મુંબઈ, તા.૨૧
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને ચીફ સિલેક્ટર દિલીપ વેંગસરકરે કહ્યું છે કે, ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને જ્યારે મેં પહેલી વખત ટીમ ઈન્ડિયા સામેલ કરવાનો નિર્ણય લીધો ત્યારે તે સમયના કેપ્ટન ધોની અને કોચ ગેરી કર્સ્ટને વિરોધ કર્યો હતો. હકીકતમાં તે સમયે ધોની-કોહલીએ તો તેનું નામ સુદ્ધાં સાંભળ્યું નહતુ. તેઓ નહતા ઈચ્છા તે સાવ અજાણ્યા યુવા ખેલાડીને સીધો જ ટીમ ઈન્ડિયામાં સમાવી લેવામાં આવે, પણ મને તેની પ્રતિભામાં પૂરો ભરોસો હતો.
મુંબઈમાં એક પુસ્તક લોન્ચિંગના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા વેંગસરકરે કહ્યું કે, મેં વિરાટ કોહલીને સીધો જ ટીમ ઈન્ડિયામાં સામેલ કરી દીધો હતો. હું જ્યારે ચીફ સિલેક્ટર હતો, તે સમયે ભારતના યુવા ખેલાડીઓ ઓસ્ટ્રેલિયામાં ઈમર્જિંગ પ્લેયર્સની સિરીઝ રમવા ગયા હતા. હું પણ ચીફ સિલેક્ટર તરીકે ત્યાં મેચ જોવા ગયો હતો. કોહલીની આગેવાનીમાં ભારત અંડર-૧૯ વર્લ્ડકપ જીત્યું હતુ. ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ઈમર્જિંગ પ્લેયર્સની ક્રિકેટ મેચમાં કોહલીએ પહેલી જ મેચમાં સદી ફટકારી હતી. હું તેનાથી ખુબ જ પ્રભાવિત થયો હતો અને જ્યારે મેં પાછા ફરીને આ વિશિષ્ટ પ્રતિભા અંગે વાત કરી તો કોઈએ તેનું નામ પણ સાંભળ્યું નહતુ.
ક્રિકેટ વર્તુળમાં કર્નલ તરીકેની ઓળખ ધરાવતા વેંગસરકરે કહ્યું કે, તે સમયે ધોની કેપ્ટન હતો અને કર્સ્ટન કોચ હતો. તેમણે તો ત્યારે કોહલીનું નામ સુદ્ધાં સાંભળ્યું નહતુ. જેના કારણે તેઓએ કહ્યું કે, હાલના તબક્કે આપણે તેને ટીમમાં ન સમાવવો જોઈએ અને તેને હજુ કેટલીક મેચોમાં તેની પ્રતિભા પૂરવાર કરવાની તક આપવી જોઈએ. જોકે મેં કોહલીને ટીમમાં સમાવવાનો આગ્રહ રાખ્યો જેના કારણે તેમણે બદ્રિનાથને પડતો મૂકીને તેને સમાવ્યો. કોહલીએ ૧૮મી ઓગસ્ટ, ૨૦૦૮ના રોજ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડગ માંડયા હતા.
નોંધપાત્ર છે કે, તાજેતરમાં કોહલીએ તેની કારકિર્દીના મુશ્કેલ તબક્કામાં મદદ કરવા માટે ધોનીનો આભાર માન્યો હતો. જોકે તેણે વેંગસરકર અંગે કોઈ કોમેન્ટ કરી નહતી.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gx95Nk
via Latest Gujarati News
0 Comments