તા. ૨૬
સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ)ને આજે નિર્દેશ આપ્યા હતા કે માહિતી અધિકાર(આરટીઆઇ) કાયદા હેઠળ જો બેંકોને મુક્તિ મળી નથી તો આ કાયદા હેઠળ તેમના વાર્ષિક નિરીક્ષણ અહેવાલ સાથે સંકળાયેલી માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવે.
ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવની અધ્યક્ષતા ધરાવતી ખંડપીઠે રિઝર્વ બેંકને માહિતીના અધિકાર કાયદા હેઠળ માહિતી ઉપલબ્ધ કરાવવાની પોતની નીતિની સમીક્ષા કરવાના પણ નિર્દેશ આપ્યા છે. ખંડપીઠે જણાવ્યું હતું કે કાયદા હેઠળ તે આમ કરવા માટે બાધ્ય છે.
જો કે ખંડપીઠે રિઝર્વ બેંકની વિરુદ્ધ કોર્ટની અવગણના ન કરી પણ તેણે સ્પષ્ટ કર્યુ હતું કે તે માહિતીના અધિકાર કાયદાની જોગવાઇઓનું પાલન કરવા માટે તેને અંતિમ તક આપી રહી છે.
ખંડપીઠે જણાવ્યું છે કે જો હવે આરબીઆઇ માહિતીના અધિકાર કાયદા હેઠળ માહિતી આપવાનો ઇનકાર કરશે તો તેને ગંભીરતાથી લેવામાં આવશે. ખંડપીઠે જણાવ્યું છે કે કોઇ પણ પ્રકારના ભંગને ગંભીરતાથી લેવામાં આવશે.
ચાલુ વર્ષે જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટે માહિતીના અધિકાર કાયદા હેઠળ બેંકોના વાર્ષિક નિરીક્ષણ રિપોર્ટનો ખુલાસો નહીં કરવા માટે રિઝર્વ બેંકને કોર્ટની અવગણનાની નોટિસ જારી કરી હતી.
આ અગાઉ સુપ્રીમ કોર્ટ અને કેન્દ્રીય માહિતી પંચે જણાવ્યું હતું કે આરબીઆઇ ત્યાં સુધી માહિત અધિકાર કાયદા હેઠળ માહિતી આપવાનો ઇનકાર ન કરી શકે જ્યાં સુધી તેને આ કાયદામાંથી મુક્તિ ન મળે.
રિઝર્વ બેંકે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે તે આ માહિતી ઉપલબ્ધ કરાવી શકે તેમ નથી કારણકે બેંકના વાર્ષિક નિરીક્ષણ અહેવાલમાં આવા કોઇ પ્રકારની જોગવાઇ નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2L6qu3Q
via Latest Gujarati News
0 Comments