ભારત સાથે વ્યાપાર કરવો મુર્ખતા : ટ્રમ્પનો બળાપો


અમેરિકા પણ હવે ભારતીય વસ્તુઓ પર આયાત ડયૂટી વધારે તેવા ટ્રમ્પના સંકેતો 

વોશિંગ્ટન, તા.7 એપ્રિલ, 2019, રવિવાર

ભારત અને અમેરિકાની વચ્ચે વ્યાપારને લઇને રકજક ચાલી રહી છે, આ સ્થિતિ વચ્ચે ચીન બાદ હવે અમેરિકા ભારતની સાથે પણ ટ્રેડ વોરની તૈયારી કરી રહ્યું હોય તેમ જણાઇ રહ્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સપ્તાહમા સતત બીજી વખત ભારતની ખુલ્લેઆમ ટીકા કરી છે અને કહ્યું છે કે ભારત સાથે વ્યાપાર કરવો મુર્ખતા છે. 

ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત અમેરિકાની વસ્તુઓ પર ૧૦૦ ટકા આયાત ડયુટી ઝિંકી રહ્યું છે જ્યારે અમે તે જ પ્રકારની વસ્તુઓ પર કોઇ જ ડયુટી નથી નાખી. એક સપ્તાહમાં સતત બીજી વખત ટ્રમ્પે ભારત સાથેના વ્યાપાર મુદ્દે નિવેદન કર્યું હતું, ટ્રમ્પે કહ્યું હતું કે ભારત અમારી વસ્તુઓ પર સૌથી વધુ ટેક્સ લાદી રહ્યું છે, કેવો મહાન દેશ, મહાન મિત્ર નરેન્દ્ર મોદી અમારી વસ્તુઓ પર ૧૦૦ ટકા ચાર્જ વસુલી રહ્યા છે. 

ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમારી જે વસ્તુઓ પર ભારત ૧૦૦ ટકા આયાત ડયુટી વસુલી રહ્યું છે તેના જેવી જ ભારતની વસ્તુઓ પર અમેરિકા કોઇ ટેક્સ નથી લેતું. ટ્રમ્પે ટ્વિટ કરીને પોતાના એડમિનિસ્ટ્રેશનને કહ્યું હતું કે શું તમે આ મહેરબાની કરીને કોઇ કામ કરશો, તેનો નિકાલ લાવવાનો પ્રયાસ કરશો.

આ ખરેખર અતી મુર્ખતાભર્યો વ્યાપાર છે. આ સાથે જ ટ્રમ્પે એવા સંકેતો આપ્યા હતા કે ભારતની જેમ અમેરિકા પણ ભારતીય વસ્તુઓ પરની ડયુટીને વધારશે. ટ્રમ્પે કહ્યું હતું કે અમને પણ ઘણા સેનેટર કહી રહ્યા છે કે ભારત પર મોટા પ્રમાણમાં ડયુટી લાદો, અમેરિકા હવે એ દેશો પર તવાઇ બોલાવશે કે જે અમારી સાથે ચિટિંગ કરી રહ્યા છે. 

ટ્રમ્પે કહ્યુ હતું કે આ કોઇ ફ્રી વ્યાપાર નિતિ નથી પણ આ તો મુર્ખતા ભર્યો વ્યાપાર છે. અમેરિકાએ ચીમકી આપી હતી કે જો ભારત અમારી વસ્તુઓ પરની ડયુટી ઓછી નહીં કરે તો અમે પણ ભારતની વસ્તુઓ પર મોટા પ્રમાણમાં ડયુટી ઝિંકીશુ. ભારત અમારે ત્યાં અનેક બાઇક વેચવા મોકલે છે, જેના પર અમે કોઇ ચાર્જ નથી લેતા જ્યારે અમે હાર્લી ડેવિડસન જેવી બાઇક મોકલીએ છીએ જેના પર ભારત ૧૦૦ ટકા આયાત ડયુટી વસુલે છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2U3khES
via Latest Gujarati News

Post a Comment

0 Comments