વૈશ્વિક સ્તરે આ વર્ષે રૂનો પાક 4થી 5 ટકા ઓછો આવશે


દેશમાં રૂ બજારમાં તાજેતરમાં સમીકરણો ઝડપથી બદલાતા રહ્યા છે. બજારનો વક્કર જો કે એકંદરે  તેજીનો રહ્યો છે છતાં ઉંચા ભાવથી પ્રત્યાઘાતી આંચકા પણ આવતા રહ્યા છે. દરમિયાન, સરકાર હસ્તકના કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ચાલુ મોસમમાં આ પૂર્વે ટેકાના ભાવોએ જે રૂની ખરીદી કરી છે એ પૈકી હવે તે જથ્થામાંથી રૂનું વેંચાણ શરૂ કરી દીધું છે. 

આ વિશે મળી રહેલા વાવડ મુજબ મહારાષ્ટ્ર તથા તેલંગણામાં ઈ-ઓકશન્સ મારફત આવું વેંચાણ શરૂ કરાયું છે તથા પ્રથમ તબક્કે ખાંડીદીઠ રૂ.૪૭ હજાર આસપાસના ભાવોએ મહિનાના આરંભમાં આશરે ૧૦ હજાર ગાંસડીનું વેચાણ કરાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દેશમાં માર્ચ મહિનાના આરંભથી રૂના બજાર ભાવમાં ખાંડીદીઠ આશરે ૩ હજાર રૂપિયા ઉંચકાયા હતા અને ભાવ તાજેતરમાં રૂ.૪૪૫૦૦ આસપાસ બોલાયા હતા. 

૨૦૧૮-૧૯ના વર્ષમાં વાર્ષિક ધોરણે રૂના ટેકાના ભાવ આશરે ૨૫થી ૨૬ ટકા ઉંચા ગયા છે તથા મિડીયમ સ્ટેબલ વેરાયટીના ભાવ કિવ.ના રૂ.૫૧૫૦ તથા લોંગ સ્ટેપલ વેરાયટીના રૂ.૫૪૫૦ રહ્યા હતા જ્યારે આ ભાવનું કન્વર્ઝન કરીએ તો ખાંડીના ભાવ રૂ.૪૧થી ૪૨ હજાર  જેટલા થાય છે.

વિવિધ મથકોએ ગણતાં ચાલુ મોસમમાં અત્યાર સુધીમાં બજારમાં નવા પાક પૈકી આશરે ૭૦ ટકા નવા માલો  બજારમાં આવી ગયા છે. હવે બજારમાં પીક પીરિયડ પુરો થઈ ગયો છે.  ચાલુ મોસમમાં ૧૫ માર્ચ સુધીના ગાળામાં ગણતાં બજારમાં આશરે ૨૩૫ લાખ ગાંસડી નવા માલો આવી ગયાનું સીસીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું. પાકનો અંદાજ તાજેતરમાં ૩૨૮ લાખ ગાંસડીનો બતાવાયો હતો.

દરમિયાન, કોટન કોર્પોરેશને અત્યાર સુધીમાં આશરે ૧૧ લાખ ૬૦ હજાર ગાંસડી જેટલો રૂનો જથ્થો ખરીદયો છે. પાછલા વર્ષમાં આ ગાળામાં આવી જેટલી ખરીદી થઈ હતી તેની સામે આ વર્ષે આ ગાળામાં આવી ખરીદી આશરે ચાર ગણી વધુ થઈ છે. દેશમાં રૂની નવી મોસમ ઓકટોબર ૨૦૧૮થી શરૂ થઈ હતી. 

 કોટન એસોસીયેશન ઓફ ઈન્ડિયાના અંદાજ મુજબ આ વર્ષે રૂનો નવો પાક આશરે ૩૨૮ લાખ ગાંસડીનો તાજેતરમાં અંદાજવામાં આવ્યો હતો. દરમિયાન, સીસીઆઈએ વ્યાપારી ધોરણે પણ માલો ખરીદવાનું શરૂ કર્યું છે તથા તાજેતરમાં સીસીઆઈએ કર્ણાટક, મહારાષ્ટ્ર તથા ઉત્તર ભારતના રાજ્યોમાંથી આવી ખરીદી આશરે ૭થી ૮ હજાર ગાંસડીની કરી છે. સીએઆઈએ પાકનો અંદાજ તાજેતરમાં ૩૩૦ લાખથી ઘટાડી ૩૨૮ લાખ ગાંસડી રજૂ કર્યો હતો. 

પાછલા વર્ષ કરતાં આ વર્ષે દેશમાં રૂનો નવો પાક ઓછો બતાવાયો છે. આ વર્ષની રૂ મોસમના આરંભમાં આવકો વધી ત્યારે ભાવ ટકાવવા સીસીઆઈએ ટેકાના ભાવોએ આશરે ૧૨ લાખ ગાંસડી રૂની ખરીદી કરી હતી. જોકે ત્યાર પછી બજાર ભાવ ટેકાના ભાવ કરતાં આશરે ૧૦ ટકા ઉંચા જતા સીસીઆઈએ ટેકાના ભાવોએ નવી ખરીદી ત્યાર પછી સ્ટોપ કરી હતી.

દરમિયાન વૈશ્વિક સ્તરે રૂનું ઉત્પાદન ૨૦૧૮-૧૯માં આશરે ૧૧૮૯થી ૧૧૯૦ લાખ ગાંસડી  થવાનો અંદાજ તાજેતરમાં બતાવાયો છે. ૨૦૧૭-૧૮ કરતાં ૨૦૧૮-૧૯માં રૂનું વૈશ્વિક ઉત્પાદન આશરે ૪થી ૫ ટકા ઓછું અંદાજવામાં આવ્યું છે. જોકે પાછલા પાંચ વર્ષનો વાર્ષિક સરેરાશ વૈશ્વિક ઉત્પાદન  ૧૧૩૨ લાખ ગાંસડીનો નોંધાયો છે.

આ સરેરાશની સરખામણીએ વૈશ્વિક ઉત્પાદન ૨૦૧૮-૧૯માં  ઉંચું અંદાજાયું છે. વૈશ્વિક સ્તરે રૂનું વાવેતર આશરે ૩૩૧ લાખ હેકટર્સમાં થયું છે તથા હેકટરદીઠ પેદાશ સરેરાશ આશરે ૭૮૨ કિલો જેટલી ઉપજવાની શક્યતા છે. ચીન તથા બ્રાઝીલમાં પાકનો અંદાજ ઉંચો મૂકાયો છે.

ઘરઆંગણે રૂના વાયદાના ભાવ ગાંસડીદીઠ ફેબુ્રઆરીમાં રૂ.૧૯૯૭૦ બોલાતા હતા.   ચે માર્ચમાં રૂ.૨૧૩૬૦ થયા છે. બજારના જાણકારોના જણાવ્યા મુજબ ૨૦૧૯ના વર્ષમાં એકંદરે ભાવ વધઘટે ઉંચા જ રહેવાની શક્યતા છે. જોકે હવે પછી ચોમાસાની ચાલ કેવી રહેશે તેના પર બજારની નજર રહેશે. આ ઉપરાંત કરન્સીની વધઘટની અસર પણ રૂની નિકાસ પર પડવાની શક્યતા છે. 

ચીન અને અમેરિકા વચ્ચે વેપાર યુદ્ધ શાંત પડી રહ્યું છે ત્યારે હવે પછી ચીન દ્વારા અમેરિકા ખાતેથી રૂની ખરીદી વધશે તો ભારતના બજારોમાં ચીનની ખરીદી ધીમી પડી જવાની ગણતરી પણ બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો છે. આ વર્ષે વરસાદ પર અલનીનોની અસર કેવી પડે છે તેના પર પણ ખેલાડીઓની નજર રહેવાની વકી છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2OSb5lV
via Latest Gujarati News

Post a Comment

0 Comments