હતો. પરંતુ તેમાં અપેક્ષિત સફળતા મળી નથી. 

એસઈઝેડમાંના એકમોને પાંચ વર્ષ સુધી વેરા રાહત આપવામાં આવે છે. આવી સવલતો છતાં વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતનું ઉત્પાદન ક્ષેત્ર હજુ પણ સ્પર્ધાત્મક બની શક્યું નથી, કારણ કે વિશ્વના મોટાભાગના દેશો પોતાને ત્યાં વિદેશી રોકાણ આકર્ષવા બહારી કંપનીઓને વ્યાપક સવલતો અને રાહતો પૂરી પાડે છે-પાડી શકે છે.

ભારતે નવા અને વૈશ્વિક સ્તરના ઉત્પાદન વિસ્તારો વિકસાવવાની આવશ્યકતા છે ખાસ કરીને બંદરોની આસપાસ જેથી તે વિશ્વમાં સ્પર્ધાત્મક બની શકે. આ માટે ભારતે સ્રોતો શોધવાની આવશ્યકતા છે અને તે શોધી શકે એમ પણ છે જરૂર છે માત્ર રાજકીય ઈચ્છાશક્તિની. 



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UD3v4v
via Latest Gujarati News

Post a Comment

0 Comments