
નવી દિલ્હી, તા. 25 એપ્રિલ 2019, ગુરુવાર
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી બન્ને એકબીજા પર ચૂંટણી રેલીમાં ઉગ્ર પ્રહારો કરી રહ્યા છે અને અનેક પ્રકારના આરોપો લગાવી રહ્યા છે. મોદી મમતાને વિકાસના સ્પીડ બ્રેકર કહી રહ્યા છે સાથે ભ્રષ્ટાચારી ગણાવે છે. તો બીજી તરફ મમતાના વખાણ પણ કરી રહ્યા છે.
હાલમાં જ અભિનેતા અક્ષય કુમાર સાથેની વાતચીતમાં મોદીએ દાવો કર્યો હતો કે મમતા દીદી મને વર્ષમાં એક-બે કુર્તા અને એક બે વખત મીઠાઇ મોકલે છે. તેથી હાલ આ ચૂંટણીના માહોલમાં એ ચર્ચાએ જોર પકડયું છે કે નેતાઓના દેખાડવાના જુદા અને ચાવવાના જુદા હોય છે તે પુરવાર થઇ રહ્યું છે.
મોદીના કુર્તા અને મીઠાઇ વાળા નિવેદન બાદ બીજી તરફ મમતા બેનરજીએ પણ જણાવ્યું હતું કે આ પશ્ચિમ બંગાળની સંસ્કૃતિ છે. મમતાએ જણાવ્યું હતું કે મહેમાનોને સ્વાગતમાં મીઠાઇ અને ભેટ આપવી તે પશ્ચિમ બંગાળની સંસ્કૃતિ છે જોકે મીઠાઇ અને ભેટ તો અમે આપીએ છીએ પણ આવા નેતાઓને અને ભાજપને મત નથી આપતા અને આ લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને મત નહીં જ મળે. મોદીએ માત્ર મમતા જ નહીં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદના પણ વખાણ કર્યા હતા.
મોદીએ જણાવ્યું હતું કે ગુલામ નબી આઝાદ મારા સારા મિત્ર છે, હું મુખ્ય પ્રધાન નહોતો ત્યારે તેમને સંસદમાં મળ્યો હતો ત્યારે અમે ઘણા સમય સુધી વાતચીત કરી હતી.
વડાપ્રધાન જાહેર સમારંભોમાં હિંદુત્વ અને રામ મંદિરના નામે પ્રજાને ઉશ્કેરે છે. હિન્દુ-મુસલમાન વચ્ચેની કટ્ટરતા વધે તેવા વિધાનો કરે છે. જ્યારે ખાનગીમાં ગુલામ નબી આઝાદ જેવાં નેતાઓ તેમના ખાસ મિત્ર છે. તેવું કબૂલ કરે છે. પ્રજાએ શું સમજવું તે સમજાતું નથી.
મમતા 'સ્ટિકર દીદી', કેન્દ્રની યોજનાઓ પોતાની સરકારના નામે ચલાવે છે : મોદી
- માત્ર 20 થી 25 બેઠકો પર ચૂંટણી લડનારી પાર્ટીના નેતા પણ વડાપ્રધાન બનવા 'ઘુંઘરું' બાંધીને તૈયાર થઇ ગયા છે
એક ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ મતદારોને જે વચનો આપ્યા છે તે તેઓ નિભાવી શક્યા નથી. અને આ વચનોને આધારે મતદારોએ ડાબેરીઓને સત્તામાંથી દૂર કરી મમતા બેનર્જીને સત્તાનું સુકાન સોંપ્યું હતું.
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે સ્પીડબ્રેકર દીદી સ્ટીકર દીદી પણ છે. તે લોકો માટે મફત વીજળી કે રાશન જેવી કેન્દ્ર સરકારની યોજનાઓ પર સ્ટીકર લગાવી દાવો કરે છે કે આ લાભ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહ્યાં છે. મોદીએ આ અગાઉ રાજ્યમાં કેન્દ્રની યોજનાઓમાં અવરોધ ઉભો કરવા બદલ મમતા બેનર્જીને સ્પીડબ્રેક્ર દીદી ગણાવ્યા હતાં.
પશ્ચિમ બંગાળમાં સતત બીજા દિવસે પ્રચાર કરતા વડાપ્રધાન મોદીએ વિરોધ પક્ષોની મજાક ઉડાવતા જણાવ્યું હતું કે વડાપ્રધાનની રેસ માટે તમામ ઘૂંઘરુ બાંધી તૈયાર થઇ ગયા છે. માત્ર ૨૦ થી ૨૫ બેઠકો પર ચૂંટણી લડનારી પાર્ટીના નેતા પણ વડાપ્રધાન બનવા માગે છે.
ત્રણ તબક્કાના મતદાન પછી એક વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીનો સૂર્ય આથમવાની તૈયારીમાં છે. જો દીદી પાસે ગુંડાઓનો સહકાર હોય તો અમારી પાસે લોેકશાહીની તાકાત છે. મોદીએ પશ્ચિમ બંગાળમાં નિષ્પક્ષ ચૂંટણી કરાવવા બદલ ચૂંટણી પંચનો આભાર માન્યો હતો.
મોદીએ નોટબંધીથી કાળાં નાણાંને ધોળા કર્યા અને તેનાથી મત ખરીદ્યા : મમતા
- બંગાળમાં આતંક મચાવી કોમવાદી વાતાવરણ બનાવવા ભાજપે ગુંડાઓની આયાત કર્યાનો આરોપ
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ વડા પ્રધાન મોદી પર ગંભીર આરોપો લગાવ્યા હતા. મમતાએ જણાવ્યું હતું કે મોદીએ દેશમાં નોટબંધી કાળા નાણા ધોળા કરવા માટે જ લાદી હતી અને નોટબંધી લાદીને જે કાળા નાણાના ધોળા કર્યા તેનો બાદમાં આ લોકસભાની ચૂંટણીમાં મત ખરીદવા માટે મોદીએ ઉપયોગ કર્યો છે. તુણમુલ કોંગ્રેસ વડાએ આ આરોપો ત્યારે લગાવ્યા હતા જ્યારે મોદીએ પણ આ જ પ્રકારના આરોપો તેમના પર લગાવ્યા હતા.
મોદીએ પશ્ચિમ બંગાળમાં રેલીને સંબોધતા કહ્યું હતુ કે જો વડા પ્રધાન પદની હરાજી થતી હોય તો મમતા બેનરજી તેમણે જે કૌભાંડો કર્યા તેનાથી લૂટેલા પૈસા લઇને આ પદ ખરીદવા માટે પહોંચી જાય તેમ છે.
મમતાએ પણ મોદીને તેમના જ શબ્દોમાં વળતો પ્રહાર કર્યો હતો. મમતાએ જણાવ્યું હતું કે મોદીએ નોટબંધી લાગુ કરીને કાળા નાણાને ધોળા કરી લીધા અને બાદમાં આ પૈસાનો ઉપયોગ મોદીએ ચૂંટણીમાં મત ખરીદવા માટે કર્યો હતો.
જોકે મમતાએ સાથે એમ પણ જણાવ્યું હતું કે મોદી ગમે તેટલા કાળા નાણા વાપરે તો પણ પશ્ચિમ બંગાળની જનતાને તેઓ ક્યારેય નહીં ખરીદી શકે અને જનતા મોદીને જાકારો આપશે.
મમતાએ દાવો કર્યો હતો કે મોદી લોકસભાની ચૂંટણી પછી અમારી સરકાર એ પુરવાર કરી બતાવશે કે નોટબંધી એક મોટુ કૌભાંડ હતું. મોદીએ આરોપ લગાવ્યો હતો કે મમતા બેનરજી પશ્ચિમ બંગાળમાં વિદેશી ખુસણખોરોનો ઉપયોગ ચૂંટણી જીતવા માટે કરી રહ્યા છે, વિદેશી કલાકારોને લાવી રહ્યા છે.
મોદીના આ આરોપોનો જવાબ આપતા મમતાએ પણ એવો જ પ્રહાર કર્યો હતો. મમતાએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી જીતવા માટે કોમવાદી વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે અને આ માટે ભાજપ અહીં ગુંડાઓનો ઉપયોગ કરી રહ્યો છે. આયાતી ગૂંડાઓની મદદથી પશ્ચિમ બંગાળનું વાતાવરણ બગાડવામાં આવી રહ્યું છે અને આતંક મચાવી રહ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W6GvYm
via Latest Gujarati News
0 Comments