મને તો સ્પર્ધા ખૂબ ગમે, અનન્યા પાંડે કહે છે


મુંબઇ તા.13 એપ્રિલ 2019, શનિવાર

વીતેલા દાયકાના જાણીતા અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેએ કહ્યું હતું કે મને તો સ્પર્ધામાં ખૂબ રસ પડે, શરત એટલીજ કે સ્પર્ધા તંદુરસ્ત અને ખેલદિલીયુક્ત હોવી જોઇએ.

ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરની હિટ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધી યર (2012)ની સિક્વલ સ્ટુડન્ટ ઑફ ધી યર ટુથી અભિનય ક્ષેત્રે ઝંપલાવી રહેલી અનન્યા ટાઇગર શ્રોફ સાથે ડેબ્યુ કરી રહી છે. ટાઇગરની બાગી ટુ સુપરહિટ નીવડયા બાદ કરણ જોહરે એને આ સિક્વલ માટે હીરો તરીકે સાઇન કર્યો હતો અને સ્ક્રીપ્ટમાં થોડાં એક્શન દ્રશ્યો પણ ઉમેરાવ્યાં હતાં. આ ફિલ્મનું ડાયરેક્શન પુનિત મલ્હોત્રા કરી રહ્યા છે.

અનન્યાએ કહ્યું કે બોલિવૂડને સતત નવા ચહેરાની તલાશ હોય છે. એટલે સ્પર્ધા સ્વાભાવિક છે. સ્પર્ધામાં પણ એક પ્રકારનો આનંદ અને તરવરાટ હોય છે. બોલિવૂડમાં અત્યારે સતત સ્પર્ધા જોવા મળે છે. મને અંગત રીતે સ્પર્ધા ખૂબ ગમે પરંતુ એ ખેલદિલીયુક્ત હોય એ જરૂરી છે. તંદુરસ્ત સ્પર્ધા દરેકની પ્રગતિ સાધે છે. બોલિવૂડમાં સ્પર્ધાથી દરેક કલાકારની કારકિર્દીને એક પ્રકારનો વેગ મળે છે.

સ્ટુડન્ટ ઑફ ધી યર ટુમાં સ્કૂલ લાઇફની વાત રજૂ થઇ છે. અનન્યાએ કહ્યું કે વાસ્તવ જીવનમાં આવી સ્કૂલ હોતી નથી. આ ફિલ્મમાં કામ કરતી વખતે મને મારી સ્કૂલ લાઇફ યાદ આવી હતી અને થયું હતું કે આ ફિલ્મમાં છે એવી સ્કૂલ મને મળી હોત તો કેવી મજા પડી જાત...



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UhbkYC
via Latest Gujarati News

Post a Comment

0 Comments