નવી દિલ્હી, તા.૨૬
ભારતીય ક્રિકેટ બોર્ડે સનસનાટીભર્યો આક્ષેપ મૂકતાં કહ્યું છે કે, અમે જ્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને જણાવ્યું કે, તેઓ તેમની મહિલા ખેલાડીઓને ભારતમાં શરૃ થઈ રહેલી મહિલાઓ માટેની આઈપીએલમાં રમવા મોકલે તો તેમણે તેના બદલામાં પુરુષ ક્રિકેટરોની શ્રેણીના કાર્યક્રમમાં ફેરફાર કરવાનું દબાણ કરવાનું શરુ કર્યું. તેઓની વાત સ્પષ્ટ હતી કે, જો તમે પુરુષ ખેેલાડીઓની ક્રિકેટ સિરીઝના કાર્યક્રમમાં ફેરફાર કરો તો જ અમે અમારી મહિલા ખેલાડીઓને તમારી આઇપીએલમાં રમવા મોકલીએ. બીસીસીઆઇએ જણાવ્યું હતુ કે, આમ કરીને તેઓએ આ પ્રકારે અમને બ્લેકમેઈલ કરવાનો પ્રયાસ કર્યો હતો.
બીસીસીઆઇ મહિલાઓ માટે આઇપીએલની ત્રણ ટીમોની લીગ ૬ થી ૧૧ મે દરમિયાન જયપુરમાં રમાડવા જઈ રહ્યું છે, જેમાં ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગ, એલીસ પેરી અને અલિસા હિલી ભાગ લેવાના હતા. જોકે હવે તેમને ઓસ્ટ્રેલિયન બોર્ડે ભારતમાં આઇપીએલ રમતાં અટકાવી દીધા છે.
એજન્સીના રિપોર્ટ અનુસાર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની ટોચની ઓફિસિઅલ બેલિન્ડા ક્લાર્કે ઈ-મેલ મોકલીને તેમની ત્રણ ખેલાડીઓને ભારતમાં રમવા આવતી અટકાવવાનો ડર બતાવીને ભારતને પુરુષો ક્રિકેટ ટીમો વચ્ચેની દ્વિપક્ષિય વન ડે શ્રેણી સ્થગિત કરાવવાનો પ્રયાસ કર્યો હતો.
બેલિન્ડાના ઈ-મેલ અંગે પ્રતિભાવ આપતાં બીસીસીઆઇના એક ઓફિસિઅલને નામ ન આપવાની શરતે ઓસ્ટ્રેલિયન બોર્ડની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે, બેલિન્ડના ઈ-મેલને ધ્યાનથી જુઓ તો ખબર પડેશે તેઓએ બ્લેકમેઈલ કરવાનો પ્રયાસ કર્યો છે. મહિલા ખેલાડીઓને મોકલવાની સાથે પુરુષ ખેલાડીઓની સિરિઝનો સંબંધ શું છે તે મને સમજાતું નથી.
વિવાદનું મૂળ શું છે ?
આઇસીસીના ભાવિ પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત ઓસ્ટ્રેલિયાની પુરુષ ક્રિકેટ ટીમને જાન્યુઆરી, ૨૦૨૦માં ભારત સામે દ્વિપક્ષિય શ્રેણી રમવાની છે. હવે તે સમય ઓસ્ટ્રેલિયન ક્રિકેટ સમરનો પ્રાઈમ ટાઈમ સમાન છે અને તેમના બ્રોડકાસ્ટરના દબાણમાં તેમણે આમ કર્યું હોવાનું મનાય છે. ક્લાર્કે તેના ઈ-મેલમાં જણાવ્યું કે, મહિલા ક્રિકેટરોને આઇપીએલમાં રમવા માટે મોકલવા અંગેની વિનંતી પર અમે ત્યારે જ વિચાર કરી શકીએ કે જ્યારે પુરુષોની વન ડે સિરીઝના ૨૦૨૦ના આયોજન અંગેનો જે વિવાદ છે, તે બંને દેશોના બોર્ડના ઓફિસિઅલ્સ ઉકેલી લે. હું માનું છું કે, આ અંગે હાલના તબક્કે કામ કરવાની જરુર છે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GOAmef
via Latest Gujarati News
0 Comments