
(એપી) કાબુલ, તા.20 એપ્રિલ, 2019, શનિવાર
શાંતિ માટેની વ્યાપક સ્તરીય વાટાઘાટોની આશા પડી ભાંગી એના એક દિવસ પછી આજે અફઘાનિસ્તાનના સલામતી દળો સાથેની ધમાસાણ લડાઇ દરમિયાન થયેલા આત્મઘાતી ધડાકામાં અફઘાન પાટનગર કાબુલમાં અફરાતફરી મચી ગઇ હતી, જેમાં ૭ જણાનાં મોત થયા હતા, જ્યારે અન્ય ૮ લોકો ઘવાયા હતા.
પોલીસ વડા જનરલ સઇદ મહંમદ રોશનદિલે જણાવ્યું કે બોમ્બરે ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયની બહાર પોતાની જાતને ફૂંકી મારી, અન્ય હુમલાખોરો માટે કાબુલના મધ્ય ભાગમાં આવેલી એ બિલ્ડિંગ અને ભારે સુરક્ષિત કરાયેલા સરકારી પ્રાંગણમાં પ્રવેશવાનો માર્ગ મોકળો કરી આપ્યો હતો.
જાહેર આરોગ્ય મંત્રાલયના પ્રવકતા વહિદુલ્લાહ માયારે કહ્યું કે આ હુમલામાં ઓછામાં ઓછા ૭ જણાના મોત થયા છે અને ત્રણ મહિલા સહિત ઘાયલ અન્ય ૮ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
હાલ તુર્ત કોઇએ હુમલાની જવાબદારી લીધી નથી. તાલિબાન ઘૂસણખોરોઅને ઇસ્લામિક સ્ટેટ ગૃપ - બંને પૂર્વ અફઘાનિસ્તાનમાં સક્રિય છે અને અગાઉ કાબુલ પર હુમલા કર્યા હોવાનું કબૂલ્યું હતું.
તાલિબાનોએ આજની ઘટનામાં એમની સંડોવણીનો ઇન્કાર કર્યો છે.
દેશના આંતરિક મંત્રાલયના પ્રવકતા નસરત રાહિમિએ કહ્યું કે અફઘાન સલામતી દળોએ બધા હુમલાખોરોને ઠાર માર્યા પછી ટેલિકોમ્યુનિકેશન મંત્રાલય ખાતે સલામતી કામગીરી પાર પડાઇ છે. કતારમાં અફઘાન - થી - અફઘાન શાંતિ માટેની ચર્ચા રદ થઇ એના એક દિવસ પછી આ હુમલો થયો છે.
જો શાંતિ માટેની વાટાઘાટો ચાલતી રહી હોત તો તાલિબાન અને અફઙાન સરકારના અધિકારીઓ અફઘાનિસ્તાનમાંનું યુધ્ધ બંધ કરવા અને અમેરિકી દળોને પાછા ખેંચાવા માટે સાથે બેઠા હોય એવું પ્રથમ વાર બન્યું હોત. સલામતી દળોએ હુમલાવાળી જગ્યા પાસેના બધા માર્ગો બંધ કરી દીધા હતા, જેથી અન્ય ચાર આત્મઘાતી બોમ્બરો એમના, નજીકની સેન્ટ્રલ પોસ્ટ ઓફિસના નિશાન સુધી પહોંચી શકે એ પહેલાં એમને ઠાર મરાયા હતા, એમ રાહિમિએ ઉમેર્યું.
હુમલામાંથી ઉગરી ગયેલા ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયના એક કર્મચારી હમીદ પોપાલઝઇએ કહ્યું કે ધડાકો થયો અને એ પછી અમે બંદુકમાંથી થતા ગોળીબાર અને વધુ ધડાકાનો અવાજ સાંભળ્યો. હુમલો શરૂ થયો ત્યારે મંત્રાલયમાં સ્ત્રી-પુરૂષો મળીને મોટી સંખ્યામાં લોકો મોજૂદ હતા.
લોકલ ટીવી પર જોવા મળેલી ઘટનાના જીવંત કવરેજમાં જણાયું કે સરકારી કર્મચારીઓ જીવ બચાવવા માટે પડોશના માહિતી અને સંસ્કૃતિ મંત્રાલયની ઇમારતમાં દોડી જઇ રહ્યા હતા, જેમાના કેટલાક તો બારીઓની બહારથી ચઢી ગયા હતા.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IQ9xrk
via Latest Gujarati News
0 Comments