
(પીટીઆઈ) નવી દિલ્હી, તા.26 એપ્રિલ, 2019, શુક્રવાર
અભિનેતા સની દેઓલ બાદ વધુ એક સેલિબ્રિટીએ ચાલુ સપ્તાહમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. મશહૂર પંજાબી ગાયક દલેર મેહંદીએ શુક્રવારે બપોરે ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી હતી.
તેમણે ઉત્તર પશ્ચિમી દિલ્હી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હંસરાજ હંસની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. હકીકતે દલેર મેહંદી અને હંસરાજ હંસ બંને ગાયક હોવા ઉપરાંત એકબીજાના સંબંધી પણ છે. ૨૦૧૩માં દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા દલેર મેહંદી કોંગ્રેસમાં જોડાયા હતા અને તેમણે પાર્ટી માટે કેમ્પેઈન સોંગ કંપોઝ કરીને ગાયું હતું.
૫૧ વર્ષીય દલેર મેહંદીએ ૧૯૯૦ના ગાળામાં ખૂબ જ લોકપ્રિયતા હાંસલ કરી હતી અને 'રંગ દે બસંતી' સહિત અનેક બોલિવુડ હિટ સોંગ આપ્યા હતા. તેમના ભાઈ મિકા હિંદી ફિલ્મી ગીતોની દુનિયામાં હાલમાં ખૂબ મોટું નામ છે. ભૂતકાળમાં દલેર મેહંદી પર ગેરકાયદેસર ઈમિગ્રેશનનો કેસ ચાલ્યો હતો.
૧૯૯૮-૯૯ના ગાળામાં દલેર ૧૦ જેટલા લોકોને ડાંસર તરીકે પોતાના સાથે યુએસ લઈ ગયા હતા અને તેમને લીધા વગર જ પરત ફર્યા હતા. ૨૦૦૩માં દલેર અને તેમના ભાઈ સહિત કુલ સાત લોકો વિરુદ્ધ વિદેશ લઈ જવાના બહાને છેતરપિંડી કરવાનો કેસ ચાલ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W7cMPf
via Latest Gujarati News
0 Comments