નવી દિલ્હી, તા.૧૬
ભારતીય કેપ્ટન કોહલીએ જેને વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાના ચોથા ક્રમના બેટ્સમેન તરીકે જાહેર કરી દીધો હતો, તેને જ પસંદગીકારોએ આગામી વર્લ્ડકપ માટેની ટીમમાં સામેલ ન કરતાં ભારે આશ્ચર્ય ફેલાયું હતુ. રાયડુને પડતા મૂકવાના નિર્ણય અંગે ભારે આશ્ચર્ય વ્યક્ત કરતાં ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે કહ્યું હતુ કે, રાયડુને માત્ર ત્રણેક નિષ્ફળતાને કારણે વર્લ્ડકપની ટીમમાંથી બહાર કાઢી મૂકવાનો નિર્ણય ખરેખર દુઃખદ કહેવાય. પસંદગીકારોએ સીનિયર બેટ્સમેન રાયડુને સ્થાને માત્ર ત્રણ મહિનાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૯ વન ડે રમેલા ઓલરાઉન્ડર રાયડુને ટીમમા સમાવ્યો છે.
ગંભીરે એક મુલાકાતમાં જણાવ્યું કે, વ્હાઈટ બોલ ક્રિકેટમાં જેની રન સરેરાશ ૪૮ની છે અને જેની ઉંમર ૩૩ વર્ષની છે, તેવા રાયડુને વર્લ્ડકપની ટીમમાં સ્થાન ન આપવાનો નિર્ણય ખરેખર દુઃખદ કહેવાય. ભારતીય ટીમના સિલેક્શનમાં અન્ય કોઈ નિર્ણય કરતાં મને આ નિર્ણયથી સૌથી વધુ દુઃખ થયું છે. ગંભીરને પણ ૨૦૦૭માં વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા વર્લ્ડકપ માટે ભારતની ટીમમાં સ્થાન મળ્યું નહતુ અને ત્યારે ગંભીરે ક્રિકેટ છોડવાની વિચારણા શરૃ કરી દીધી હતી.
ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગંભીરે કહ્યું કે, મને એટલે માટે દુઃખ થાય છે કારણ કે હું તેના જેવી જ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યો છું. વર્ષ ૨૦૦૭ના વર્લ્ડકપમાં પસંદગીકારોએ મને પણ પસંદ કર્યો નહતો. હું જાણું છું કે, કોઈ ખેલાડી માટે વર્લ્ડકપની ટીમમાં સ્થાન ન મેળવવું કેટલું મુશ્કેલ હોય છે. દરેક ક્રિકેટરની આંખોમાં બાળપણથી એ સ્વપ્ન હોય છે કે, તે વર્લ્ડકપ રમે. વર્લ્ડકપની ટીમમાં પસંદગી ન થવી કેટલું આઘાતજનક હોય છે, તેનો અનુભવ મને ખુદને છે અને એટલે હું રાયડુ માટે દુઃખ અનુભવી રહ્યો છું.
પંતને પડતા મૂકવાના નિર્ણયને યોગ્ય ઠેરવતા ગંભીરે કહ્યું કે, પંતને સારી એવી તક મળી હતી અને તે તેનો ફાયદો ઉઠાવી શક્યો નહતો. પંતની પાસે હજુ ઉંમર છે. તેણે અન્ય બાબતોને વિચાર્યા વિના માત્ર રમત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
વર્લ્ડકપ જોવા હાલ જ થ્રી ડી ગોગલ્સનો ઓર્ડર આપ્યો : રાયડુ
ભારતીય પસંદગીકારોએ છ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૫૫ વન ડેમાં ૪૭.૦૬ની સરેરાશથી ૧,૬૯૪ રન ફટકારી ચુકેલા રાયડુને પડતો મૂક્યો હતો અને તેના સ્થાને માત્ર ૩ જ મહિનાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ધરાવતા વિજય શંકરને વર્લ્ડકપ ટીમમાં સામેલ કર્યો હતો. શંકર ૯ વન ડે જ રમ્યો છે અને તેણે ૩૩.૦૦ની સરેરાશથી ૧૬૫ રન ફટકાર્યા છે અને બે વિકેટ ઝડપી છે. પસંદગીકારોના નિર્ણયથી આઘાત અનુભવી રહેલા રાયડુએ રસપ્રદ ટ્વિટ કરતાં લખ્યું હતુ કે, મેં હમણાં જ વર્લ્ડકપ જોવા માટે થ્રી ડી ગ્લાસીસ (ગોગલ્સ)ના નવા સેટનો ઓર્ડર આપી દીધો છે. રાયડુની આ ટ્વીટની પાછળ એ બાબત રસપ્રદ છે કે, તેણે પસંદગીકારો તરફ એવો કટાક્ષ કર્યો છે કે, તમે સાવ નવા-સવા છોકરડાને વર્લ્ડકપમાં સમાવ્યો છે, તો હું હવે બારિકાઈથી તેના પર્ફોમન્સ પર નજર રાખીશ.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PdTTrc
via Latest Gujarati News
0 Comments