રોહિત શેખર હત્યા કેસ : કોર્ટે અપૂર્વા તિવારીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.26 એપ્રિલ, 2019, શુક્રવાર

દિલ્હી કોર્ટે રોહિત શેખર તિવારીની હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવેલી તેમની પત્ની અપૂર્વા શુક્લાને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપી છે. પોલીસ દ્વારા અપૂર્વાને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવાની કોઈ જરુર ન હોવાની જાણ કરાયા બાદ મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દીપક સહરાવતે અપૂર્વાને જેલમાં મોકલી આપી છે. અગાઉ સાકેત કોર્ટે અપૂર્વાને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપી હતી. 

પોલીસે જણાવ્યા મુજબ એન.ડી. તિવારીના દીકરા રોહિત શેખર તિવારીની હત્યાના આરોપસર ધરપકડ કરવામાં આવેલી રોહિતની પત્ની અપૂર્વા ખૂબ જ અજીબ વર્તાવ કરી રહી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે વકીલ અપૂર્વા શુક્લા કોઈક વખત પોતાના કૃત્ય અંગે પસ્તાવો કરે છે તો કોઈક વખત સમગ્ર ઘટના અંગે ખૂબ જ ઉદાસીનતા દાખવે છે. 

ચાર દિવસ સુધી ચાલેલી ગહન પૂછપરછ દરમિયાન તે એક પણ વખત ભાંગી નહોતી પડી પરંતુ ૧૫-૧૬ એપ્રિલની રાતે રોહિતનું ગળું દબાવીને હત્યા કરવા અંગે હવે તેને પસ્તાવો થઈ રહ્યો હોય તેમ લાગે છે. પોલીસ પૂછપરછ દરમિયાન અપૂર્વાએ રોહિતની માતા ઉજ્વલા હંમેશા તેમની આંતરિક બાબતોમાં દખલ કરતી હોવાના કારણે તેના અને રોહિતના સંબંધોને અસર થઈ હોવાનું જણાવ્યું.

તિવારીની હત્યા કરાઈ તે રાતે રોહિત અને અપૂર્વા ડિફેન્સ કોલોની ખાતે આવેલા તેમના ઘરમાં હતા. હત્યાની રાતે તિવારીના તેની ભાભી સાથેના નિકટ સંબંધોને લઈ તેની અને અપૂર્વા વચ્ચે તકરાર થઈ હતી. અપૂર્વાએ રોહિતને તે તેની ભાભી સાથે વધારે નિકટ સંબંધો ધરાવે છે અને સાથે દારુનું સેવન કરે છે તે પસંદ ન હોવાની ફરિયાદ કરી હતી. 

રોહિતે ઉત્તરાખંડથી પરત ફરતી વખતે પોતેે પોતાની ભાભી સાથે એક જ ગ્લાસમાં દારુ પીધો હતો તેમ કહીને અપૂર્વાને વધારે ગુસ્સે કરી હતી જેથી તેણે રોહિતની તકિયા વડે ગળું દબાવીને હત્યા કરી હતી. પોલીસની અપરાધ શાખાને ઈંદોર જિલ્લા બાર અસોશિએશનનો એક પત્ર મળ્યો છે જેમાં આ કેસની નિષ્પક્ષ તપાસ કરવાની અને અપૂર્વાને ફસાવવામાં ન આવે તેવી અપીલ કરવામાં આવી છે.

વધુમાં તિવારી પરિવાર અપૂર્વાને સંપત્તિમાં ભાગ ન આપવા માંગતો હોવાથી તેને ફસાવી હોવાનું લખ્યું છે. જો કે તિવારી પરિવારે આ પત્ર અપૂર્વાના પિતાએ લખ્યો હોવાનો દાવો કર્યો છે જે ઈંદોરમાં પ્રખ્યાત વકીલ છે અને બાર એસોશિએશનમાં ઉંચા પદ પર છે. વધુમાં પોલીસે અપૂર્વાની સાઈકોલોજિકલ તપાસની તમામ સંભાવનાઓ પર પૂર્ણવિરામ મુક્યું છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DCs2w2
via Latest Gujarati News

Post a Comment

0 Comments