ચલણમાં રોકડ નાણાંના પ્રવાહમાં વધારો દેશમાં બ્લેક મની ફરી ઉદ્ગમી રહ્યાની ચાડી ખાય છે



૨૦૧૪માં કેન્દ્રમાં સત્તા પર આવવા પહેલા વર્તમાન સરકારે ભ્રષ્ટાચારના મુદ્દાને વ્યાપક રીતે ચગાવ્યો હતો અને પોતાની સરકાર સત્તા પર આવશે તો ભ્રષ્ટાચાર તથા કાળા નાણાં નાબુદ કરવાના પગલાં ભરશે એવી ખાતરી પણ તે વેળાના ચૂંટણી ભાષણોમાં અપાતી હતી. આ ખાતરીના ભાગરૂપ ૨૦૧૬ના નવેમ્બરમાં નોટબંધી લવાઈ હતી જેને કારણે ચલણમાં ફરતા કુલ નાણાંમાંથી ૮૫ ટકાથી વધુ જેટલું નાણું બેન્કિંગ વ્યવસ્થામાં આવી ગયું હતું.

પોતાની નોટબંધીની કવાયત કેટલી સફળ રહી છે તે દર્શાવવા માટે સરકાર તે વેળાએ કરન્સી ઈન સર્ક્યુલેશન એટલે કે ચલણમાં રહેલા નાણાંની માત્રાને આગળ કરતી રહી હતી. ચલણમાંના નાણાં અંગે પ્રકાશિત થયેલા એક અહેવાલમાં નવેમ્બર ૨૦૧૭માં એટલે કે નોટબંધીના એક વર્ષ બાદ કરન્સી ઈન સર્ક્યુલેશનમાં ૨૦૧૬ના નવેમ્બરની સરખામણીએ રૂપિયા ૩.૮૯ લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો. 

હવે ચિત્ર ફરી બદલાયું છે અને ચલણમાંના નાણાંની માત્રામાં વધારો થયો છે. ૧૫મી માર્ચ ૨૦૧૯ના અંતે પૂરા થયેલા સપ્તાહમાં કરન્સી ઈન સર્ક્યુલેશનનો આંક રૂપિયા ૨૧.૪૨ લાખ કરોડ રહ્યો હતો જે વાર્ષિક ધોરણે ૧૭.૫૦ ટકાનો વધારો દર્શાવે છે.  નોટબંધી પહેલા એટલે કે ૪ નવેમ્બર ૨૦૧૬ના રોજ  અર્થતંત્રમાં રોકડનો આંક રૂપિયા ૧૭.૯૭ લાખ કરોડ રહ્યો હતો.

વર્તમાન વર્ષના જાન્યુઆરી તથા ફેબુ્રઆરીમાં પણ આવો જ વધારો જોવા મળ્યો હતો. નાણાં વર્ષ ૨૦૧૭-૧૮માં કરન્સી ઈન સર્ક્યુલેશનમાં વધારો જોવા મળ્યો હતો, જેમાં ૨૪ જાન્યુઆરી ૨૦૧૮ના અંતે પૂરા થયેલા સપ્તાહમાં કરન્સી ઈન સર્ક્યુલેશનમાં વાર્ષિક ધોરણે ૭૧ ટકા વધારો નોંધાયો હતો. હાથમાં કરન્સીની માગ માટે અનેક કારણો જવાબદાર રહેતા હોય છે.

બેન્કીંગ ધોરણો, નાણાંકીય ક્ષેત્રમાં ઘટનાક્રમો, આવકના સ્તર તથા કરન્સી જાળવવાના ખર્ચ જેવા કારણોનો તેમાં સમાવેશ થાય છે. જીડીપીમાં વધારા પ્રમાણે કરન્સી માટેની માગમાં પણ વધારો થતો હોવાનું એક ગણિત પ્રવર્તી રહ્યું છે. ભારત જેવા વિશાળ દેશમાં જ્યારે જ્યારે  જાહેર ચૂંટણીઓ યોજાતી હોય છે ત્યારે રોકડની માગમાં જોરદાર વધારો થતો હોવાનું જોવા મળે છે. 

હાલની લોકસભાની ચૂંટણી માટે  રાજકીય પક્ષોને ડોનેશન પૂરા પાડવા ભારતીય કંપનીઓ અગાઉ કરતા વધુ સક્રિય બની છે, જો કે ઈલેકટોરલ ટ્રસ્ટસ (ચૂંટણીના ભંડોળ માટેના ટ્રસ્ટ)ની સંખ્યામાં ખાસ વધારો જોવા મળતો નથી. હાલની ચૂંટણી માટે કેટલીક મોટી ભારતીય કંપનીઓની રાજકીય પક્ષોને  ચૂંટણી ડોનેશન આપવાની માત્રામાં  અગાઉની ચૂંટણીઓ કરતા નોંધપાત્ર વધારો થયાનું ચર્ચાય રહ્યું છે. 

ફન્ડિંગના વિવિધ માર્ગો મારફત કેટલીક મોટી કંપનીઓ  દરેક રૂપિયા ૫૦૦ કરોડથી વધુ રકમ રાજકીય પક્ષોને પૂરી પાડી રહી હોવાના અહેવાલો હતા. કંપનીઓ રાજકીય પક્ષોની વગ જોઈને તેમને ભંડોળ પૂરા પાડતી હોય છે.  ચૂંટણી ભંડોળમાં પારદર્શીતા લાવવા ૨૦૧૩થી જોગવાઈ કરાયેલા ઈલેકટોરલ ટ્રસ્ટસની સંખ્યામાં જોકે ખાસ વધારો થયો નથી.

૨૦૧૪માં નવા ઈલેકટોરલ ટ્રસ્ટનો ધસારો જોવાયો હતો. સામાન્ય ચૂંટણીઓમાં ભંડોળ પૂરું પાડવા ૨૦૧૪માં ૧૫ ટ્રસ્ટસની રચના થઈ હતી. હાલમાં દેશમાં  ત્રીસ જેટલા આવા ટ્રસ્ટસ છે જેમાંથી પાંચની રચના ૨૦૧૩માં થઈ હતી. બે ૨૦૧૫માં, ૨૦૧૬માં એક, ૨૦૧૭માં ૪ તથા ૨૦૧૮માં બે ટ્રસ્ટસની રચના કરાઈ હતી.  ઉદ્યોગો રાજકીય પક્ષોને છૂપું ભંડોળ પૂરું પાડવાનું પસંદ કરતા હોવાથી ઈલેકટોરલ ટ્રસ્ટનું ભવિષ્ય જોખમમાં છે.

 ૨૦૧૪માં ચૂંટણી પાછળ રૂપિયા ૩૫૦૦૦ કરોડના ખર્ચની સામે આ વખતની ચૂંટણીમાં રૂપિયા ૫૦,૦૦૦ કરોડથી રૂપિયા ૫૫૦૦૦ કરોડનું આંધણ થવાનો અંદાજ મુકાઈ રહ્યો છે. ચૂંટણી વખતે રાજકીય પક્ષો કોર્પોેરેટ પાસેથી ડોનેશન મેળવતા હોવાનું સામાન્ય બની ગયું છે.  રાજકીય પક્ષો દ્વારા કરાતા ખર્ચ પર ચૂંટણી પંચ નજર રાખતું હોવાને કારણે પક્ષો પણ રોકડમાં જ નાણાં સ્વીકારવાનું પસંદ કરતા હોવાનું જાણીતું છે. 

પ્રાપ્ત આંકડા પ્રમાણે, સરકારની વિવિધ યોજના હેઠળ ગયા નાણાં વર્ષમાં કુલ રૂપિયા ૧,૮૯,૨૬૬ કરોડની કેશ ટ્રાન્સફર કરાઈ હતી. હાલમાં કરન્સીના સર્ક્યુલેશનમાં થયેલા વધારા માટે આ પણ એક કારણ હોવાનું જણાવાય રહ્યું છે. જો કે સબસિડી એ કોઈ નવી બાબત નથી અને તે વર્ષોથી અપાતી રહી છે.

નોટબંધીના કાળમાં સરકારે રોકડ વ્યવહારને બદલે ડિજિટલ પેમેન્ટસમાં વધારો થાય તે માટે પ્રોત્સાહનો આપવાનું શરૂ કર્યું હતું પરંતુ આ પ્રોત્સાહનો છતાં દેશના ઉપભોગતાઓ રોકડમાં  જ વ્યવહાર કરવાનું વધુ પસંદ કરતા હોવાનું જોવા મળે છે. 

સરકાર ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપી રહી હોવા છતાં રોકડ વ્યવહાર આજે પણ લોકપ્રિય અને સાનુકૂળ ગણવામાં આવી રહ્યા છે. મજાની વાત તો એ છે કે વ્યવસ્થામાં રોકડના થયેલા વધારા છતાં રિટેલ ફુગાવામાં ખાસ ઉછાળો આવ્યો નથી. મુખ્ય ફુગાવાનો દર ૩ ટકાથી પણ નીચે જોવા મળી રહ્યો છે.

હાલમાં ચૂંટણીનું વર્ષ છે ત્યારે રોકડનો સંગ્રહ એક ચિંતાનો વિષય બની શકે એમ છે. કરન્સી ઈન સર્ક્યુલેશનમાં જેટલો વધારો થાય છે તેટલી માત્રામાં બેન્કોમાં ડિપોઝિટમાં વૃદ્ધિ થતી નથી અને લોકો નાણાંનો ખર્ચ પણ એવો કરતા નથી જેને કારણે ફુગાવામાં વધારો થાય. આનો અર્થ રોકડનો સંગ્રહ થઈ રહ્યો છે એમ કહીશું તો વધુ પડતું નહીં ગણાય. 



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gdi0lN
via Latest Gujarati News

Post a Comment

0 Comments