વાન્નાક્રાઈ વાયરસ હુમલો અટકાવનાર માર્કસ પોતે જ વાયરસનું સર્જન કરી ચૂક્યો છે!


વૉશિંગ્ટન, તા.20 એપ્રિલ, 2019, શનિવાર

ચોકીદાર પોતે જ ચોરી કરી હોય એવા કિસ્સા ઘણી વખત પોલીસના ચોપડે નોંધાતા હોય છે. સાઈબર ક્રાઈમનો એવો એક વૈશ્વિક કિસ્સો અમેરિકામાં નોંધાયો છે. અમેરિકામાં આજે સાઈબર સિક્યુરિટી એક્સપર્ટ માર્કસ હચિન્સ પોતે જ વાઈરસ (માલવેર) સર્જવા માટે દોષિત ઠર્યો હતો. અમેરિકાના વિવિધ રાજ્યોની દસ કોર્ટમાં તેના વિરૂદ્ધ માલવેર બનાવાનો કેસ નોંધાયો છે. તેમાંથી બે કેસમાં તેણે ગુનેગાર હોવાનો સ્વીકાર કરી લીધો છે. 

૨૦૧૭માં આખા જગતમાં વાન્નાક્રાઈ વાઈરસે હાહાકાર મચાવ્યો હતો. આ વાઈરસ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા કમ્પ્યુટરોને ટાર્ગેટ કરતો હતો. કમ્પ્યુટરમાં ઘૂસી ગયા પછી વાઈરસ દ્વારા ઓનલાઈન કરન્સી બિટકોઈનની ખંડણી માંગવામાં આવતી હતી.

દુનિયાના ૧૫૦ દેશોના ૩ લાખ કમ્પ્યુટરો તેનાથી અસરગ્રસ્ત થયા હતા. એ વખતે અમેરિકામાં રહેતા મૂળ બ્રિટિશ કમ્પ્યુટર એક્સપર્ટ માર્કસે સરકારની મદદ કરી હતી અને વાન્નાક્રાઈના હુમલા સામે કમ્પ્યુટરોને સુરક્ષિત કરવાનું કામ કર્યું હતુ. એ વખતે તે ટેકનોલોજી જગતમાં હિરો તરીકે પંકાયો હતો.

હવે તેણે સ્વીકાર કર્યો હતો કે શરૂઆતી વર્ષોમાં તેણે પોતાની કમ્પ્યુટર આવડતનો દુરુપયોગ કર્યો હતો. લોકોની મદદ કરવાને બદલે એ હેકિંગના રવાડે ચડી ગયો હતો. ૨૦૧૭માં જ લાસ વેગાસમાંથી એફબીઆઈ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

એ પછી સરકારે તેના પર આરોપ લગાડયો હતો કે ૨૦૧૪-૧૫ દરમિયાન તેણે એક વાઈરસ બનાવ્યો હતો. એ વાઈરસે બેન્કિંગ સિસ્ટમમાં છીંડા પાડયા હતા. આ વાઈરસથી બ્રિટન ઉપરાંત ભારતની પણ એક બેન્કને અસર થઈ હતી. બાદમાં આ વાઈરસ ૭ હજાર ડૉલરમાં માર્કસે વેચી નાખ્યો હતો. 

વાન્નાક્રાઈના આતંકથી અનેક સરકારી ખાનગી સંસ્થાઓના કમ્પ્યુટરો કામ કરતા બંધ થયા હતા.  લોકોના દૈનિક કામકાજને વિપરિત અસર થઈ હતી. એ વખતે માર્કસે વાઈરસને નબળો પાડી દીધો હતો અને એ રાતોરાત હિરો બની ગયો હતો. એ દોષિત ઠર્યો હોવાથી હવે તેને ટૂંક સમયમાં સજા ફટકારાશે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XtxEAg
via Latest Gujarati News

Post a Comment

0 Comments