સનરાઈઝર્સ હૈદરાબાદ ૯ વિકેટથી જીત્યું, કોલકાતાએ સળંગ પાંચમી મેચ ગુમાવી

હૈદરાબાદ, તા.૨૧

ખલીલ અહમદની ૩૩ રનમાં ત્રણ વિકેટ બાદ બેરસ્ટો (૮૦*) અને વોર્નર (૬૭)ની જોડીએ ૧૩૧ રનની ભાગીદારી કરતાં હૈદરાબાદે કોલકાતા સામેની આઇપીએલ ટી-૨૦ પાંચ ઓવર બાકી હતી, ત્યારે નવ વિકેટથી જીતી લીધી હતી. ઓપનર ક્રિસ લીનના ૫૧ની મદદથી કોલકાતાએ આઠ વિકેટે ૧૫૯ રન ફટકાર્યા હતા. બેરસ્ટો અને વોર્નરની જોડીએ જંગી ઓપનિંગ ભાગીદારીને સહારે જીત આસાન બનાવી હતી. તેઓએ માત્ર ૧૫ ઓવરમાં જ એકમાત્ર વોર્નરની વિકેટ ગુમાવતા જીત હાંસલ કરી લીધી હતી.

હવે કોલકાતા માટે પ્લે ઓફની રેસ મુશ્કેલ બનશે. જ્યારે હૈદરાબાદની ટીમે ૯મી મેચમાં પાંચમી જીત સાથે પોઈન્ટ ટેબલમાં ૧૦ પોઈન્ટ્સ મેળવ્યા હતા. તેઓ હાલ ચોથા ક્રમે છે. 

હૈદરાબાદ સામે કોલકાતાના બેટ્સમેનો લાચાર

હૈદરાબાદે ટોસ જીતીને કોલકાતાને બેટીંગમાં ઉતાર્યું હતુ. હોમગ્રાઉન્ડ પર રમી રહેલા હૈદરાબાદના કસાયેલા બોલિંગ આક્રમણ સામે કોલકાતાને ક્રિસ લીને આક્રમક શરૃઆત અપાવી હતી. જોકે તેને સામેના છેેડેથી સપોર્ટ મળી શક્યો નહતો. લીને ૪૭ બોલમાં ૫૧ રન ફટકાર્યા હતા. હૈદરાબાદના બોલરોએ સામેના છેડેથી વિકેટ ઝડપવાનો સિલસિલો જારી રાખ્યો હતો. રિંકુ સિંઘના ૩૦ અને સુનિલ નારાયણના ૨૫ રન મુખ્ય હતા. કોલકાતા ૮ વિકેટે ૧૫૯ રન જ કરી શક્યું હતુ. ખલીલે ૩૩ રનમાં ૩ અને ભુવનેશ્વર કુમારે ૩૫ રનમાં બે વિકેટ ઝડપી હતી.

બેરસ્ટો અને વોર્નર વચ્ચે શતકીય ઓપનિંગ ભાગીદારી

ઈંગ્લેન્ડના વિકેટકિપર-બેટ્સમેન બેરસ્ટો અને ઓસ્ટ્રેલિયન ઓપન વોર્નરે શાનદાર દેખાવ જારી રાખતાં કોલકાતા સામેની મેચમાં ૧૩૧ રનની ભાગીદારી કરી હતી. વોર્નરે આ સાથે આઇપીએલમાં સતત પાંચમી સિઝનમાં ૫૦૦ કે વધુ રન ફટકાર્યા હતા. બેરસ્ટોએ ૪૩ બોલમાં ૭ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે અણનમ ૮૦ રન ફટકાર્યા હતા. જ્યારે વોર્નર ૩૮ બોલમાં ૫ છગ્ગા અને ૩ ચોગ્ગા સાથે ૬૭ રને આઉટ થયો હતો. કોલકાતાએ બેરસ્ટોના કેચ પડતા મૂકીને તેને મદદ કરી હતી.




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IIDABg
via Latest Gujarati News

Post a Comment

0 Comments