
માવઠાથી પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં મૂકાયા
સૌરાષ્ટ્રના મોરબી, પડધરી, ચોટીલાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા પડયા
અમદાવાદમાં પણ ધૂળની ડમરી સાથે તોફાની પવન બાદ વરસાદ પડયો
વરસાદી માહોલથી ગરમીમાં રાહત, રાજ્યભરમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીથી નીચે
રાજકોટ/ મહેસાણા/ અમદાવાદ, તા.16 એપ્રિલ, 2019, મંગળવાર
વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ- અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વાતાવરણમાં પલટો થતાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં અનેક સ્થાને કમોસમી વરસાદ તો કેટલાક સ્થાને કરા પડયા હતા. તોફાની પવન અને ભારે વરસાદથી ગુજરાતમાંથી ૯ વ્યક્તિના મૃત્યુ થયા છે.
વાતાવરણમાં પલટો આવતા રાજ્યના સર્વત્ર ગરમીનો પારો ૪૦ ડિગ્રીથી નીચે થઇ જતાં ગરમીમાંથી રાહત અનુભવાઇ હતી. જોકે, માવઠાથી પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મૂકાઇ ગયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં હજુ આવતીકાલે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા-સાબરકાંઠા- મહેસાણા- ખેડા- આણંદ-મહીસાગર-દાહોદ- અરવલ્લી- અમદાવાદ-ગાંધીનગર, સૌરાષ્ટ્રના રાજકોટ-સુરેન્દ્રનગર-મોરબીમાં આવતીકાલે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જેના પગલે આગામી ૨૪ કલાકમાં સરેરાશ મહતમ તાપમાનમાં ૩ ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે.
આ પછી સરેરાશ મહતમ તાપમાનનો પારો તબક્કાવાર વધતો જશે અને ગરમી ફરી એકવાર પોતાનું પ્રભુત્વ જમાવશે. ' અમદાવાદમાં પણ બપોરથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધૂળની ડમરી સાથે પવન ફૂંકાયા બાદ વરસાદનું ઝાપટું પડયુિં હતું. આજે સૌરાષ્ટ્રમાંથી ૪, મહેસાણામાંથી ૩ જ્યારે કડીમાંથી ૨ વ્યક્તિના ભારે પવન-વરસાદથી મૃત્યુ થયા હતા.
આ ઉપરાંત અનેક ભારે પવનથી અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા અને હોર્ડિંગ્સ પણ ઉડયા હતા. કમોસમી વરસાદથી ખેતરોમાં તૈયાર થયેલા રવિ પાકને નુકસાન થવાની ભીતિ છે. ઉત્તર ગુજરાતના મહેસાણામાં ૩૦ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનથી ઠેર-ઠેર હોર્ડિંગ્સ ઉડયા હતા અને કુલ ૩ વ્યક્તિના મોત થયા છે. મહેસાણામાં વાવાઝોડા સાથે વરસાદે તોફાની બેટિંગ કરી હતી.દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ મોડી સાંજે ખેડા જિલ્લામાં પણ વરસાદનું ઝાપટું પડયું હતું.
ખેતરો, માર્કેટયોર્ડમાં ખૂલ્લામાં પડેલા અનાજને નુકશાન, ખેડૂતો ચિંતાતુર
વાવાઝોડા સાથે વરસાદ પડતા અમદાવાદ જિલ્લા સહિતના વિવિધ માર્કેટયાર્ડમાં ખૂલ્લામાં પડેલું અનાજ ઉડી જતા તેમજ પલડી જતા તેમાં પણ ભારે નુકશાની થઇ હતી. તેમજ માર્કેટયાર્ડોમાં ઘઉં વેચવા આવેલા ખેડૂતોને નુકશાની થવા પામી છે.
ઉપરાંત ખેતરોમાં પડેલા અનાજ અને સૂકા પૂળા વાવાઝોડામાં આકાશમાં ઉડતા ખેડૂતોને તેમાં પણ નુકશાન થયું છે. હવામાનમાં પલટો આવતા બાગાયતી પાકોને સવિશેષ નુકશાન થયું છે. જેમાં કેરી, લીંબુ અને દાડમના પાકને અતિભારે નુકશાન થયું હોવાનું ખેતીવાડી ખાતાના અધિકારીઓનું હાલમાં પ્રાથમિક ઔઅનુમાન છે.
દિલ્હીમાં વરસાદ અને ઠંડા પવનોને કારણે તાપમાન ઘટયું
નવી દિલ્હી, તા. ૧૬
દિલ્હીમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. આની સાથે ૬૦ થી ૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ઠંડો પવન ફૂંકાતા દિલ્હીવાસીઓને ગરમીથી રાહત મળી હતી. જેના પગલે દિલ્હીમાં મહત્તમ તાપમાન સામાન્યથી છ ડિગ્રી ઘટીને ૩૦.૭ ડિગ્રી સેલ્સિયસ જ્યારે લઘુતમ તાપમાન સામાન્યથી એક ડિગ્રી ઓછું રહીને ૨૦.૫ ડિગ્રી રહ્યું હતું.
દિલ્હી આજે સવારે ૮.૩૦ વાગ્યા સુધીમાં ૦૦૧.૧ મિમી અને સવારે ૮.૩૦ થી સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૦૦૦.૨ મિમી વરસાદ નોંધાયું હતું. દિલ્હીમાં આજે છેલ્લા આઠ વર્ષોમાં ૧૬ એપ્રિલનું સૌથી નીચુ તાપમાન નોંધવામાં આવ્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UFTLqt
via Latest Gujarati News
0 Comments