આજે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે કોલકાતા ફરી જીતની તલાશમાં ઉતરશે

હૈદરાબાદ, તા.૨૦

કોલકાતા નાઈટરાઈડર્સ સતત ચાર પરાજય બાદ આવતીકાલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ફરી જીતની તલાશમાં ઉતરશે. એન્ડ્રે રસેલની તોફાની બેટીંગને સહારે ધમાકેદાર દેખાવ કરનારા કોલકાતાની ટીમ છેલ્લા કેટલાક સમયથી આગવી લયમાં રમી શકતી નથી અને આ બાબતનો ફાયદો સનરાઈઝર્સ હૈદરાબાદ ઉઠાવશે તે નક્કી મનાય છે. હવે હોમગ્રાઉન્ડ પર રમતા હૈદરાબાદને નાઈટરાઈડર્સ હરાવી શકે છે કે, પછી તેમની હારનો સિલસિલો આગળ ધપે છે, તે જોવાનું રહેશે.

હૈદરાબાદમાં બપોરે ૪.૦૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. કોલકાતા અને હૈદરાબાદ એમ બંને ટીમોના ૮-૮ પોઈન્ટ્સ છે. જોકે હૈદરાબાદ કોલકાતા કરતાં એક મેચ ઓછી રમ્યું છે. હવે પ્લે ઓફની રેસ તીવ્ર બની છે, ત્યારે બંને ટીમો પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ મજબુત કરવા માટે પ્રયાસ કરશે. આઇપીએલમાં જે પ્રકારે પોઈન્ટ ટેબલમાં નાટકીય ચડાવ-ઉતાર જોવા મળતા હોય છે, તે જોતાં કોલકાતા આવતીકાલે જીતીને પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી શકે છે. 

યજમાન ટીમ વોર્નર અને બેરસ્ટો જેવા ટોપ ઓર્ડરના બેટસમેનો પર અતિશય આધારિત જોવા મળી છે. જેના કારણે વર્લ્ડકપની ટિકિટ મેળવનારો વિજય શંકર કે પછી વિલિયમસન આગવા ફોર્મમાં જોવા મળ્યા નથી. હૈદરાબાદે મીડલઓર્ડરની બેટીંગમાં સુધારવો કરવાની જરુર દેખાઈ રહી છે. જ્યારે કોલકાતાને બોલિંગ ડિપાર્ટમેન્ટના વધુ સારા દેખાવની આશા છે.

કોલકાતા માટે નિતિશ રાણાનું ફોર્મ આશાસ્પદ બાબત છે. દિનેશ કાર્તિક, રસેલ, ગિલ, બ્રાથવેઈટ, લીન તેમનું ફોર્મ બતાવી ચૂક્યા છે. જોકે નારાયણ, કુલદીપ અને ચાવલાની ત્રિપુટી જે પ્રકારે ફ્લોપ રહી તે ચિંતા જન્માવે તેવું છે. હૈદરાબાદની ટીમમાં વોર્નર-બેરસ્ટો સિવાય મનીષ પાંડે, યુસુફ પઠાણ, સાહા, વિજય શંકર જેવા બેટ્સમેનો છે, જેમણે તેમનો પ્રભાવ દેખાડવો પડશે. 




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GxUKQG
via Latest Gujarati News

Post a Comment

0 Comments