આજે ઈન ફોર્મ દિલ્હી કેપિટલ્સ સામે કિંગ્સ ઈલેવન પંજાબની કસોટી થશે

મોહાલી, તા.૩૧

કોલકાતા નાઈટ રાઈડર્સ જેવી સુપરસ્ટાર ટીમની સતત બે વિજયની કૂચને સુપર ઓવરમાં અટકાવ્યા બાદ દિલ્હી કેપિટલ્સ જીતના આત્મવિશ્વાસ સાથે આવતીકાલે કિંગ્સ ઈલેવન સામે ઉતરશે. યુવા કેપ્ટન શ્રેયસ ઐયરની ટીમના કોચિંગ સ્ટાફમાં ગાંગુલી અને પોન્ટિંગ જેવા ધુરંધરો છે. જેના સહારે જ તેઓ ઈન ફોર્મ રસેલની કોલકાતાની ટીમને મહાત કરી શક્યા હતા. હવે તેઓ સતત બીજો વિજય મેળવવાનો ઉત્સાહ ધરાવે છે. 

અશ્વિનની આગેવાની હેઠળના કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી ગેલ, લોકેશ રાહુલ તેમજ મીલર અને અગ્રવાલ જેવા ખેલાડીઓ ફોર્મ દેખાડી ચૂક્યા છે. આ ઉપરાંત અશ્વિન, મુજીબ, શમી અને વિલ્જોન જેવા બોલરોએ પંજાબને આખરી મેચમાં મુંબઈ ઈન્ડિનય્સ સામે જીત અપાવી હતી. 

મોહાલીના મેદાન પર હાઈસ્કોરિંગ મેચો જોવા મળી છે અને દિલ્હી કેપિટલ્સ આ બાબત ખુબ જ સારી રીતે જાણે છે. હવે ઐયરની પ્રવાસી ટીમ યજમાન કિંગ્સ ઈલેવનને કેવી રીતે પડકારે છે, તેના પર બધાની નજર રહેશે.

દિલ્હીની ટીમમાં સામેલ સાઉથ આફ્રિકાના ફાસ્ટર રબાડાએ જે પ્રકારે સુપર ઓવરમાં ૧૧ રનના ટાર્ગેટને ડિફેન્ડ કરતાં રસેલને ક્લિન બોલ્ડ કર્યો હતો, તેના પર ક્રિકેટના દિગ્ગજો પણ આફરીન પોકારી ઉઠયા હતા. 

દિલ્હીની સફળતાનો મદાર પંત તેમજ પૃથ્વી શૉ તેમજ કેપ્ટન ઐયર અને ઓપનર ધવન પર રહેશે. આ ઉપરાંત કોલીન ઈન્ગ્રામ અને મોરીસ પણ મેચનું પાસુ પલ્ટી નાંખવાની ક્ષમતા ધરાવે છે. 

કિંગ્સ ઈલેવનનો મદાર ગેલ તેમજ લોકેશ પર વિશેષ રહેલો છે. તેમની પાસે મીલર, મયંક અગ્રવાલ, સરફરાઝ ખાન અને મનદીપ જેવા બેટ્સમેનો છે, જ્યારે આર. અશ્વિન અને મુરુગન અશ્વિન જેવા સ્પિનરો છે, જ્યારે વિલ્જોન, ટાય અને શમી જેવા ફાસ્ટરો છે, જે મેચનું પાસુ પલ્ટી નાંખી શકે છે. 




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2K3Q2xI
via Latest Gujarati News

Post a Comment

0 Comments