બેંગાલુરુ, તા.૨૦
ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ આવતીકાલે બેંગ્લોર સામે ટકરાશે, ત્યારે તેની નજર પ્લે ઓફમાં સ્થાન નિશ્ચિત કરવા તરફ રહેશે. જોકે કોહલીએ જે પ્રકારે આગવું ફોર્મ મેળવી લીધું છે, તે જોતાં ધોનીની ટીમની ગણતરી બેંગ્લોર ઉંધી વાળે તેમ પણ બની શકે. ચેન્નાઈની ટીમ નવમાંથી સાત મેચ જીતી ચૂકી છે અને હવે તેઓને પ્લે ઓફમાં સ્થાન નિશ્ચિત કરવા માટે વધુ એક જ મેચ જીતવાની છે. ધોનીની ટીમને આખરી મેચમાં હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડયો હતો. હવે તેઓ બેંગ્લોરને હરાવવા માટે કમર કસી રહ્યા છે.
બેંગાલુરુમાં આવતીકાલે રાત્રે ૮.૦૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. કોહલીએ ફરી આગવી લયમાં બેટીંગ કરતાં કોલકાતાના અનુભવી બોલિંગ આક્રમણ સામે સદી ફટકારી હતી. તેનો સાથ આપતાં મોઈન અલીએ પણ ઝંઝાવાત જગાવ્યો હતો. આ પછી નિતિશ રાણા અને રસેલની તોફાની બેટીંગ છતાં બેંગ્લોરના બોલરોએ ટીમને જીતાડવામાં સફળતા હાંસલ કરી હતી. હવે બેંગ્લોર ચેન્નાઈ સામે જીતવા માટે પ્રયાસ કરશે.
ધોની ઈજાના કારણે હૈદરાબાદ સામે રમવા ઉતર્યો નહતો. જોકે આવતીકાલની મેચમાં તેનું પુનરાગમન નક્કી મનાય છે. ચેન્નાઈનો મદાર રાયડુ, રૈના, વોટસન, ડ્વેન બ્રાવો, ડુ પ્લેસીસ, કેદાર જાધવ જેવા બેટ્સમેનો પર રહેશે. ઓલરાઉન્ડર જાડેજા પણ વર્લ્ડકપ અગાઉ શાનદાર દેખાવ જારી રાખવા માટે ઉત્સુક છે. ચેન્નાઈની બોલિંગનો મદાર દીપક ચાહર અને શાર્દૂલ ઠાકુરની સાથે સાન્ટનેર, હરભજન અને કર્ણ શર્મા પર રહેશે.
બીજી તરફ બેંગ્લોર ચહલ, મોઈન અલી, ઉમેશ યાદવ, સાઉથી, સુંદરની સાથે સાથે સિરાજ, સૈની અને સ્ટેન પર આધાર રાખી રહ્યુ છે. તેમની બેટીંગનો મદાર તો કેપ્ટન કોહલી અને મોઈન અલી તેમજ ડિવિલિયર્સ ઉપરાંત ઓપનર પાર્થિવ પટેલ જેવા બેટ્સમેનો પર રહેશે. હવે રસાકસીભર્યા જંગમાં ધોની જીતે છે કે, કોહલી તેના પર ચાહકોની મીટ મંડાઈ છે. કુલદીપ યાદવ અને યઝવેન્દ્ર ચહલ વચ્ચેના મુકાબલામાં કોણ ચડિયાતું સાબિત થઈ શકે છે, તે જોવાનું રહેશે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IQgUPw
via Latest Gujarati News
0 Comments