શેરીમાં રમતું સ્ત્રીસશક્તિકરણ : મધુબેન ગોસ્વામી આશાવર્કર તરીકે સેવા આપે છે આ સિવાય સિલાઇ કામ, ટિફિન સર્વિસ અને કટલરીની લારી ચલાવે છે
જીવનમાં એટલો સંઘર્ષ તો કરી જ લેવો જોઇએ કે પોતાના સંતાનોનો આત્મવિશ્વાસ વધારવા કોઇ બીજાના ઉદાહરણ ન આપવા પડે.. આ વાક્ય કોઇકના મોઢે તો સાંભળ્યું જ હોય પરંતુ પોતાના સંતાન માટે કેટકેટલાય સંઘર્ષ કરવા છતા અંતે હારી જવાય તો?? કડીના ચંદનપુરા ખાતે રહેતા મધુબેન ભરતગીરી ગોસ્વામી અમદાવાદ સેવા એકેડમી ખાતે કામ કરે છે તેઓ જ્યારે કોઇ મા અને દિકરાને સાથે હસતા જુએ કે મોટરસાઇકલ પર બહાર જતા જુએ ત્યારે એક સમય માટે તેઓના પગ જમીન સાથે જાણે જકડાઇ જાય છે.
તેમનું મન આઠ વર્ષ પહેલાના ફ્લેશ બેકમાં જતું રહે છે. માતા-પિતાના ઘરના આંગણેથી જ મધુબેને વધતી સમજણની સાથે સંઘર્ષ સાથે દોસ્તી કરી લીધી હતી અને એ સંઘર્ષભરી જિંદગીએ તેમનો પાલવ ક્યારેય છોડયો નથી. બે દીકરી અને એક દિકરાની માતા મધુબેનના પતિ ઘણા વર્ષો પહેલાથી જ સાધુમંડળી સાથે ફર્યા કરતા તેઓએ તેમની પત્ની અને સંતાતોની જવાબદારીમાંથી જાણે નિવૃતિ લઇ લીધી હતી પરંતુ મધુબેનની મોટી આશા તેમના સંતાનો પર હતી એમાં પણ ખાસ કરીને તેમના દિકરા ચિરાગ પર વધુ હતી.
એક એક પાઇ જોડી તેઓએ બન્ને દીકરીના લગ્ન કરાવ્યા. ભવિષ્યમાં દિકરો ચિરાગ ખૂબ ભણી ગણી કમાઇને તેમને આર્થિક અને માનસિક ભીંસમાંથી બહાર લાવશે તેવા શમણાં સાથે મધુબહેને દિકરાને ભણાવવા પાછળ આકરી મહેનત કરી રાત-દિવસ જોયા વિના જે કામ મળે તેઓ કરી લેતા. દિકરો ચિરાગ ભણવામાં ખૂબ હોશિયાર અને સ્વભાવે એકદમ શાંત તે એમ.સી.એ.ના છેલ્લા વર્ષમાં હતો અને જાણે તે સાવ ચુપ થઇ ગયો તે સતત કહ્યા કરતો કે 'મમ્મી હવે હું છેલ્લા છ મહિના છું' અને ત્યારબાદ તે સતત દિવસો ગણ્યા કરતો અને એક દિવસ તેણે ગામના તળાવમાં જંપલાવી દીધું, માતા મધુબહેનને દિકરા ચિરાગનો મૃતદેહ ત્રણ દિવસ પછી તળાવમાંથી મળ્યો.
તેઓ પડી ભાંગ્યા, તેમનો છેલ્લો આશરો છિનવાઇ ગયો. આ વાતને આજે આઠ વર્ષ થયા છે. આજે મધુબહેન આખા ગામમાં ઘરે ઘરે ફરી તાવ, ઝાડા, ઉલટી જેવા રોગ, નવજાત શિશુ અને સગર્ભા મહિલાઓ માટે સલાહ આપી આશા વર્કરનું કામ કરી મહિને બે હજાર કમાઇ લે છે. આ સાથે ટિફિન, સિલાઇ કામ અને કટલરીની લારી ચલાવી પોતાનું ગુજરાન એકલા હાથે ચલાવે છે.
આંખમાં આંસુ જાણે થીજી ગયા હોય અને ગળે ડુમો ભરાઇ ગયો તેવા સ્વરે છેલ્લે મધુબહેનેએટલું જ કહ્યું ''દિકરાના મૃત્યુ બાદ દરેક દિવસ બોજરૃપ લાગે છે. એક પણ તહેવાર કે પ્રસંગ ઉજવવા ગમતા નથી પરંતુ લોકલાજે બધું જ કરવું પડે. બન્ને દીકરીના ઘરે તેમને કોઇ કહી ન જાય તે માટે હિમ્મત રાખીને કામ કરું છું નહીતર ભુખે મરવાનો વારો આવે.''
આઠ વર્ષ થયા છતા દિકરા ચિરાગની આત્મહત્યાનું કારણ અકબંધ છે
આ અંગે વાત કરતા મધુબહેને કહ્યું કે, મેં કોઇ દિવસ મારા દિકરા સામે મારી પરિસ્થિતિં શું છે તે વર્ણવી નહોતી ખૂબ ભરાઇ પડું ત્યારે ખુણામાં બેસીને ક્યારેક રડી લઉં પણ તેની સામે હસતું મોઢું રાખ્યું હતું. દિકરો ચિરાગ એમ.સી.એ.ના છેલ્લા વર્ષમાં હતો ત્યારે એક દિવસ આવીને મને કહ્યું કે 'મારે જીવવું નથી મરી જવું છે'. આ પછી મેં દરેક દિશામાં તપાસ કરી ક્યાક કોઇ છોકરીનું ચક્કર, દેવું, મારામારી કે ક્યાંય ફસાઇ ગયો હોય તો પરંતુ એવું કશું જ ન હતું. હું એને ખૂબ સમજાવતી તે રોજ તેના બાકી દિવસો ગણતો અને એક દિવસ સાંજે ચિરાગ ક્યાંક દોડીને ગયો એવી જાણ થઇ ત્યારથી હુ તેને શોધવા નીકળી હતી. આ પછી તેનો મૃતદેહ ત્રણ દિવસે મળ્યો અને આજે આઠ વર્ષે પણ અમને તેના આત્મહત્યાનું કારણ ખબર પડી નથી.
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VYfLZY
via Latest Gujarati News
0 Comments