ઔદ્યોગિક ક્ષેત્રે ઈન્વેસ્ટમેન્ટમાં વધારો નહીં થાય ત્યાંસુધી ધિરાણ દર ઘટાડાનો હેતુ બર નહીં આવે


રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા  દાસની આગેવાની હેઠળ આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની ગયા સપ્તાહે  નાણાં વર્ષ ૨૦૧૯-૨૦ની મળેલી નાણાં નીતિની પ્રથમ જ સમીક્ષા બેઠકમાં  એમપીસીએ બજારની અપેક્ષા  પ્રમાણે  રેપો રેટેમાં ૦.૨૫  ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો હતો.

આ સાથે રેપો રેટ ૬.૨૫ ટકા પરથી ઘટી ૬ ટકા થયો છે. ફુગાવાના નીચો દરને ધ્યાનમાં રાખી તથા આર્થિક વિકાસને વેગ આપવાના હેતુ સાથે સતત બીજી વખત રેપો રેટમાં ઘટાડો આવી પડયો છે. આ અગાઉ ફેબુ્રઆરીની પોલીસિ બેઠકમાં વ્યાજ દરમાં પા ટકા ઘટાડો કરાયો હતો. 

દેશનું  ઉત્પાદન ક્ષેત્ર  તેની ક્ષમતા કરતા નીચા દરે કામ કરી રહ્યું છે. ઈન્વેસ્ટમેન્ટમાં વૃદ્ધિ થઈ રહી છે પરંતુ  ધીમી ગતિએ. જાહેર ક્ષેત્રમાં ઈન્વેસ્ટમેન્ટને સરકાર તરફથી ટેકો મળી રહ્યો છે પરંતુ ખાનગી ક્ષેત્રમાં ઈન્વેસ્ટમેન્ટની પ્રવૃતિમાં અપેક્ષિત ગતિ જોવાતી નથી, તેમાં વેગ આવવો જરૂરી છે એવા સરકાર તરફથી અગાઉ જ અપાયેલા સંકેતને અનુસરીને  ૨૦૧૯ના વર્ષમાં આ બીજો ઘટાડો આવી પડયો છે. 

દોઢ વર્ષના ગાળા બાદ આ વર્ષના ફેબુ્રઆરીથી વ્યાજ દરમાં કપાતની મોસમ ફરી પાછી જોવા મળી છે. ફેબુ્રઆરીની બેઠકમાં વ્યાજ દરમાં કરાયેલા ઘટાડા છતાં તેના અપેક્ષિત પરિણામો આવ્યા નહી ંહોવાનું માર્ચના વિવિધ આંકડાઓ પરથી કહી શકાય છે. હાલમાં જ સમાપ્ત થયેલા માર્ચ ત્રિમાસિકના ઔદ્યોગિક ઈન્વેસ્ટમેન્ટના આંકડા જોઈએ તો ચિત્ર ઘણું જ  નબળું જોવા મળે છે.

વિતેલા નાણાં વર્ષ ૨૦૧૮-૧૯ના અંતિમ ત્રિમાસિકમાં કંપનીઓ દ્વારા નવા પ્રોજેકટસ પરનો મૂડી ખર્ચ ૨૦૧૭-૧૮ના આ ગાળાની સરખામણીએ ઘટીને અડધો રહ્યો હતો. માર્ચ ત્રિમાસિકમાં નવા પ્રોજેકટસ માટેનું કુલ મૂલ્ય રૂપિયા ૧.૯૯ ટ્રિલિયન રહ્યું હતું જે ૨૦૧૭-૧૮ના માર્ચ ત્રિમાસિકમાં રૂપિયા ૪.૩૬ ટ્રિલિયન રહ્યું હતું.

આમ નવા પ્રોજેકટસ પાછળના ખર્ચમાં ૫૪.૪૦ ટકાનો ઘટાડો જોવાયો છે.  ૨૦૧૮-૧૯માં કુલ રૂપિયા ૯.૪૭ ટ્રિલિયનના નવા પ્રોજેકટસ શરૂ થયા હતા જે પાછલા કેટલાક વર્ષોની સરખામણીએ ઓછા છે. ૨૦૧૭-૧૮માં નવા ઈન્વેસ્ટમેન્ટ દરખાસ્તનો આંક રૂપિયા ૧૧.૩૦ ટ્રિલિયન રહ્યો હતો.

વિતેલા નાણાં વર્ષમાં નવી દરખાસ્તોનો આંક રૂપિયા ૧૦ ટ્રિલિયનથી નીચો જોવા મળી રહ્યો છે જે ૨૦૦૪-૦૫ બાદ સૌથી નીચો છે. ૨૫ ટકા કંપનીઓની વર્તમાન ક્ષમતા નિષ્ક્રીય પડી હોવાનું આરબીઆઈના અગાઉના એક રિપોર્ટમાં જણાવાયું હતું. માર્ચ મહિનાના ઉત્પાદન તથા સેવા ક્ષેત્રના પીએમઆઈ પણ ૬ મહિનાની નીચી સપાટીએ જોવા મળ્યા છે. 

ઉદ્યોગો તથા નાણાં મંત્રાલય દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવાની સતત માગણી કરવામાં આવી રહી હતી ત્યારે રિઝર્વ બેન્કે વિવિધ પરિબળોને નજરમાં રાખીને ફેબુ્રઆરી ૨૦૧૯માં વ્યાજ દરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો જાહેર કર્યો  હતો. પરંતુ આ ઘટાડા બાદ  ઉદ્યોગો દ્વારા ઈન્વેસ્ટમેન્ટમાં  ખાસ ઉત્સાહ જોવાયો નથી.

આ અગાઉ પણ અનેક વેળા વ્યાજ દરમાં ઘટાડા કરાયા હોવા છતાં ખાનગી ક્ષેત્રે ઈન્વેસ્ટમેન્ટમાં અપેક્ષિત વધારો જોવાયો નહીં હોવાના ઉદાહરણો છે. વ્યાજ દર ઘટાડવાની કવાયત બાદ પણ  ઈન્વેસ્ટમેન્ટ માટે ઉદ્યોગો આગળ નહીં આવતા રિઝર્વ બેન્કની આ કવાયત સામે પ્રશ્ન ઊભો થાય છે. 

ઈન્વેસ્ટમેન્ટમાં તબક્કાવાર વધારો થઈ રહ્યાનો સરકારી સ્તરે  અવારનવાર દાવો થતો રહે છે પરંતુ મોટાભાગના  નિર્દેશાંકો આ દાવાને ટેકો આપતા નથી હોતા. ફેબુ્રઆરીમાં રિઝર્વ બેન્કે રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ એકલદોકલ બેન્ક સિવાય અન્ય બેન્કો દ્વારા ધિરાણ દરમાં ઘટાડો કરીને તાત્કાલિક પ્રતિસાદ અપાયો નહતો, ત્યારે આ વખતે પણ બેન્કો પ્રતિસાદ આપશે અને ઉદ્યોગો ઈન્વેસ્ટમેન્ટ માટે આગળ આવશે એવી ધારણાં રાખવી વધુ પડતી ગણાય છે, કારણ કે ચૂંટણીને લગતી અનિશ્ચિતતાથી ઉદ્યોગો હાલમાં ઈન્વેસ્ટમેન્ટથી દૂર રહેવાનું પસંદ કરી રહ્યા છે.

આવી સ્થિતિમાં  ઈન્વેસ્ટમેન્ટ કરવા ઉદ્યોગો તરફથી બેન્કો સમક્ષ ઈન્વેસ્ટમેન્ટ માટેની ધિરાણ માગ વધશે કે કેમ તે વિશ્વાસપૂર્વક કહી શકાય એમ નથી.  રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવા છતાં  ધિરાણ દર ઓછા નહીં કરવાના બેન્કો પાસે પણ વ્યવહારુ કારણો  રહેલા છે.

બેન્ક થાપણોની સરખામણીએ પોસ્ટ ઓફિસ તથા પીપીએફ જેવી લઘુ બચત યોજના પરના વ્યાજ દરો સાધારણ  ઊંચા હોવાથી બેન્કો હાલમાં થાપણો પરના વ્યાજ દર વધુ નીચા રાખવાની સ્થિતિમાં નથી. ડિપોઝિટ પરના વ્યાજ દર નહીં ઘટાડી શકાતા બેન્કો માટે ધિરાણ દર પણ ઓછા કરવાનું શકયબનતું નથી. અન્યથા તેમની વ્યાજ મારફતની આવક પર દબાણ આવી શકે છે. 

ધિરાણદરમાં ઘટાડાનો આધાર થાપણ પરના  વ્યાજ દર કેટલા નીચા રાખી શકાય છે તેના પર રહેતો હોય છે.  ઉદ્યોગોના ઈન્વેસ્ટમેન્ટ તથા વેપાર વિસ્તરણ નિર્ણયો પર  વ્યાજ દરનો પ્રભાવ રહેતો હોવાની એક સામાન્ય માન્યતા  પ્રવર્તે છે. ઈન્વેસ્ટમેન્ટ વધારવા  વ્યાજ દર નીચા રાખવાની ઉદ્યોગો તરફથી માગણી - રજુઆતો થતી હોય છે. ઉદ્યોગોની રજુઆતથી દબાણ હેઠળ આવી જતી સરકારો પણ  ઘટાડો  કરવા આગ્રહ ધરાવતી હોય છે. 

પરંતુ નીચા વ્યાજદરોથી ઈન્વેસ્ટમેન્ટ વધે છે એવી દલીલ કે માગણી ખોટી જણાય રહી છે. ૨૦૦૮ની વૈશ્વિક નાણાંકીય કટોકટી  બાદ યુરોપ તથા અમેરિકામાં વ્યાજદરો  એક દાયકા સુધી લગભગ શૂન્ય સ્તરે રહ્યા હતા છતાં ત્યાં ઔદ્યોગિક મંદી જોવા મળી હતી. અમેરિકામાં તો હાલમાં પણ વ્યાજ દર ઘણાં જ નીચા છે છતાં વિકાસ દર હજુ અપેક્ષા જેટલો ઊંચે ગયો નથી અને તેને કારણે જ ટ્રમ્પ વહીવટી તંત્રએ ત્યાંના ફેડરલ રિઝર્વને વ્યાજ દરમાં વધારો નહીં કરવા આડકતરા નિર્દેશ આપેલા છે.  

અમેરિકન અર્થતંત્ર સુધારાના પંથે છે પરંતુ નીચા વ્યાજ દર પ્રમાણેે તેમાં  જે  ગતિ હોવી જોઈએ તે   નજરે  પડતી નથી.  નીચા વ્યાજ દર છતાં યુરોપમાં  ઉદ્યોગધંધાની   સ્થિતિ  ખાસ પ્રોત્સાહક નથી, આને આધારે કહી શકાય કે પોલીસિ રેટમાં સાધારણ ઘટાડો ઈન્વેસ્ટમેન્ટ વધારવાનું કોઈ સાધન બની શકતું નથી.  સરકાર તથા ઉદ્યોગોની માગણીઓને માન આપી  આરબીઆઈ દ્વારા  વ્યાજ દરમાં  ફરી ઘટાડો કરાયો  છે ત્યારે હવે ઈન્વેસ્ટમેન્ટમાં  વૃદ્ધિ થાય તેવું  વાતાવરણ ઊભું કરવાની   જવાબદારી સરકાર ઉપરાંત  ઉદ્યોગોની પણ રહેલી છે. 



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2OVerod
via Latest Gujarati News

Post a Comment

0 Comments