
(પીટીઆઈ) તિરુપતિ, તા. ૨૪
ટેકરી પર આવેલા તિરુમાલા વેન્કટેશ્વર મંદિરનું સંચાલન કરતા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ(ટીટીડી)ના અધિકૃત વ્યક્તિએ જણાવ્યા મુજબ મંદિર ટ્રસ્ટ દ્વારા દેશની વિવિધ બેંકોમાં ૧૨,૦૦૦ કરોડથી પણ વધારે રુપિયા ફિક્સ ડિપોઝીટ તરીકે જમા કરાવવામાં આવેલા છે. ટીટીડી દ્વારા અનેક રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોમાં કુલ ૧૨,૦૦૦ કરોડથી પણ વધારે રુપિયાની થાપણો જમા કરાવવામાં આવેલી છે. આ થાપણો દ્વારા મંદિરને વાર્ષિક ૮૪૫ કરોડ રુપિયા અંદાજે વ્યાજની આવક તરીકે મળે છે.
મંદિરના અધિકૃત વ્યક્તિએ જણાવ્યા મુજબ સમગ્ર વિશ્વના ૨.૫ કરોડ જેટલા શ્રદ્ધાળુઓ વર્ષ દરમિયાન મંદિરની મુલાકાત લે છે અને ૩૧ અબજ રુપિયાની વાર્ષિક આવક સાથે ૨૦૦૦ વર્ષ પુરાણું ભગવાન વેન્કટેશ્વરનું મંદિર વધારે ને વધારે ધનિક બની રહ્યું છે. ટીટીડી પાસે ૮.૭ ટન સોનું તેના શુદ્ધ સ્વરુપે છે જ્યારે ૫૫૦ કિગ્રા જેટલાં સોનાના રત્નજડિત ઘરેણાંઓ છે જેને શ્રદ્ધાળુઓએ હુંડી સ્વરુપે ભગવાનને ચઢાવેલા છે.
ટ્રસ્ટની માલિકીના ૮.૭ ટન સોના પૈકી ૧,૯૩૮ કિગ્રા સોનું ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં અને ૫,૩૮૭ કિગ્રા સોનું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ડિપોઝીટ તરીકે મુકવામાં આવેલું છે. પંજાબ નેશનલ બેંકમાં મુકવામાં આવેલું ૧,૩૮૧કિગ્રા સોનું તાજેતરમાં જ ડિપોઝીટની અવધિ પૂર્ણ થતા ટીટીડીને પરત મોકલવામાં આવ્યું હતું. મંદિર ટ્રસ્ટના જણાવ્યા મુજબ નજીકના ભવિષ્યમાં જ સોનાના ઘરેણાંઓને શુદ્ધ સોનામાં ઢાળવામાં આવશે. જો કે ભગવાન વેન્કટેશ્વર સાથે સંકળાયેલા સદીઓ પુરાણા મૂલ્યવાન અલંકારોને હંમેશા મંદિરમાં જ રાખવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UziQOV
via Latest Gujarati News
0 Comments