રેટિંગ એજન્સીઓ માટે આકરા ધોરણો હોવા છતાં સ્થિતિ ઠેરની ઠેર




જાહેર ભરણાં લાવનાર કંપનીઓ હોય કે નાણાં સંસ્થાઓ હોય તેમના રેટિંગ આપવામાં અનેક વેળા ગોથા ખાઈ ચૂકેલી દેશ-વિદેશની ક્રેડિટ રેટિંગ એજન્સીઓ હાલમાં રિઝર્વ બેન્ક તથા અન્ય સરકારી એજન્સીઓની નજરમાં આવી ગઈ છે. ખાસ કરીને આઈએલએન્ડએફએસ પ્રકરણ બાદ તો રેટિંગ એજન્સીઓ પર રીતસરની પસતાળ પડવા લાગી હતી. રેટિંગ એજન્સીઓ સાથે ગયા મહિને કરેલી બેઠકમાં રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે રેટિંગ આપવામાં એજન્સીઓની  કહેવાતી લાપરવાહી પ્રત્યે ભારે નારાજગી વ્યકત કરી હતી. 

બોન્ડસ તથા ડિબેન્ચર મારફત નાણાં મેળવનારી કંપનીઓ અથવા નાણાં સંસ્થાઓ તેમની જવાબદારી પૂરી પાડવામાં કેટલી સક્ષમ છે તેનખરી આકારણી કરવાની જવાબદારી રેટિંગ એજન્સીઓની હોય છે. એજન્સીઓ દ્વારા અપાતા રેટિંગને આધારે જ રોકાણકારો જે તે ભરણાંમાં પોતાની મૂડી રોકતા હોય છે. 

બીજા શબ્દોમાં કહીએ તો રેટિંગ એજન્સીઓનું કામ વર્તમાન સ્થિતિને આધારે ભવિષ્ય ભાખવાનું  હોય છે. ભવિષ્ય ભાખવાની કામગીરી ભૂલને પાત્ર હોઈ શકે છે, પરંતુ નિષ્ફળતાને નહીં. અહીં નિષ્ફળતા એટલે બદલાતા સંજોગો પ્રમાણે રેટિંગમાં બદલાવ કરવાની કામગીરી નિષ્ફળતા. રેટિંગ એજન્સીઓના ગ્રાહકોમાં બેન્કો તથા મ્યુચ્યુઅલ ફન્ડસનો પણ સમાવેશ થાય છે. આ નાણાં સંસ્થાઓએ મૂડી પૂર્તતા, ડિસ્કલોઝર્સ અને બજાર શિસ્તતા જેવા મુદ્દાઓનું પાલન કરવાનું રહે છે. 

લોન્સ પૂરી પાડતા અથવા બોન્ડસમાં નાણાં રોકતા પહેલા નાણાં સંસ્થાઓ તેની સાથે સંકળાયેલા જોખમોની રેટિંગ એજન્સીઓ પાસે આકારણી કરાવી લેતી હોય છે. આ કવાયત હાથ ધરવા પાછળના કારણોમાં એક તો પોતાના નાણાંની સલામતિ અને બીજુ લોનધારક નાણાંના રિપેમેન્ટમાં નિષ્ફળ જાય તો તેવા કિસ્સામાં હાથ ઊંચા કરી દઈ રેટિંગ એજન્સીઓના માથે જવાબદારી ઢોળવાનું આસાન રહે તે પણ છે.

નિયામકો દ્વારા પણ રેટિંગ કરાવી લેવાનું ફરજિયાત બનાવાયું હોવાથી નાણાં સંસ્થાઓ માટે જવાબદારી ઢોળવાનું સરળ રહે છે. કંપનીઓને નાણાં ધિરતી બેન્કોને જો સંપૂર્ણ રીતે જવાબદાર બનાવવી હોય તો જોખમની આકારણી કરવાની કામગીરી બેન્કોને જ સોંપાવી જોઈએ જેથી સંબંધિત કંપની રિપેમેન્ટમાં નિષ્ફળ જાય તો તેવા કિસ્સામાં બેન્કો અન્ય પર દોષનો ટોપલો ઢોળી ન શકે. 

જાણીતી ક્રેડિટ રેટિંગ એજન્સીઓ સાથેની બેઠકમાં શક્તિકાંતા દાસે ધિરાણ જોખમોની આકારણી કરવામાં રેટિંગ એજન્સીઓની અક્ષમતા  સામે ચિંતા વ્યકત કરી હતી. રેટિંગમાં સચોટતા જોવા મળવી જોઈએ તેના બદલે તેમાં હમેશા ક્ષતિ રહે છે. આઈએલએન્ડએફએસના રેટિંગને ઘટાડવામાં એજન્સીઓએ કરેલી ઢીલને કારણે, બેન્કો, મ્યુચ્યુઅલ ફન્ડસ તથા પીએફ વગેરેના કરોડો રૂપિયા અટવાઈ ગયા છે.

આઈએલએન્ડએફએસના ડિફોલ્ટસને કારણે અનેક ડેબ્ટ મ્યુચ્યુઅલ ફન્ડસ યોજનાની નેટ એસેટ વેલ્યુને ઘસારો પહોંચ્યો હતો જેને કારણે રિટેલ રોકાણકારોએ સહન કરવાનું આવ્યું છે. દેશની જાહેર ક્ષેત્રની બેન્કોમાં નોન પરફોર્મિંગ એસેટસ (એનપીએ)ના ઊંચા સ્તર માટે ભૂલભરેલા રેટિંગ્સ પણ જવાબદાર હોવાનું રિઝર્વ બેન્ક માની રહી છે. બેન્કિંગ વ્યવસ્થામાં એનપીએનો આંક રૂપિયા ૧૨ લાખ કરોડને પહોંચી ગયો છે. ક્રેડિટ રેટિંગ એજન્સીઓમાં રહેલા હિતોના સંઘર્ષ પ્રત્યે પણ રિઝર્વ બેન્કે ચિંતા વ્યકત કરી છે. 

છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીઓ દ્વારા નિષ્ફળતાનો સૌથી વધુ ભોગ બન્યા હોય તો તે છે સામાન્ય રોકાણકારો. આવી સ્થિતિમાં ભારતમાં બિનકાર્યક્ષમ ક્રેડિટ રેટિંગ એજન્સીઓમાં શિસ્તતા અને કાર્યક્ષમતા કેવી રીતે લાવી શકાય તે તરફ વિચારવાનું જરૂરી બની ગયું છે. રેટિંગ એજન્સીઓ પરના નિયમનોની સમીક્ષા થવી આવશ્યક છે. ભારતમાં સાત ક્રેડિટ રેટિંગ એજન્સીઓ કાર્યરત છે પરંતુ રેટિંગ વેપારનો ૮૦ ટકા હિસ્સો આમાંથી મોટી ત્રણ એજન્સીઓ ક્રિસિલ, કેર અને ઈક્રા પાસે હોવાનું જોવા મળે છે.

આ એક પ્રકારની ઈજારાશાહી કહી શકાય જે તૂટવી રહી. આમ થશે તો રેટિંગમાં પારદર્શીતા અને ગુણવત્તામાં વધારો થશે. મોટાભાગના રોકાણકારો ખાસ કરીને મ્યુચ્યુઅલ ફન્ડસ રેટિંગને એક સામાન્ય ઔપચારિકતા જ ગણતા હોય છે. પોતાના નાણાં જેમાં રોકાયેલા હોય તેવી કંપનીઓને કોઈપણ પ્રકારના ડાઉનગ્રેડ તેમને પસંદ નથી હોતા કારણ કે તેનાથી તેમના મૂલ્યાંકનને અસર પડે છે અને ઈન્વેસ્ટમેન્ટને ઘસારો પહોંચે છે. 



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2OYxRIY
via Latest Gujarati News

Post a Comment

0 Comments