કાશ્મીરમાં સરહદે પાકે. જૈશના આતંકીઓ ખડક્યા હોવાના અહેવાલ


પાકિસ્તાને મોટા પ્રમાણમાં હથિયારો, લોંચપેડ સાથે આતંકીઓ તૈનાત કર્યા હોવાથી ભારતીય સૈન્ય પણ એલર્ટ

પુલવામા હુમલા બાદ ભારત સર્જિકલ સ્ટ્રાઇક કરશે તેવા ભયને પગલે આતંકીઓને પરત ખસેડી લીધા હતા 

બેવડી નીતિ, પાકિસ્તાનમાં આતંકીઓ સામે કાર્યવાહીનું નાટક, સરહદે જમાવડો 

નવી દિલ્હી, તા.16 એપ્રિલ, 2019, મંગળવાર

ભારતની એરસ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક બાદ પણ સરહદે આતંકવાદ ખતમ નથી થઇ રહ્યો, રિપોર્ટ અનુસાર જૈશ-એ-મોહમ્મદ નામનું આતંકી સંગઠન સરહદે ફરી સક્રીય થઇ ગયું છે. એવા રિપોર્ટ છે કે એલઓસી પર ફરી આતંકીઓને ખડકી દેવામાં આવ્યા છે અને નવા લોંચપેડ પણ તૈયાર થઇ ગયા છે. આતંકીઓ ફરી ગમે ત્યારે સરહદ પાર કરીને ઘુસણખોરી કરવાની ફિરાકમાં છે. 

જમ્મુ કાશ્મીર પોલીસ અને સૈન્યના ટોચના અધિકારીઓએ આ રિપોર્ટ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સરહદે જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ ફરી પાછા એજ જગ્યાએ આવી ગયા છે કે જ્યાં એરસ્ટ્રાઇક પહેલા હતા.  ૧૪મી ફેબુ્રઆરીએ થયેલા પુલવામા હુમલાનો બદલો લેવા માટે ભારતીય એરફોર્સે ૨૬મી એપ્રીલના રોજ પાકિસ્તાનની સરહદમાં ઘુસીને એરસ્ટ્રાઇક કરી હતી.

આ એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાન સૈન્ય અને આતંકી સંગઠનોએ સરહદેથી પોતાના આતંકીઓને પરત બોલાવી લીધા હતા. જોકે હવે આ આતંકીઓ ફરી સરહદે સક્રીય થઇ ગયા છે, અહીંના શ્રીનગરથી ૧૧૪ કિમી દુર આવેલા કુપવાડાની આસપાસ જ આતંકીઓએ ફરી આ કેમ્પો ખોલી નાખ્યા છે. મોટા પ્રમાણમાં હથિયારો સાથે આતંકીઓ આ વિસ્તારમાં સક્રીય છે જેને પગલે સૈન્ય પણ હવે એલર્ટ થઇ ગયુ છે અને કોઇ પણ પ્રકારની ઘૂસણખોરીને રોકવા માટે સજ્જ થઇ ગયુ છે. 

પાકિસ્તાન એક તરફ આતંકીઓ સામે કાર્યવાહીનું નાટક કરી રહ્યું છે જ્યારે બીજી તરફ આતંકીઓને સરહદેથી કાશ્મીરમા ઘુસાડવા હવાતીયા મારી રહ્યું છે. હાલ જે રિપોર્ટ સામે આવ્યું તેનાથી પાકિસ્તાનની બેવડી નીતી ખુલ્લી પડી ગઇ છે.

બીજી તરફ આતંકીઓના સક્રિય થઇ જવાથી સરહદી ગામડાઓમાં ગોળીબારની ઘટના પહેલા જ વધી હતી અને હવે તેમાં વધારો થશે. જેને પગલે ગ્રામજનો પણ આ રિપોર્ટ બાદ સતર્ક થઇ ગયા છે. અહીં પુલવામા હુમલા બાદ ભારતે કરેલી એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાન સૈન્ય દ્વારા સરહદે સતત ગોળીબાર અને ઘુસણખોરી વધી રહી છે. જોકે સૈન્યને પણ આક્રામક જવાબ આપવાની છૂટ આપવામાં આવી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gji0AJ
via Latest Gujarati News

Post a Comment

0 Comments