
નવી દિલ્હી,તા.18.એપ્રિલ 2019, ગુરુવાર
કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓને પાકિસ્તાન હવે ચીનમાં બનેલા હથિયારો અને દારુગોળો પુરો પાડી રહ્યો હોવાનો સ્ફોટક ખુલાસો એક અખબારે કર્યો છે.
આ અખબારના અહેવાલો પ્રમાણે 2018ના વર્ષમાં સુરક્ષાદળોએ આતંકવાદીઓ પાસેથી 70 જેટલા ગ્રેનેડ જપ્ત કર્યા છે.આ સિવાય આતંકવાદીઓ પાસેથી પિસ્ટલ, બૂલેટપ્રૂફ જેકેટને ભેદી શકે તેવી ગોળીઓ પણ જપ્ત કરાઈ છે.જે ચીની બનાવટની છે.આ ગોળીઓના ઉપયોગે સુરક્ષાદળો માટે નવો ખતરો ઉભો કર્યો છે.
છેલ્લા પંદર દિવસોમાં એક ડઝન એવી ઘટનાઓ બની છે જેમાં આતંકવાદીઓએ પેટ્રોલિંગ કરી રહેલા સુરક્ષાદળો પર ગ્રેનેડ ફેંક્યો હોય.
આતંકવાદ વિરોધી અભિયાનોમાં સામેલ એક અધિકારીનુ કહેવુ છે કે, આમ તો પહેલા પણ પાકિસ્તાન અને ચીની બનાવટના ગ્રેનેડનો ઉપયોગ થતો હતો પણ અચાનક જ ચીની ગ્રેનેડના ઉપયોગમાં વધારો થયો છે.
પહેલા પાકિસ્તાનમાં બનેલા ગ્રેનેડ આતંકવાદીઓને આસાનીથી મળતા હતા પણ આંતરરાષ્ટ્રિય સ્તરે આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ પાકિસ્તાન ખુલ્લુ પડી ગયુ છે.જેના પગલે હવે પાકિસ્તાને પોતાની સ્ટ્રેટેજી બદલી છે અને મોટી સંખ્યામાં આતંકવાદીઓને ચીની બનાવટના હથિયાર આપવા માંડ્યા છે.પાકિસ્તાન ઈચ્છતુ નથી કે, જમ્મુ કાશ્મીરમાં થતા આતંકવાદી હુમલા માટે તેની તરફ આંગળી ચિંધાય.
અધિકારીના કહેવા પ્રમાણે ચીની ગ્રેનેડની તિવ્રતા ઓછી હોય છે પણ તે એક બુલેટની સરખામણીએ તો સ્વાભાવિક રીતે વધારે નુકસાન પહોંચાડે છે.ઉપરાંત ગ્રેનેડથી હુમલો કરવા માટે કોઈ ઝાઝી તાલીમની જરુર નથી હોતી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZiX5X7
via Latest Gujarati News
0 Comments