નવી દિલ્હી, તા.૨૪
ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૨મી સિઝન હવે આખરી તબક્કામાં પ્રવેશી ચૂકી છે અને ગૂ્રપ સ્ટેજમાં આખરી ૧૦ દિવસમાં ખરાખરીના મુકાબલા ખેલાવાના છે. જોકે મોટાભાગના વિદેશી ખેલાડીઓએ વર્લ્ડકપની તૈયારી માટે આઇપીએલ છોડીને સ્વદેશ પરત ફરવાનો નિર્ણય લેતાં ખરા તબક્કે જ આઇપીએલની ચમક ઘટશે તે નક્કી મનાય છે. ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાને તો તેમના ખેલાડીઓને આઇપીએલની આખી સિઝન માટે મોકલ્યા હોવાથી તે અંગે કોઈને ફિકર નથી, પણ ખાસ કરીને સાઉથ આફ્રિકાના ખેલાડીઓની ગેરહાજરીથી ફ્રેન્ચાઈઝીઓને મોટો ફટકો પડશે.
ઈંગ્લેન્ડના ખેલાડીઓ તો આઇપીએલ છોડીને સ્વદેશ પરત ફરી ચૂક્યા છે. જ્યારે હવે ટૂક સમયમાં જ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાના ખેલાડીઓએ પણ વતન વાપસીની તૈયારી કરી રહ્યા છે. આ ત્રણ દેશોના ખેલાડીઓ આઇપીએલ છોડી જશે તો સૌથી મોટો ફટકો હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુને પડશે.
ચેન્નાઈ અને મુંબઈની ટીમ બે-બે ખેલાડીઓ ગુમાવશે, જ્યારે દિલ્હી, પંજાબ અને કોલકાતાને એક-એક ખેલાડી ગુમાવવાનો વારો આવશે. હવે ફ્રેન્ચાઈઝીઓ આખરી તબક્કામાં તેમના આ સુપરસ્ટાર્સને સ્થાને અન્ય ખેલાડીઓને કરારબદ્ધ કરે છે કે, ટીમની બેન્ચ સ્ટ્રેન્થથી જ ચલાવી લે છે, તે જોવાનું રહેશે.
વિન્ડિઝના ખેલાડીઓ અંગે અનિશ્ચિતતા
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મોટાભાગે વિદેશી ખેલાડીઓની બોલબાલા રહેતી હોય છે. તેમાં ય એન્ડ્રે રસેલ, ગેલ, પોલાર્ડ અને બ્રાવો જેવા ટ્વેન્ટી-૨૦ના સુપરસ્ટાર્સે તો આ સિઝનમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. વિન્ડિઝે હજુ વર્લ્ડકપની ટીમ જાહેર કરી નથી અને આ કારણે તમામ ખેલાડીઓ આઇપીએલની આખી સિઝનમાં રમશે તેમ મનાય છે. ભૂતકાળમાં વિન્ડિઝના ઘણા ખેલાડીઓ બોર્ડની નારાજગી વહોરી લઈને પણ આઇપીએલમાં રમી ચૂક્યા છે, જેના કારણે તેમનું ક્રિકેટ બોર્ડ ખેલાડીઓને વચ્ચેથી સ્વદેશ પાછા બોલાવે તેવી શક્યતા ખુબ જ ઓછી છે.
શાકીબ આઇપીએલમાં જ રમતો રહેશે
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડનો વર્લ્ડકપનો કેમ્પ શરૃ થવાની તૈયારીમાં છે. જોકે બાંગ્લાદેશની ટીમના વાઈસ કેપ્ટન અને ઓલરાઉન્ડર શાકીબે આઇપીએલ ફ્રેન્ચાઈઝી હૈદરાબાદ સાથે રહીને રમતા રહેવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ નથી કર્યું, પણ હૈદરાબાદની ટીમ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની ગેરહાજરીમાં પરેશાની અનુભવી રહી છે, ત્યારે શાકીબની હાજરી તેમના માટે રાહતનું કારણ બની શકે છે.
આખરી તબક્કામાં ગેરહાજર રહેનારા ખેલાડીઓ
હૈદરાબાદ : વોર્નર, બેરસ્ટો, ચેન્નાઈ : ડુ પ્લેસીસ અને તાહીર, મુંબઈ : બેહરેન્ડોફ અને ડી કૉક, દિલ્હી : રબાડા, પંજાબ : મીલર, કોલકાતા : ડેન્લી, બેંગ્લોર : સ્ટેન, મોઈન અલી, સ્ટોઈનીસ, રાજસ્થાન : બટલર, સ્મિથ, સ્ટોક્સ અને એર્ચેર.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UxupGc
via Latest Gujarati News
0 Comments