બેરસ્ટો-વોર્નરની સદી : હૈદરાબાદ સામે બેંગ્લોરનો ૧૧૮ રનથી કારમો પરાજય

હૈદરાબાદ,તા.૩૧

બેરસ્ટો (૧૧૪) અને વોર્નર (૧૧૦*)ની ધમાકેદાર સદીઓ અને તેમની વચ્ચેની ૧૮૫ રનની મેરેથોન ઓપનિંગ ભાગીદારીને સહારે હૈદરાબાદે બે વિકેટે ૨૩૧ રન ખડકીને રોયલ ચેલેન્જર બેંગ્લોરને ૧૧૮ રનથી કચડી નાંખ્યુ હતુ. ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૨મી સિઝનમાં ધૂમ મચાનતા બેરસ્ટો અને વોર્નરે વિક્રમોની વણઝાર સર્જી હતી. જે પછી અફઘાન બોલર મોહમ્મદ નાબીએ માત્ર ૧૧ રનમાં ચાર વિકેટ ઝડપતાં બેંગ્લોરનો ટોપ ઓર્ડરનો ધબડકો થયો હતો અને તેઓએ માત્ર ૩૫/૬ની શરમજનક સ્થિતિમાં ફસડાયા હતા. આખરે તેઓ ૧૯.૫ ઓવરમાં ૧૧૩ સ્કોર સુધી પહોંચી શક્યા હતા.

બેંગ્લોરનો આ સતત ત્રીજો પરાજય છે. અગાઉ આઇપીએલની સૌપ્રથમ મેચમાં પણ તેઓ ચેન્નાઈ સામે માત્ર ૭૦ રનમાં ખખડી ગયા હતા. જે પછી હારી ગયા હતા. આ પછી મુંબઈ સામે આખરી બોલ પર તેઓ છ રનથી હાર્યા હતા. જ્યારે હૈદરાબાદે ત્રીજી મેચમાં બીજો વિજય હાંસલ કર્યો હતો. 

બેરસ્ટોના ૫૬ બોલમાં ૧૧૪, વોર્નરના ૫૫ બોલમાં ૧૦૦*

હૈદરાબાદમાં રમાયેલી આઇપીએલ-૧૨ની મેચમાં પ્રવાસી બેંગ્લોરના કેપ્ટન કોહલીએ ટોસ જીતીને યજમાનોને બેટીંગમાં ઉતાર્યા હતા અને બેરસ્ટો અને વોર્નરે ઝંઝાવાત સર્જ્યો હતો. સતત ત્રીજી આઇપીએલ મેચમાં શતકીય ભાગીદારી કરતાં તેમણે ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા હતા. બેરસ્ટોએ ૫૬ બોલમાં ૧૨ ચોગ્ગા અને ૭ છગ્ગા સાથે ૧૧૪ રન ફટકાર્યા હતા. જ્યારે વોર્નર ૫૫ બોલમાં ૫ ચોગ્ગા અને ૫ છગ્ગા સાથે અણનમ ૧૦૦ રન ફટકાર્યા હતા. વોર્નર-બેરસ્ટોની ૧૮૫ રનની રેકોર્ડ ભાગીદારીનો અંત ચહલે આણ્યો હતો અને તેણે બેરસ્ટોને યાદવને હાથે કેચઆઉટ કરાવ્યો હતો. જે પછી વોર્નરે સદી પૂર્ણ કરી હતી અને હૈદરાબાદને બે વિકેટે ૨૩૧ સુધી પહોંચાડયું હતુ. 

કોહલી સહિતનો બેંગ્લોરનો ટોપ ઓર્ડર સુપર ફ્લોપ 

જીતવા માટેના ૨૩૨ના વિશાળ પડકારનો પીછો કરવા ઉતરેલા બેંગ્લોરને કેપ્ટન કોહલી તેમજ ડિ વિલિયર્સ સહિતના સ્ટાર્સ પાસેથી શાનદાર શરૃઆતની આશા હતી. જોકે અફઘાન બોલર મોહમ્મદ નાબી અને સંદીપ સિંઘની જોડી સામે બેંગ્લોરનો ટોપ ઓર્ડર ઝુકી ગયો હતો. પાર્થિવ પટેલ ૧૧, હેતમાયેર ૯, ડી વિલિયર્સ ૧ રને નાબીનો શિકાર બન્યો હતો. વન ડાઉન ઉતરેલો કોહલી ૩ રને સંદીપ શર્માની બોલિંગમાં વોર્નરના હાથે કેચઆઉટ થયો હતો. મોઈન અલી બે રન રનઆઉટ થયો હતો. જ્યારે નાબીએ શિવમ દુબે (૫)ને આઉટ કરતાં બેંગ્લોર ૩૫/૬ની નાલેશી પર ફસડાયું હતુ. આ પછી ગ્રાન્ધોમે ૩૨ બોલમાં ૩૭ રન કરતાં સ્કોરને ૧૯.૫ ઓવરમાં ૧૧૩ સુધી પહોંચાડયો હતો. નાબીએ ૧૧ રનમાં ૪ અને સંદીપ શર્માએ ૧૯ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OFgnRK
via Latest Gujarati News

Post a Comment

0 Comments