
દેશમાં રૂ બજારમાં તાજેતરમાં આવેલી ભાવવૃદ્ધીની અસર ટેક્સટાઈલ વેપાર તથા ઉદ્યોગ જગત પર દેખાઈ છે. રૂ વાયદાના ભાવ ફેબુ્રઆરીના અંત ભાગમાં ગાંસડી દીઠ આશરે રૂ.૨૦૭૨૫થી ૨૦૭૫૦ આસપાસ બોલાતા હતા તેે તાજેતરમાં ઉંચકાઈ રૂ.૨૧૮૦૦થી ૨૧૮૫૦ આસપાસ બોલાયાના વાવડ મળ્યા છે. કપાસ તથા રૂના ભાવ ઉંચા ગયા છે અને તેની અસર ઘરઆંગણે કાપડ બજાર તથા ઉદ્યોગ પર તેમ જ ગારમેન્ટ ક્ષેત્ર પર દેખાવાની શરૂઆત થઈ ગઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા છે.
એક બાજુ કપાસ તથા રૂના ભાવ ઉંચા ગયા છે ત્યારે બીજી બાજુ કાપડ તથા ગારમેન્ટ બજારમાં માગ અપેક્ષાથી ધીમી રહી છે અને તેના પગલે કાચા માલના ભાવ વધતાં એક બાજુ ઉત્પાદન ખર્ચ વધ્યો છે ત્યારે બીજી બાજુ માગ ધીમી રહેતાં કાપડ તથા ગારમેન્ટ ઉત્પાદકો વધેલા ઉત્પાદન ખર્ચનો બોજ ગ્રાહકો પર લાદી શક્તા નથી એવી સ્થિતિ દેખાઈ છે. તથા આના પગલે કાપડ ઉત્પાદકો તથા ગારમેન્ટ ઉત્પાદકોનું માર્જિન દબાણ હેઠળ આવ્યું હોવાનું આ ક્ષેત્રના તજજ્ઞાોએ જણાવ્યું હતું.
દેશમાં આ વર્ષે કપાસ-રૂનો પાક ઓછો અંદાજાઈ રહ્યો છે અને તેના પગલે રૂના બજાર ભાવ તાજેતરમાં ઉંચા જવાની શરૂઆત થઈ છે. આ પૂર્વેના વર્ષોમાં રૂનો પાક વાર્ષિક ૪૦૦ ગાંસડીની ઉપર નોંધાયો હતો તે ત્યાર પછીના વર્ષોમાં ઘટતો રહ્યો છે અને હવે પાક ૩૫૦ લાખ ગાંસડીની પણ અંદર બતાવાઈ રહ્યો છે.
દેશમાં માર્ચ મહિનામાં રૂના ભાવ સરેરાશ આશરે ૬ ટકા ઉંચા ગયા છે. એપ્રિલમાં પણ બજારના આંતરપ્રવાહો મક્કમ જણાયા છે. રૂનાં ભાવ ઉંચા જતા સૂતર બજારમાં ભાવમાં ચમકારો જોવા મળ્યો છે તથા કોટન યાર્નના ભાવ તાજેતરમાં માર્ચમાં આશરે ૬થી ૭ ટકા ઉંચા ગયાના વાવડ મળ્યા છે.
આ ઉપરાંત સિન્થેટીક યાર્નના ભાવ પણ ઉંચા બોલાતા થયાની ચર્ચા બજારમાં સંભળાઈ છે. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળી તાજેતરમાં પાંચ મહિનાની નવી ઉંચી ટોચે પહોંચ્યા છે તથા ક્રૂડતેલની તેજીની અસર સિન્થેટીક યાર્નના ભાવ પર દેખાતી થઈ છે. કોટન યાર્નના ભાવ વધતાં તેની અસર પણ સિન્થેટીક યાર્નના ભાવ વધતાં તેની હૂંફ હવે કોટન યાર્નને પણ મળતી થવાની ગણતરી બજારના સમીકરણો સમજાવતાં જાણકારોએ દર્શાવી હતી.
ક્રૂડતેલનો ઓપેકનો પુરવઠો ઘટી ચાર વર્ષના તળિયે ઉતર્યો છે. ઉપરાંત રશિયાએ પણ ઉત્પાદન ઘટાડયું છે આના પગલે વિશ્વ બજારમાં ક્રૂડતેલ વધી આવ્યું છે. ક્રૂડતેલના બજારની ચડઉતરની અસર સિન્થેટીક યાર્નના ભાવ પર પડતી હોય છે. અમેરિકાના કૃષિ વિભાગના જણાવ્યા મુજબ ભારતમાં રૂનું ઉત્પાદન ૨૦૧૮-૧૯ના વર્તમાન રૂ વર્ષમાં આશરે ૫૯ લાખ ટન જેટલું આવવાની શક્યતા છે. ૨૦૧૭-૧૮ના વર્ષમાં આ આંકડો આશરે ૬૩ લાખ ટનનો રહ્યો હતો.
દેશમાં આ વર્ષે રૂનો પાક ઓછો આવશે ઉપરાંત ગુણવત્તા વિશે પણ ચિંતા બતાવાઈ રહી છે. રૂના પાકમાં આ વર્ષે સારા માલો ઓછા તથા નબળા માલો વધુ આવી રહ્યા છે અને તેના પગલે સારા અને નબળા માલો વચ્ચેનો ભાવ તફાવત પણ વધ્યો છે. ગારમેન્ટ ક્ષેત્રના જાણકારોના જણાવ્યા મુજબ કાચા માલોના ભાવમાં ૬થી ૭ ટકાની વૃદ્ધી થઈ છે ઉપરાંત અન્ય ખર્ચાઓ પણ વધ્યા છે.
સામે માગ અપેક્ષાથી ઓછી હોતાં ટેક્સટાઈલ ઉદ્યોગ હાલ ૨થી ૩ ટકાના નજીવા માર્જિન પર કામ કરી રહ્યું છે. ગારમેન્ટ ક્ષેત્રે જોકે ઓકટોબરથી ડિસેમ્બરનો પીરીયડ સારો નિવડયો હતો પરંતુ ત્યાર પછીના મહિનાઓ નબળા રહ્યા છે. જો કે તાજેતરમાં યાર્ન બજારમાં દરિયાપારની તથા વિશેષરૂપે ચીનની માગ જોવા મળી છે. ચીનમાં તાજેતરમાં ડિસ્ટોકિંગના બદલે હવે રિસ્ટોકિંગ શરૂ થયાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
૨૦૧૮ના એપ્રિલથી ગણતાં ૨૦૧૯ના ફેબુ્રઆરી સુધીના ગાળામાં દેશમાંથી કોટન ટેકસટાઈલની નિકાસમાં આશરે ૧૧થી ૧૨ ટકાની વૃદ્ધી જોવા મળી છે. ચીન અને અમેરિકા વચ્ચે વેપાર મંત્રણાઓ આગળ વધી છે. આવા માહોલમાં ટેરીફ યુદ્ધને બ્રેક લાગી છે. આવી પરિસ્થિતિમાં હવે પછી ચીનની માગ અમેરિકાના કૃષી બજારોમાં વધવાની અને અન્ય દેશોના કૃષી બજારોમાં વધવાની અને અન્ય દેશોના કૃષી બજારોમાં ઘટવાની શક્યતા પણ જાણકારો બતાવી રહ્યા છે.
દરમિયાન, ઘરઆંગણે સિન્થેટીક ફાઈબરના ઉત્પાદકો ઉત્પાદન ક્ષમતા વધારવાના પ્રયત્નો કરી રહ્યાનું ઉદ્યોગ જગતના સૂત્રોએ જણાવ્યું હતું. આ ક્ષેત્રે આગામી બેથી ત્રણ વર્ષમાં ઉત્પાદન ક્ષમતામાં આશરે પાંચ લાખ ટનનો ઉમેરો કરવાનો લક્ષ્યાંક બનાવાયો છે અને આ માટે કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવનાર છે. જોકે ભારત કરતાં ચીનમાં આવી ઉત્પાદન ક્ષમતા નોંધપાત્ર ગણી ઉંચી રહી છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uU4FcS
via Latest Gujarati News
0 Comments