વરસાદ ઓછો થશે તો પણ કૃષિ બજારો ટકેલી રહેશેઃ સ્ટોક સંતોષજનક સપાટીએ



દેશમાં માર્ચ મહિનાના અંત સાથે ૨૦૧૮-૧૯ના નાણાંવર્ષનો અંત થયો છે  તથા નવા નાણાં વર્ષનો આરંભ થયો છે ત્યારે માર્ચ અંત સાથે વૈશ્વિક સ્તરે ૨૦૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળાની પુર્ણાહુતિ  થઈ છે અને આ પુર્ણાહુતિના પગલે દરિયાપારના બજારોમાથી તાજેતરમાં વિવિધ સંકેતો બહાર આવ્યા છે જેની અસર ૨૦૧૯-૨૦ના નવા નાણાંવર્ષમાં  ઘરઆંગણે વિવિધ બજારોની ચાલ પર જોવા મળશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા છે.  

દરમિયાન ભારતમાં ઉનાળાનો આરંભ થઈ ગયો  છે અને ગરમી વધી રહી છે તેવા વખતે એવા સમાચાર આવી રહ્યા છે કે દેશમાં આગામી વરસાદની મોસમ પર કદાચ અલનીનોની અસર જોવા મળે તો નવાઈ નહીં. આવી અસર દેખાશે તો વરસાદની ચાલ અનિયમિત તથા અપેક્ષા કરતાં  ઓછો વરસાદ થવાની ભીતિ ઉભી થવાની શક્યતા છે.  જોકે  નેશનલ કોલોટરોલ મેનેજમેન્ટ સર્વિસીસ એનસીએમએલના જણાવ્યા મુજબ આગામી ચોમાસા પર અલનીનોની અસર પડશે તો પણ કૃષી ચીજોની બજાર પર તેની કોઈ વિશેષ અસર પડવાની શક્યતા ઓછી છે.

આ અહેવાલમાં જણાવાયા મુજબ આગામી વરસાદ પર અલનીનોની અસર પડશે તો  ઘરઆંગણે કૃષી  ચીજોના વિવિધ પાકો ઓછા આવશે એવી શક્યતા છે તેમ છતાં સરકાર પાસે બફર સ્ટોક નોંધપાત્ર રહ્યો છે તથા વેપારીઓ પાસે પણ માલનો જથ્થો ખાસ્સો સંગ્રહાયેલો  રહ્યો છે એ જોતાં નવા પાકો ઓછા આવશે તો પણ બજારભાવમાં કોઈ નોંધપાત્ર વૃદ્ધી થવાની શક્યતા નહિંવત જણાય છે.

વૈશ્વિક સ્તરે માર્ચ અંતે જે ત્રિમાસિક ગાળો પૂરો થયો છે એ ત્રિમાસિક ગાળો વિવિધ કોમોડિટીઝના સંદર્ભમાં ૨૦૧૬ પછીનો શ્રેષ્ઠ ત્રિમાસિક ગાળો મનાઈ રહ્યો છે વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ પુરવઠા સામે માગ ઉંચી રહેતાં માર્ચ અંતનો ત્રિમાસિક ગાળો ૩ વર્ષનો શ્રેષ્ઠ ગાળો રહ્યો હોવાનું  જાણકારોએ જણાવ્યું હતું.

દરમિયાન ઘરઆંગણે આગામી ચોમંાસા પર જો અલનીનોની અસર પડશે તો દેશમાં કૃષી ઉત્પાદન ઓછું થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે.  અને આના પગલે વિવિધ કૃષી ચીજોમ ાં  ડિમાન્ડ અને સપ્લાયના સમીકરણો બદલાઈ જતા હોય છે. તથા ભાવ ઉંચા જતા  હોય છે.

જોકે  દેશમાં  સ્ટોકનો જથ્થો  સંતોષજનક હોતાં  ઘરઆંગણે ભાવ કાબૂમાં  જ રહેવાનું અનુમાન બતાવાઈ રહ્યું છે.  ભારતમાં  સિંચાઈ યોજનાનો  વ્યાપ હજી પુરતો વધ્યો નથી અને મોટાભાગના ખેડૂતો હજી પણ વરસાદ પર આધાર રાખતા રહ્યા છે. પેસીફિક સમુદ્રમાં કલાઈમેટ ચક્રમાં થતા ફેરફારોના પગલે વૈશ્વિક સ્તરે વેધર પેટર્નમાં  ફેરફારો થતા હોય છે તથા  તેના પગલે ચોમાસા પર અલનીનો અથવા તો  લા-નીનોની અસર સર્જાતી હોય છે. 

અલનીનો આવે ત્યારે  વરસાદ ઓછો પડે છે જ્યારે લા-નીનો થાય ત્યારે વધુ પડતો વરસાદ પડતો હોય છે. આ વખતે વરસાદ પર અલનીનોની અસર થવાની શક્યતા હાલ જાણકારોમાં ચર્ચાઈ રહી છે.

દરમિયાન, ઘઉં-ચોખા તથા કઠોળ-દાળ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં સ્ટોક  નોંધપાત્ર  તથા  સંતોષજનક રહ્યો છે એ જોતાં  અલનીનોની   અસર પડશે તો પણ બજાર ભાવ પર તેની કોઈ મોટી તેજીની અસર પડશે નહીં. જો કે તે તેલિબિંયાનોનવો પાક ઓછો આવશે તો ઘરઆંગણે દરિયાપારથી ખાદ્યતેલોની આયાત વધવાની શક્યતા બજારના સુત્રો  બતાવી રહ્યા હતા. 

વૈશ્વિક સ્તરે  કોમોડિટીઝ બજારો માટે  તાજેતરમાં પુરો થયેલો  ત્રિમાસિક ગાળો ૩ વર્ષનો શ્રેષ્ઠ ગાળો મનાયો છે  પરંતુ હવે આગળ ઉપર આ રેલી ધીમી પડવાની અથવા તો રિવર્સ ટર્નમાં આવવાની શક્યતા  વિશ્વ  બજારના ખેલાડીઓ બતાવી રહ્યા  છે. હવે વૈશ્વિક અનાજ બજારમાં  ભાવ ઢીલા પડવાની શક્યતા છે.  જ્યારે ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સની બજારનો આધાર ચીન પર રહ્યો છે. ચીનમાં  જોકે તાજેતરમાં  ઔદ્યોગિક  ઉત્પાદનના આંકડા  સારા આવ્યા છે.

ત્રિમાસિક ગાળામાં ક્રૂડતેલ ખાસ્સું વધ્યું છે. જ્યારે નિકલના  ભાવ ઉંચકાયા હતા.  યુરોપ તથા યુએસમાં  મેન્યુફેકચરિંગ આંકડા નબળા આવ્યા છે. વાહનોનું વેચાણ ઘટયું છે. ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર મંત્રણાઓ હવે કેવી આગળ વધે છે તેના પર નજર રહી છે.  જોકે અમેરિકામાં  આ વર્ષે હવે  પછી વ્યાજ દરમાં નવો વધારો થશે નહિં એવાં સંકેતો જોતાં  વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેક્સ દબાણ હેઠળ રહેશે એ વાત ચોક્કસ છે.

સામાન્ય પણે ડોલર ઘટે છે ત્યારે  વૈશ્વિક  કોમોડિટીઝના ભાવ ઉંચા જતા હોય છે. જોકે  વૈશ્વિક અર્થતંત્રનો ગ્રોથ આ વર્ષે ધીમો પડવાની આગાહી થઈ છે એ વાત કોમોડિટીઝ બજારોમાં  ખેલાડીઓને ચિંતિત કરી રહી છે. પામતેલમાં ઉત્પાદક દેશો તથા યુરોપના દેશો વચ્ચે મતભેદો વધ્યા છે. આ પ્રશ્ન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સમક્ષ ગયો છે. આ બધી ઘટનાઓ હવે પછી વિશ્વ બજારનો ટ્રેન્ડ નક્કી કરવાની છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uNZ87A
via Latest Gujarati News

Post a Comment

0 Comments