નવી દિલ્હી, તા.૧૬
આવતા મહિને ઈંગ્લેન્ડની ભૂમિ પર શરૃ થઈ રહેલા આઇસીસી વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન થઈ ચૂક્યું છે. ભારતીય પસંદગીકારોએ ઈંગ્લેન્ડના વાતાવરણને ધ્યાનમાં રાખીને ત્રણ સ્પિનરોને ટીમમાં સામેલ કર્યા છે. ભારતીય સિલેક્ટરોના નિર્ણયને યોગ્ય ઠેરવતા ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વૉને કહ્યું છે કે, આગામી વર્લ્ડકપ દરમિયાન ઈંગ્લેન્ડની પરિસ્થિતિ ભારતીય ટીમને અનકૂળ રહેશે. ઈંગ્લેન્ડના વાતાવરણમાં આવેલા પલ્ટાને કારણે છેલ્લા કેટલાક સમયથી પીચો સૂકી થવા માંડી છે અને તે સ્પિનરોને માટે મદદગાર હોય છે, જેના કારણે ભારત સહિત એશિયન ટીમોને વાતાવરણન ફાયદો મળી શકે તેમ છે.
આઇસીસી વર્લ્ડકપનો પ્રારંભ તારીખ ૩૦મી મે થી ઈંગ્લેન્ડમા થઈ રહ્યો છે. ૧૦ ટીમોના વર્લ્ડકપમાં ભારતનો સૌપ્રથમ મુકાબલો સાઉથ આફ્રિકા સામે તારીખ પાંચમી જુને થશે. ઈંગ્લેન્ડની પરિસ્થિતિ હરિફ ટીમો માટે પડકારજનક રહેતી હોય છે. જોકે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન વૉને ટ્વિટર પર લખ્યું કે, આગામી વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડની પરિસ્થિતિ યજમાનો કરતાં વધુ મદદ એશિયન ટીમોની કરશે. ઈંગ્લેન્ડના વાતાવરણમાં છેલ્લા કેટલાક વર્ષોથી પલ્ટો આવ્યો છે અને આ કારણે પીચ અને પરિસ્થિતિ ભારત સહિતની એશિયન ટીમો માટે વધુ અનુકૂળ બની રહેશે.
વૉને ટ્વીટ કર્યું કે, ઈંગ્લેન્ડમાં રમાયેલી છેલ્લી બે ચેમ્પિયન્સ ટ્રોફી અનુક્રમે ભારત અને પાકિસ્તાનની ટીમોએ જીતી છે. આઇસીસી વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડમાં ફાસ્ટ બોલિંગ માટેની પીચો હશે અને તેનું વાતાવરણ પણ ફાસ્ટ બોલરોને અનુકૂળ આવે તેવું હશે, તેવી ચર્ચા સાવ નકામી છે. અહીની પીચો ખુબ જ સૂકી છે અને સ્પિન બોલિંગની ભૂમિકા અત્યંત મહત્વની બની રહેશે. આ કારણથી એશિયન ટીમોને ફાયદો થશે. નોંધપાત્ર છે કે, વર્ષ ૨૦૧૩માં ઈંગ્લેન્ડની ભૂમિ પર રમાયેલી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ધોનીની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયાએ જીતી હતી. જ્યારે ચાર વર્ષ ૨૦૧૭માં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન ચેમ્પિયન બન્યું હતુ. જ્યારે ભારત રનર્સઅપ રહ્યું હતુ.
છેલ્લા એક દાયકાથી ઈંગ્લેન્ડના વાતાવરણમાં પલ્ટો આવેલો જોઈ શકાય છે અને અહીની પીચો સૂકી હોવાથી સ્પિનરોને માટે મદદગાર સાબિત થઈ રહી છે. ઈંગ્લેન્ડની ભૂમિ પર છેલ્લે ૧૯૯૯માં વર્લ્ડકપ રમાયો હતો, તે સમયની પીચો અને કન્ડિશન ફાસ્ટ બોલરોને ફાયદો કરાવે તેવી હતી, જેનો ફાયદો ઉઠાવતા ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્ગ્રા અને ન્યુઝીલેન્ડના જ્યોફ એલોટ્ટે તરખાટ મચાવ્યો હતો.
ભારતના ટોપ-૭ બેટ્સમેનોમાં એકમાત્ર ડાબોડી !
ભારતીય પસંદગીકારોએ રિષભ પંત જેવા યુવા બેટ્સમેનને આગામી વર્લ્ડકપ માટેની ટીમમાં સામેલ ન કરતાં ક્રિકેટ જગતે ભારે આશ્ચર્યની સાથે આંચકો અનુભવ્યો હતો. પસંદગીકારોએ પંતને સ્થાને અનુભવી દિનેશ કાર્તિક પર વર્લ્ડ કપનો કશળ ઢોળ્યો હતો. પંતે ઈંગ્લેન્ડ પ્રવાસમાં સારો દેખાવ કરતાં વિશ્વભરના દિગ્ગજોનું ધ્યાન ખેંચ્યું હતુ. જોકે તેને વર્લ્ડકપની ટિકિટ મળી શકી નથી.
પંતની તરફેણ કરતાં ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વૉને વધુ એક રસપ્રદ ટ્વીટ કરતાં લખ્યું હતુ કે, ભારતે જાહેર કરેલી વર્લ્ડકપની ટીમમાં ટોચના સાત બેટ્સમેનોમાં હવે એકમાત્ર ડાબોડી બેટ્સમેન છે. (ટોપ-૭માં માત્ર ધવન જ એકમાત્ર ડાબોડી બેટ્સમેન છે.) મીડલ ઓર્ડરમાં એક ડાબોડી બેટ્સમેન હોય તો તે ભારતના ફાયદામા રહે તેમ હતુ. આ કારણે પણ પસંદગીકારોએ પંતને ટીમમાં સમાવવો જોઈતો હતો.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v9cA6f
via Latest Gujarati News
0 Comments