ખાદ્ય તેલની આયાત વધતા ઘરેલું ઓઈલ રિફાઈનરી ઉદ્યોગ મુશ્કેલીમાં મૂકાઇ ગયો

મુંબઈ, તા. 17  એપ્રિલ, 2019, બુધવાર

ખાદ્ય તેલોની આયાતમાં થઈ રહેલા વધારાથી ચિંતીત બનેલા ઘરેલું તેલીબિયાં પિલાણ અને રિફાઈનિંગ ઉદ્યોગને ટકી રહેવા માટે પોતાની ક્ષમતામાં નોંધપાત્ર કાપ મૂકવો પડયો છે. આ ઉદ્યોગ હાલમાં ઐતિહાસિક નીચી સપાટીએ કામ કરી રહ્યો છે.

ભારતની ખાદ્ય તેલની આયાત માર્ચમાં ૨૬ ટકા વધીને ૧૪.૪૬ લાખ ટન રહી હતી. મલેશિયા ખાતેથી રિફાઈન્ડ પામ ઓઈલની આયાતમાં વધારો થતાં એકંદર આયાત વધી હતી.આયાતમાં થઈ રહેલા વધારા પ્રત્યે ચિંતા વ્યકત કરતા સોલવન્ટ એકસટ્રેકટર્સ' એસોસિએશન ઓફ ઈન્ડિયા (સી)એ ક્રુડ તથા રિફાઈન્ડ ઓઈલ પરની ડયૂટી વચ્ચેનો તફાવત વધારવા પણ માગણી કરી છે.

ખાદ્ય તેલની ભારત અછત ધરાવતું હોવાથી ૬૦ ટકા માગ આયાત ખાસ કરીને મલેશિયા, ઈન્ડોનેશિયા અને આર્જેન્ટિના ખાતેથી આયાત કરીને પૂરી કરવામાં આવે છે. 

આયાતમાં સતત વધારાથી ઘરેલું પિલાણ અને ઓઈલ રિફાઈનિંગ એકમો માટે ચિંતાનો વિષય બન્યો છે. ઘરઆંગણે પાકતા તેલીબિયાંનું પિલાણ કરીને તેલ મેળવવા કરતા આયાતી રિફાઈન્ડ ઓઈલ સસ્તું પડતું હોવાથી અહીંના પેકેજિંગ એકમો આયાત કરવાનું વધુ પસંદ કરે છે અને ઓઈલ આયાત કરીને સ્થાનિક એકમોમાં પેક કરી તેનું વેચાણ કરે છે. પરિણામે ઘરેલું રિફાઈનરોએ  પોતાની ક્ષમતા ઘટાડીને ૩૦ ટકા પર લાવી દેવાની ફરજ પડી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. 

ખાદ્ય તેલની આયાતમાં વધારો ભારતના રિફાઈનરો તથા તેલીબિયાંના ખેડૂતો માટે હમેશા ચિંતાનો વિષય રહ્યો છે. તેલીબિયાંના ખેડૂતો પોતાના ઉત્પાદનોના સારા ભાવ મળી રહે તેવી હમેશા અપેક્ષા રાખતા હોય છે.વર્તમાન વર્ષની ૧લી જાન્યુઆરીથી  નાણાં મંત્રાલયે, પામ ઓઈલ પરની ઈમ્પોર્ટ ડયૂટીમાં ઘટાડો કર્યો છે અને મલેશિયા ખાતેથી આયાત થતાં પામોલિન પર ૧૦ ટકા પરથી  ૫ ટકા કરીને ક્રુડ તથા પામ ઓઈલ વચ્ચેનો ડયૂટીનો તફાવત ઘટાડયો છે. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GsEGQ0
via Latest Gujarati News

Post a Comment

0 Comments