હાર્દિક અને રાહુલ બંનેને મહિલાઓ અંગેની કોમેન્ટ્સ બદલ રૂપિયા 20 લાખનો દંડ

નવી દિલ્હી, તા.૨૦

એક ટીવી શૉમાં મહિલાઓ અંગે અભદ્ર કોમેન્ટ્સ કરવા બદલ હાર્દિક પંડયા અને લોકેશ રાહુલને ભારતીય ક્રિકેટ બોર્ડના ઓમ્બડ્સમેને રૃપિયા ૨૦-૨૦ લાખનો દંડ ફટકાર્યો હતો. જોકે તેમના પર પ્રતિબંધ મૂકાયો નથી. બોર્ડના ઓમ્બડ્સમેન ડી.કે. જૈને કાર્યભાર સંભાળ્યા બાદના તેમના સૌપ્રથમ ચૂકાદામાં જણાવ્યું હતુ કે, આ મામલે ખેલાડીઓ સામે વધુ કોઈ પગલા લેવાના રહેતા નથી, કારણ કે તેઓ અગાઉ જ પાંચ-પાંચ વન ડે મેચો ગુમાવી ચૂક્યા છે. નોંધપાત્ર છે કે, બંને ખેલાડીઓને ભારતની વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યું છે. જો તેમને પ્રતિબંધની સજા થાત તો તેની સીધી અસર વર્લ્ડકપ પર પડે તેમ હતી.

મહિલાઓ અંગે વિવાદિત કોમેન્ટ કરનારા બંને ખેલાડીઓને તેમના દંડમાંથી ૧-૧ લાખ રૃપિયા જેટલી રકમ તાજેતરમાં દેશની રક્ષા કરતાં કરતાં જાન ગુમાવનારા ૧૦ અર્ધ-લશ્કરી દળોના કોન્સ્ટેબલોની વિધવાઓને 'ભારત કે વીર એપ્પ'ના માધ્યમથી ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે. જ્યારે બાકીના૧૦-૧૦ લાખ રૃપિયા બ્લાઈન્ડ ક્રિકેટરોના એસોસિએશનને આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે. 

બંને ખેલાડીઓને ચાર સપ્તાહમાં આ ચૂકવણી કરી દેવા માટે જણાવાયું છે અને જો તેમ ન થાય તો બીસીસીઆઈ આ રકમ તેમની મેચ ફીમાંથી કાપી લેશે. 

૨૫ વર્ષના હાર્દિક પંડયા અને ૨૭ વર્ષના લોકેશ રાહુલે એક ટીવી ટોક શૉમાં મહિલાઓ અંગે અયોગ્ય કોમેન્ટ્સ કરતા ભારે વિવાદ સર્જાયો હતો. આ પછી બીસીસીઆઇએ તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે આ ખેલાડીઓને સજા કરવાના મામલે બોર્ડનું સંચાલન કરતી કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સના વડા વિનોદ રાય અને તે સમયના એકમાત્ર સભ્ય ડાયના એડલજીમાં મતભેદ સર્જાયો હતો. જેના કારણે વિનોદ રાયે તેમની સત્તાનો ઉપયોગ કરીને ખેલાડીઓ પરનો પ્રતિબંધ દૂર કરી દીધો હતો અને પેન્ડિંગ તપાસની શરતે તેમને રમવાની છૂટ આપી હતી. 



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GzljF9
via Latest Gujarati News

Post a Comment

0 Comments