લાલુપુત્ર તેજપ્રતાપને હત્યાની ધમકી, વાંચો પરિવારમાં સર્જાયેલા 'મહાભારત' અંગે

પટના, તા.3 એપ્રિલ 2019, બુધવાર

લાલુ પ્રસાદ યાદવના ધમપછાડા પછી પણ પરિવારમાં પડેલી ફાટફૂટ વધારે ગહેરી બની ચુકી છે.

લાલુની પાર્ટી આરજેડીમાં નાના ભાઈ તેજસ્વી યાદવના વધતા જતા કદથી દુખી મોટાભાઈ તેજ પ્રતાપ સાઈડ લાઈન થઈ ગયા હોવાનુ અનુભવી રહ્યા છે.

હવે તેજસ્વી, તેજ પ્રતાપ અને બહેન મીસા ભારતી વચ્ચે લાલુ પ્રસાદના રાજકીય વારસા માટેની લડાઈના પગલે પરિવાર ભંગાણના આરે છે. જેના પગલે પહેલેથી બીમાર લાલુ પ્રસાદ વધારે બીમાર પડી રહ્યા છે.

લાલુના પુત્ર તેજપ્રતાપે ચૂંટણી લડવા માટે અલગ મોરચો બનાવ્યા બાદ નવો ધડાકો કર્યો છે. તેજપ્રતાપે કહ્યુ છેકે, મારા અંગત સચિવ સૃજન સ્વરાજના મોબાઈલ પર કોઈએ કોલ કરીને મારી હત્યાની ધમકી આપી છે અને ધમકી આપનાર પોતે આરજેડીનો વિદ્યાર્થી નેતા હોવાનુ કહી ચુક્યો છે.

તેજપ્રતાપે આ મામલામાં પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. બીજી તરફ મીસા ભારતી પણ તેજસ્વીથી નારાજ છે. એવુ કહેવાય છે કે, પત્ની ઐશ્વર્યા સાથે છૂટાછેડાના કેસમાં પણ તેજપ્રતાપને મીસાનો સાથ મળ્યો હતો.

લાલુ યાદવ અને પત્ની રાબડી દેવી સંતાનોની લડાઈ અસહાય બનીને જોઈ રહ્યા છે.

તેજપ્રતાપે તો મહાભારતના ઉદાહરણો આપવામાં બાકી રાખ્યુ નથી. તેજસ્વીને જ્યારે લાલુએ પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યો ત્યારે જ અટકળો થઈ રહી હતી કે બાકીના સંતાનો માટે લાલુની પાર્ટીમાં કેટલી જગ્યા બચી છે.

બિહારની લોકસભા ચૂંટણી માટે તેજપ્રતાપે બે બેઠકો માંગીને તેની સરખામણી પાંડવોએ મહાભારત પહેલા માંગેલા પાંચ ગામ સાથે કરી છે. જે આપવાનો કૌરવોએ ઈનકાર કર્યો હતો. તેજપ્રતાપ પોતાની લડાઈ ધર્મની રક્ષા કાજે હોવાનુ કહી રહ્યા છે.

લાલુ માટે ચિંતાની વાત એ પણ છે કે આરજેડીમાં એક એવો વર્ગ પણ છે જે તેજપ્રતાપને પોતાના નેતા માની શકે છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WFj34l
via Latest Gujarati News

Post a Comment

0 Comments