
રાજકીય પક્ષોના ચૂંટણીમાં પ્લસ અને માઈનસ મુદ્દાઓ: આ ચૂંટણીમાં જીત મેળવવા રાજકારણનું મહત્ત્વ છે કે અર્થકારણનું મહત્ત્વ છે તેની સમજણ પડતી નથી.
નરેન્દ્ર મોદી સામે અર્થકારણને લગતી મુખ્ય ક્ષતિઓ નીચે મુજબ છે
(૧) દરેકના ખીસ્સામાં ૧૫ લાખ રૂપિયા ચુકવાનું અને ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું તેમનું વચન સફળ થયું નથી અને તેઓ સત્તા મળશે તો પણ ૨૦૨૨માં તેઓ ખેડૂતોની આવક બમણી કરી શકશે નહીં. આપણું ખેતીવાડીનું ઉત્પાદન લગભગ ત્રણ ટકાના દરે વધે છે અને તે ઇ.સ. ૨૦૨૨ સુધી દર વર્ષે ૨૦ ટકાના દરે વધે તો જ શ્રી મોદી ખેડૂતોની આવક બમણી કરી શકે.
(૨) ભારતમાં વીજળી ઝડપે નંખાયેલી ડીમોનેટાઇઝેશન યોજનાને કારણે સામાન્યજનને તો ઘણી તકલીફ પડી પરંતુ નાના અને મધ્યમ કદના તથા અતિ સફળ (માઇક્રો) ઉદ્યોગોને ઘણું નુકશાન પહોંચ્યું અને આ ક્ષેત્રમાં રોજગારી ઓછી થઇ ગઇ તે હવે તમામ અર્થશાસ્ત્રીઓ અને રાજકારણીઓ કબૂલ કરે છે. અલબત્ત મોદી સરકારે રેલ્વે અને રોડ બાંધકામમાં ઘણી સારી કામગીરી બજાવી છે.
(૩) કોંગ્રેસ સરકારની બે ગેમચેઇન્જર યોજનાઓ - મનરેગા અને ફુડ સીક્યોરીટી (સસ્તા અનાજની દુકાનો) ગરીબોમાં એટલી બધી લોકપ્રિય થઇ કે મોદી સરકારે તેમને ચાલુ રાખવી પડી તેટલું જ નહીં પરંતુ તેમના બજેટમાં પણ સરકારે ગણનાપાત્ર વધારો કર્યો.
(૪) મોદીની સરકાર નીચલી કક્ષાએ થતા ભ્રષ્ટાચારને ઘટાડી શક્યા નથી. ઇઝ ઓફ ડુઇગ બીઝનેસમાં પણ સરકારી પરવાનગીને મેળવવામા હજી વાર લાગે છે. તથા ભ્રષ્ટાચાર ચાલે છે.
(૫) ખેડૂત વર્ગને આટલી મોટી લોન માફીની સખાવતો છતાં નરેન્દ્ર મોદી ખેડૂતોની સ્ટ્રકચરલ સમસ્યાઓ તથા તેમની માર્કેટીંગની સમસ્યાઓ ઉકેલી શક્યા નથી. ખેડૂતોએ તેમના પાકોનું વેચાણ એપીએમસી દ્વારા જ કરવું તે નિયમ ખેડૂતોને દલાલોના પંજામાંથી હજી બચાવતો નથી. અનાજ અને શાકભાજીના ભાવો દલાલોની છૂપી 'રીંગ' (ટોળકી) નક્કી કરે છે તે સૌ કોઈ જાણે છે. કેન્દ્રની અને રાજ્યની સરકારો તેને નિસહાય રીતે જોયા કરે છે. અર્થશાસ્ત્રીઓને અને ચૂંટણી જીતવા ખેડૂતોને લોન માફીની લ્હાણી કરવી તે આપણી આર્થિક સાધનોનો મોટો દુરૂપયોગ છે.
તેવી જ રીતે બે હેકટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂત કુટુંબને વાર્ષિક ૬૦૦૦ રૂપિયાની લ્હાણ મતો મેળવવાનો કીમીયો છે તે વાત સૌ કોઈ જાણે છે. તે અંગેનો બે હજાર રૂપિયાનો પહેલો હપ્તો પણ વીજળી ઝડપે ૧૨ કરોડ ખેડૂતોને ચૂંટણી પહેલા ચૂકવાઈ જાય તેવો હૂક્મ પ્રામાણિકતાની છાપ ઉપસાવતો નથી. સાથે સાથે કોંગ્રેસમાં નહેરૂવંશનું પ્રભુત્વ લોકોને ખટકે છે. કોઈપણ પક્ષમા વંશવાદ ચલાવી લેવાય નહીં. વળી કોંગ્રેસનું ભૂમિતળનું સંગઠન અત્યંત નબળું છે. સેવાદળની સંસ્થા તૂટી ગઈ છે.
બેરોજગારીમાં વધારો ઃ અર્થકારણને ક્ષેત્રે ખેતીવાડી ક્ષેત્રે અજંપા કરતા ય આ ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો બેરોજગારીનો છે. વિરોધપક્ષોનો દાવો છે કે નાણાબંધી તથા જીએસટીને કારણે અસંગઠિત ક્ષેત્રે બેરોજગારી ગણનાપાત્ર રીતે વધી ગઈ છે. ભારતમા રોજગારીના અભાવને લીધે લોકો ગરીબ છે કે ગરીબોની ઓછી ખરીદ શક્તિને કારણે ઉત્પાદન વધતું નથી તેવી બેરોજગારી તથા ગરીબી સર્જાય છે તે કહેવું મુશ્કેલ છે પરંતુ ભારતમાં બેરોજગારીના આંકડા ચોંકાવનારા છે.
દા.ત., નેશનલ સેંપલ સર્વે ૨૦૧૭-૨૦૧૮ મુજબ ભારતમાં ૨૦૧૧-૨૦૧૨મા ૩૦.૪ કરોડ પુરૂષો કામ કરતા હતા જ્યારે ૨૦૧૭-૨૦૧૮માં પુરૂષ કામદારોની સંખ્યા ૩૦.૪ કરોડમાંથી ઘટીને ૨૮.૬ કરોડ (લગભગ ૧.૮૦ કરોડ લોકોમાં ઘટાડો) થઇ ગયો. કુલ ૧.૮૦ કરોડ નોકરીઓ ડૂલ થઇ તેમાંથી લગભગ ૪૨ લાખ નોકરીયો શહેરોમાંથી અને લગભગ ૧.૩૮ કરોડ નોકરીઓ ગ્રામ્યભારતમાંથી અદ્રશ્ય થઇ ગઇ.
ભારતના શહેરી વિસ્તારોના પુરૂષોના બેરોજગારીની ટકાવારી ૫.૮ ટકા છે. જ્યારે ગ્રામ્ય ભારતમા તે ૩.૧ ટકા છે. ગામડાઓમાં તેમજ શહેરોમાં સ્ત્રીઓની રોજગારી અંગે પણ કરૂણ પરિસ્થિતિ છે. નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનના આ બાબતમા આંકડા જણાવે છે કે ૨૦૧૧-૨૦૧૨મા ભારતના ગામડાઓમા કુલ ૯.૩૯ કરોડ સ્ત્રીઓ કામ કરતી હતી.૨૦૧૭-૨૦૧૮મા આ સંખ્યા ઘટીને ૬.૪૮ કરોડની થઇ ગઇ.
પુરૂષ અને સ્ત્રી કુલ વર્કફોર્સના આંકડા પણ બેરોજગારીની દ્રષ્ટિએ ચોંકાવનારા છે. આ સર્વે પ્રમાણે ૨૦૧૧-૨૦૧૨મા ભારતમા સ્ત્રી-પુરૂષોને કુલ વર્ક ફોર્સ (કુલ રોજગારી) ૩૦.૯ કરોડ હતી અને ૨૦૧૭-૨૦૧૮ તેમાં ૪.૩ કરોડનો જંગી ઘટાડો થયો અને આ સંખ્યા ૨૬.૬ કરોડ થઇ ગઈ. આમા કોને સૌથી ગેરફાયદો થયો ? ગામડામાં રહેતી સ્ત્રીઓની રોજગારીમાં સૌથી ઘટાડો થયો. ભારત હજી ગામડાઓનો જ દેશ છે તે આપણું કમભાગ્ય છે. ૨૦૧૭-૨૦૧૮માં ભારતના ગામડાઓમાં પુરૂષ અને સ્ત્રીઓ મળીને કુલ ૨૬.૬ કરોડ લોકો કામ કરે છે તેમાં ૬.૫ સ્ત્રીઓ અને ૨૧.૫ કરોડ પુરૂષો છે.
આ રીપોર્ટ સરકારે બહાર પાડયો નથી તેથી તે અંગેની ધારી વિગતોની આપણને જાણ નથી. પરંતુ ભારતમા બેરોજગારીની સમસ્યા વર્ષો જૂની છે. આપણે સ્વતંત્રતા મળી તે પહેલા પણ ભારતમા ઘણી બેરોજગારી હતી. આથી અહીં એક અગત્યનો મુદ્દો એ છે કે બેરોજગારીનો મુદ્દો આ ચૂંટણીમાં કોઈ અગત્યનો ભાગ ભજવશે નહીં. તેની અસર માર્જીનલ રહેશે. આ મુદ્દો બીજેપીના તરફેણમાં જશે. અર્થકારણની આ અતિમહત્ત્વની સમસ્યાનો પડઘો ચૂંટણીમાં પડશે નહીં.
દેશમાં અનેક રંગની ક્રાંતિઓ : ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં જે કાંઈ આર્થિક પ્રગતિ થઇ તે પાછલા ૬૫ વર્ષમાં થયેલી પ્રગતિ કરતા વધારે હતી તેમ દાવો કરવો તે અસત્યની નજીક છે. ભારતમાં ઇ.સ. ૧૯૬૫ પછી હરિયાળી ક્રાંતિ થઇ જેણે આપણને ખેતીક્ષેત્રે સ્વાવલંબિત કર્યા એટલું જ નહીં પરંતુ ભારત હવે અનાજ અને શાકભાજી તથા ફળો-ફુલોની નિકાસ કરે છે.
તે પછી ભારતમા શ્વેતક્રાંતિ આવી અને ભારત જગતના કોઈપણ દેશ કરતા દુધનું વધુ ઉત્પાદન કરે છે. તેની સાથે સાથે ભારતમા લાલ ક્રાંતિ એટલે કે પોલ્ટ્રી પ્રોડક્ટસ (ચીકન અને ઇંડા) ક્ષેત્રે ક્રાંતિ થઈ. તે પછી ભારતમા મત્સ્ય ઉદ્યોગનો એટલો બધો વિકાસ થયો કે આપણે જરૂરી (દરિયાના પાણીનો રંગ) ક્રાંતિકારી તે પછી આપણે જીરૂના બીયારણમાં જેનેટીક ક્રાંતિ કરી જેને આપણે સફેદ ક્રાંતિ કહી શકીએ.
આપણે ફળોના જંગી ઉત્પાદન અને નિકાસ દ્વારા સોનેરી (કેળા, કેરી તથા શેરડીનો રંગ) ક્રાંતિ કરી. હવે જો આપણી ડીવીઝીવ રાજકારણની જ હંમેશા વાત કરીએ અને ધર્મ તથા હિન્દુત્વનું જલદ મીશ્રણ કરીને રાજકારણમાં તેનો ઉપયોગ કરીએ તો તેનાથી લાલ ક્રાંતિ ઉભી થાય જે પોલ્ટ્રી (ચીકન, ઇંડા વગેરેેે)ને કારણે નહી પરંતુ માનવ હિંસાનો લાલ રંગ ગણાય. તે ક્રાંતિકારી પરંતુ પ્રતિક્રાંતિ છે
બોરીંગ ઢંઢેરા: બન્ને પ્રમુખ રાજકીય પક્ષોના ઢંઢેરા પુષ્કળ 'બોરીંગ' છે. તેને કોણ વાચતું હશે ? તેમા બધુ તરંગી (યુરોપીઅન) જણાય છે. કોંગ્રેસ ઢંઢેરામાં કલ્યાણ રાજ્યના કાઈક અંશે અવાસ્તવિક દર્શન થાય છે તો બબીજેપીની આયુષ્યમાન ભારતની યોજના જાણે કે અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ યોજના હોય તેમ દાવો થાય છે. ભારતમા અનેક આર્થિક પ્રશ્નો છે.
જે તાત્કાલિક ઉકેલ માગે છે પરંતુ એક રાજકીય પક્ષો આર્થિક પ્રશ્નોનો ઉકેલ હિન્દુત્વકેન્દ્રી અતિરાષ્ટ્રવાદમા લાગે છે. પાકીસ્તાન સાથેનો સતત ભય આ અતિરાષ્ટ્રવાદને સતત પ્રજ્વલિત રાખે છે. અતિરાષ્ટ્રવાદનું મીશ્રણ લશ્કરની સેનાની તાકાત સાથે થાય છે. ત્યારે તે આર્થિક પ્રશ્નોને બાજુએ રાખી દે છે તેથી જ આ ચૂંટણીમાં આપણે સાવધ રહેવાનું છે.
આપણે જગતમાં અતિમહાન રાષ્ટ્ર થવું છે તેમ એક અતિઅગત્યના બીજેપીના ટોપ હોદ્દેદારો જનતાને જણાવ્યું. આપણે અતિ મહાન રાષ્ટ્ર નથી થવું પરંતુ લોકો જેમા આર્થિક અને લોકશાહી રીતે સુખી અને સમૃધ્ધ થાય તેવા રાષ્ટ્રનું સર્જન કરવું છે. એક અન્ય અગ્રણી રાજકીય વ્યક્તિએ જણાવ્યું કે આપણે રાષ્ટ્રદ્રોહના કાયદાને (કોંગ્રેસ તેને દુર કરવા માગે છે) હટાવવો નથી પરંતુ તેને મજબૂત કરવો છે જેથી કોઈ રાષ્ટ્રવિરોધી વ્યક્તિ ચૂંકે ચાં ના કરી શકે.
દેશને પ્રગતિ નહી પરંતુ પાછા માર્ગે લઇ જતી એક અતિમહત્ત્વની બાબત આર્થિક નથી પરંતુ રાજકીય છે અને તે છે પ્રતિષ્ઠિત સંસ્થાઓનું ધોવાણ આરબીઆઈના ગવર્નર્સના જે હાલ થયા રઘુરામ રાજની મુદ્દત જે રીતે લંબાવી શક્યા નહી, યુનિવર્સિટીઓના હોદ્દેદારોમા પક્ષના જ માણસોની પસંદગી એ શિક્ષણનું જે ધોવાણ કર્યું છે તે, શાળાઓના પાઠયપુસ્તકમાં દેશભક્તી અને હિન્દુ સંસ્કૃતિના વધારે પડતા ગુણગાન ગાતા અભ્યાસક્રમમાં અને ડીવીઝીવ રાજકારણ જેમાં દેશના સીક્યુલર તથા તટસ્થ આર્મીને મોદી સેના ગણાવાય આ બધા લોકશાહીને ક્ષીણ કરતા પરિબળોને આર્થિક ભાષામાં કે ફોર્મ્યુલામા સમાવી શકાય તેમ નથી. તેઓ લોકશાહીને ક્ષીણ કરે છે અને હીરોવરશીપમાં પરિણમે છે. તેમાંથી ઝનૂન ઊભું થાય છે.
સરકારી બેંકોની ખરાબ કામગીરી: છેલ્લા પાંચ વર્ષમા જાહેર બેંકોએ નિર્લજ્જપણે એનપીએની રકમ ૮ લાખ કરોડ રૂપિયા વધુ પહોંચાડી છે, ખાનગી સેકટરને ઊભા કરવા સરકાર જે બેહદ મદદ કરે છે તેના કોઈ પડઘા આ ચૂંટણીમા પડશે તેમ જણાતું નથી. ત્રણ ટકાથી નીચે રહેલું ઇન્ફલેશન ચાલુ સરકારનું અમોઘ શસ્ત્ર છે. તેની સરખામણીમાં બીજા આર્થિક પરિબળોને ચૂંટણીમાં ગૌણ અસરવાળા ગણાવી શકાય. શ્રી મોદી સરકાર ફરી આવશે તેમા ફુગાવાનો ત્રણ ટકાથી નીચો દર મોટો ભાગ ભજવશે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VkU6y4
via Latest Gujarati News
0 Comments