નડાલને સેમિ ફાઈનલમાં હરાવીને ફોગ્નીનીએ મેજર અપસેટ સર્જ્યો

મોન્ટે કાર્લો,તા.૨૦

ક્લે કોર્ટના લેજન્ડરી સુપરસ્ટાર અને મોન્ટે કાર્લોમાં છેલ્લા ત્રણ વર્ષ સહિત કુલ ૧૧ વખત ચેમ્પિયન રહી ચૂકેલા સ્પેનિશ ખેલાડી નડાલને સેમિ ફાઈનલમાં ઈટાલીના ફાબિયો ફોગ્નીનીએ સીધા સેટોમાં ૬-૪, ૬-૨થી હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો. ૧૩મો ક્રમાંક ધરાવતા ઈટાલીના ૩૧ વર્ષીય ફોગ્નીનીએ આ સાથે કારકિર્દીની સૌપ્રથમ માસ્ટર્સ ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યાં તેની ટક્કર પ્રથમ વખતના ફાઈનલીસ્ટ એવા સર્બિયાના લાજોવિચ સામે થશે. જેણે યોકોવિચને હરાવનારા રશિયાના મેડ્વેડવ સામે ૭-૫, ૬-૧થી વિજય મેળવ્યો હતો.

સ્પેનિશ સુપરસ્ટાર નડાલ ક્લ કોર્ટ કિંગ તરીકે ઓળખાય છે અને તે ૩૨ વર્ષીય સુપર સ્ટાર ૧૧ વખત ફ્રેન્ચ ઓપન પણ જીતી ચૂક્યો છે. ક્લે કોર્ટ પર રમાતી મોન્ટે કાલો માસ્ટર્સમાં નડાલ ૨૦૧૬, ૨૦૧૭ અને ૨૦૧૮માં ચેમ્પિયન બન્યો હતો. જોકે આજે રમાયેલી સેમિ ફાઈનલમાં ઈટાલીયન હરિફ સામે તે ટકી શક્યો નહતો. આ સાથે નડાલની મોન્ટે કાર્લોમાં સળંગ ૧૮ મેચની વિજયી આગેકૂચનો અંત આવી ગયો હતો. ફોગ્નીનીએ સળંગ ૨૫ સેટ જીતવાના નડાલના રેકોર્ડને પણ તોડી નાંખ્યો હતો. નડાલને અંહી ૨૦૧૫ બાદ પહેલી વખત હારનો સામનો કરવો પડયો હતો, જેના કારણે ફ્રેન્ચ ઓપનમાં રેકોર્ડ ૧૨મું ટાઈટલ જીતવાની તેની દાવેદારીને ફટકો પડયો છે. નોંધપાત્ર છે કે, ૨૦૧૫માં તેને સેમિ ફાઈનલમાં યોકોવિચે હરાવ્યો હતો. 

નડાલે આખરી પળોમાં સંઘર્ષ કરતાં ત્રણ મેચ પોઈન્ટ બચાવ્યા હતા, પણ તે ફોગ્નીનીને જીતથી વંચિત રાખી શક્યો નહતો. આ સાથે ફોગ્નીની મોન્ટે કાર્લો માસ્ટર્સમાં ૧૯૭૭ બાદ ફાઈનલમાં પ્રવેશનારો સૌપ્રથમ ઈટાલીયન ખેલાડી બન્યો હતો. છેલ્લે કોરાડો બારાઝુટ્ટીએ આ સિદ્ધિ હાંસલ કરી હતી. અગાઉ ટોપ સીડ ધરાવતા યોકોવિચને ક્વાર્ટર ફાઈનલમાં રશિયાના મેડ્વેડેવે હરાવ્યો હતો. 



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IQgRDk
via Latest Gujarati News

Post a Comment

0 Comments