(પીટીઆઇ) ઇસ્લામાબાદ, તા. ૯
૨૦૦૮ના મુંબઇ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ અને લશ્કર એ તોયેબાના ઓપરેશનલ કમાન્ડર ઝકીઉર રહેમાન લખવીના જામીન રદ કરવા માટે પાકિસ્તાનની ટોચની તપાસ એજન્સી એફઆઇએએ ઇસ્લામાબાદ હાઇકોર્ટનો સંપર્ક સાધ્યો છે.
પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(એફઆઇએ)એ ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં લખવીના જામીન રદ કરવા માટે અપીલ દાખલ કરી છે.
આ અપીલની સુનાવણી દરમિયાન ઇસ્લામાબાદ હાઇકોર્ટની ડિવિઝનલ બેન્ચે સત્તાવાળાઓને બે સપ્તાહની અંદર મુંબઇ આતંકી કેસની વિગતો રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
હાલમાં આ કેસનો રેકોર્ડ ઇસ્લામાબાદ સ્થિત એન્ટી ટેરરિઝ કોર્ટ(એટીસી) પાસે છે. જે લખવી અને આ કેસના અન્ય આરોપીની સુનાવણી કરી રહી છે.
લશ્કરે તોયેબાના સાત આતંકીઓ લખવી, અબ્દુલ વાજિદ, મઝહર ઇકબાલ, હામાદ અમીન સાદિક, શાહિદ જમીલ રિયાઝ, જમીલ અહેમદ અને યુનુસ અંજુમને ૨૦૦૮ના મુંબઇ આતંકી હુમલામાં આરોપી ઠેરવવામાં આવ્યા છે.
એટીસીએ ૧૮ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ લખવીને જામીન આપ્યા હતા અને તેને મુક્ત કરી દીધો હતો. ત્યારબાદથી લખવી અજાણ સ્થળે વસવાટ કરી રહ્યો છે.
એફઆઇએએ પોતાની અપીલમાં જણાવ્યું છે કે તેની પાસે લખવી વિરુદ્ધ પુરતા પુરાવા છે તેથી તેના જામીન રદ કરવામાં આવે જેથી તેની ફરીથી ધરપકડ કરી તપાસ કરી શકાય.
ઉલ્લેખનીય છે કે ૨૦૦૮ના મુંબઇ આતંકી હુમલામાં લશ્કર એ તોયેબાના દસ આતંકવાદીઓએએ ૧૬૬ લોકોની હત્યા કરી હતી. દસ પૈકી નવ આતંકીઓ આ હુમલામાં માર્યા ગયા હતાં જ્યારે બચી ગયેલ એક માત્ર આતંકી અજમલ કસાબને ફાંસી આપવામાં આવી હતી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UNtp4M
via Latest Gujarati News
0 Comments