બેંગ્કોક, તા.૨૬
ભારતીય બોક્સર અમિત પંઘલ અને પૂજા રાનીએ ગોલ્ડન પંચને સહારે થાઈલેન્ડના બેંગ્કોકમાં રમાયેલી એશિયન ચેમ્પિનયશીપમાં સુવર્ણ સફળતા હાંસલ કરી હતી. ભારતના અન્ય ચાર બોક્સરો ગોલ્ડ મેડલ જીતી શક્યા નહતા, પણ તેઓએ સિલ્વર સફળતા હાંસલ કરી હતી. અગાઉ ભારતના સાત બોક્સરોએ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.
એશિયન ચેમ્પિયનશીપમાં ભારતે કુલ ૧૩ મેડલ્સ જીતીને પોતાનો દબદબો પ્રસ્થાપિત કરતાં સૌથી વધુ મેડલ્સ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી. એશિયન ચેમ્પિયનશીપમાં પહેલી વખત રેકોર્ડ ૩૪ દેશોના ૧૯૨ પુરુષ અને ૧૧૨ મહિલા બોક્સરોએ ભાગ લીધો હતો, જેમાંથી ભારતના ૧૩ બોક્સરો મેડલ્સ સાથે સ્વદેશ પરત ફરશે.
ભારતના ૨૩ વર્ષના બોક્સર અમિત પંઘલે ૫૨ કિગ્રા વજન વર્ગમાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખતાં સતત બીજો ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી લીધો હતો. પંઘલે ફાઈનલમાં સાઉથ કોરિયાના કિમ ઈન્ક્યૂને મહાત કર્યો હતો. પંઘલનો ચાલુ વર્ષે આ બીજો ગોલ્ડ મેડલ છે. અગાઉ બલ્ગેરિયામાં યોજોયલી સ્ટ્રાન્જ્દા મેમોરિયલ ટુર્નામેન્ટમાં પણ તેણે ગોલ્ડ જીત્યો હતો અને તે એશિયાડનો ગોલ્ડ મેડાલીસ્ટ પણ છે.
૨૮ વર્ષીય બોક્સર પુજા રાનીએ ચીનની ધરખમ મનાતી બોક્સર વાંગ લીનાને હરાવીને કારકિર્દીનો સૌપ્રથમ એશિયન ચેમ્પિયનશીપનો ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. પૂજા ૨૦૧૨ની એશિયન ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતી હતી. તેણે તેના સિલ્વરને આ વખતે ગોલ્ડ મેડલમાં ફેરવી બતાવ્યો છે.
હરિયાણાની પૂજા રાનીએ પિતાના વિરોધ છતાં બોક્સિંગ અપનાવ્યું હતુ અને ૨૦૧૪ની એશિયન ગેમ્સમાં કાંસ્યચંદ્રક હાંસલ કર્યો હતો.
ભારતનો આ એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપના ઈતિહાસમાં શ્રેષ્ઠતમ દેખાવ છે. આ અગાઉનો ભારતનો શ્રેષ્ઠ દેખાવ ૨૦૦૯ની ટુર્નામેન્ટમાં જોવા મળ્યો હતો, ત્યારે ભારતે એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ એમ કુલ સાત મેડલ્સ જીત્યું હતુ.
અમીત પંઘલની સફળતા એટલા માટે મહત્વની રહી કારણ કે તે ૪૯ કિગ્રાના વર્ગમાંથી ૫૨ કિગ્રાના વર્ગમાં પ્રવેશ્યો હતો.
ભારતના ચાર સિલ્વર બોક્સિંગ સ્ટાર્સ
એશિયન ચેમ્પિયનશીપમાં ભારતના સાત ગોલ્ડની આશા હતી, પણ ચાર બોક્સરો ફાઈનલમાં હારી જતાં તેમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. દીપક સિંઘને ૪૯ કિગ્રામાં, કાવિન્દર સિંઘ બિસ્તને ૫૬ કિગ્રામાં અને આશિષ કુમારને ૭૫ કિગ્રા વજન વર્ગમા સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. ભારતીય મહિલા બોક્સર સિમરનજીત કૌરને પણ ફાઈનલની હાર સાથે સિલ્વર મેડલ પ્રાપ્ત થયો હતો.
ભારતના દીપક સિંઘને ઉઝબેકિસ્તાનના મિર્ઝામેડોવ સામે પરાજીત થયો હતો. જ્યારે કાવિન્દર સિંઘ બિસ્તે ઈજાગ્રસ્ત હોવા છતાં બોક્સિંગ રિંગમાં ઉતરીને જોરદાર પર્ફોમન્સ આપ્યું હતુ. આમ છતાં તેને ઉઝબેકિસ્તાનના મિર્ઝાહાલિવોવ સામે હારનો સામનો કરવો પડયો હતો. ભારતના આશીષ કુમારને કઝાખસ્તાનના કુલ્ખમેતે મહાત કર્યો હતો. જ્યારે મહિલા બોક્સર સિમરન જીતને ચીનની ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર ડોઉ ડાને મહાત કરી હતી.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XUASgF
via Latest Gujarati News
0 Comments