નવી દિલ્હી, તા. 27 એપ્રિલ, 2019, શનિવાર
ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા શત્રુઘ્ન સિંહાએ કોંગ્રેસના વખાણ કર્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીથી લઇને મોહમ્મદ અલી જીન્ના સુધીના દરેકે કોંગ્રેસના વિકાસમાં મોટુ યોગદાન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ કોંગ્રેસ પરિવાર મહાત્મા ગાંધીથી લઇને સરદાર વલ્લભભાઇ પટેલથી લઇને મોહમ્મદ અલી જિન્નાથી લઇને જવાહરલાલ નેહરુથી લઇને સ્વર્ગીય ઇંદિરાથી લઇને રાજીવ ગાંધીથી લઇને રાહુલ ગાંધીની પાર્ટી છે કે જેણે દેશના વિકાસમાં, દેશની આઝાદીમાં સૌથી મહત્વપૂર્ણ અને સૌથી મોટુ યોગદાન આપ્યું છે. એટલે જ અમે અહીં કોંગ્રેસમાં આવ્યા છીએ.
શત્રુઘ્ન સિંહા મધ્ય પ્રદેશમાં કમલનાથના પુત્ર નકુલનાથના પ્રચાર માટે આવ્યા હતા, જે દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું અને કોંગ્રેસના વખાણ કર્યા હતા સાથે પાકિસ્તાનના સ્થાપક જિન્નાનો પણ પોતાની વાતમાં ઉલ્લેખ કર્યો હતો.
જોકે બાદમાં તેમણે પોતાની ભૂલ સ્વીકારી હતી અને જણાવ્યું હતું કે મારી જીભ લપસી ગઇ હતી, હું મૌલાના આઝાદ કહેવા જતો હતો પણ મોહમ્મદ અલી જિન્નાનું નામ જીભ ઉપર આવી ગયું. શત્રુઘ્ન સિંહા હાલ બિહારના પટનાથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે જ્યારે તેની સામે ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન રવીશંકર પ્રસાદ ચૂંટણી લડી રહ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PxzaPa
via Latest Gujarati News
0 Comments