વિનેશ ફોગટ અને સાક્ષી મલિકે એશિયન કુસ્તીમાં બ્રોન્ઝ મેળવ્યા

ક્ષી'એંગ, તા.૨૬

મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટ અને સાક્ષી મલિકના બ્રોન્ઝ સાથે એશિયન ચેમ્પિયનશીપમાં ભારતના પડકારનો અંત આવી ગયો હતો. ભારતે મહિલા કુસ્તીમાં આ સાથે કુલ ચાર બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. વિનેશ ફોગટને નવા નિયમોને કારણે નવા વજન વર્ગની ઈવેન્ટમાં ભાગ લેવો પડયો હતો અને જેમાં તેણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જ્યારે સાક્ષી મલિકે ૬૨ કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. 

વિનેશ ફોગટે ૨૦૧૮ની જકાર્તા એશિયન ગેમ્સમાં ૫૦ કિગ્રા વજન વર્ગમાં સુવર્ણ ચંદ્રક મેળવતા આગામી વર્ષના ઓલિમ્પિકમાં ક્વોલિફાય કર્યું હતુ. જોકે નવા નિયમોને કારણે વિનેશને ૫૩ કિગ્રા વજન વર્ગમાં ઉતરવું પડયું હતુ અને તે ક્વોલિફાઈંગ રાઉન્ડ જીતીને આગેકૂચ કરનારી જાપાનની માયુ મુકાઈડા સામે ૦-૧૦થી હારી ગઈ હતી. જોકે ત્યાર બાદ રિપેચાર્જમાં તેણે તાઈપેઈની કિએંયુ પેંગને૮-૧થી હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જે અગાઉ તેણે તાઈપેઈની જો ચિહ ચિઉને હરાવી હતી. 

રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી સાક્ષી મલિકે ક્વોલિફાઈંગમાં વિયેતનામની થી માય હાન્હ ગુયેનને હરાવી હતી. જોકે ક્વાર્ટર ફાઈનલમાં તેને જાપાનની યુકોકો કવાઈ સામે હારી ગઈ હતી. આ પછી તેણે કોરિયાની જીએઈ ચોઈને હરાવીને બ્રોન્ઝ મેડલ માટે ક્વોલિફાઈ કર્યું હતુ. જ્યાં તેને નોર્થ કોરિયાની હીઓન ગ્યોંગ મુન સામે ૯-૬થી જીત હાંસલ કરતાં મેડલ મેળવ્યો હતો. અગાઉ ભારતની દિવ્યા કાકરાન અને મંજુ  કુમારી અનુક્રમે ૬૮ કિગ્રા અને ૫૯ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. 



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZFjCOa
via Latest Gujarati News

Post a Comment

0 Comments