સ્પીડ બ્રેકર મમતા દીદી મારી રેલીઓમાં ભીડ ઓછી આવે તેવા પ્રયાસો કરી રહ્યા છે : વડા પ્રધાન
કુચ બિહાર, તા.7 એપ્રિલ, 2019, રવિવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારનો આરંભ કરી દીધો છે, તેમણે આરોપ લગાવ્યો હતો કે મમતા બેનરજી એવા લોકોની સાથે ગઠબંધન કરી રહ્યા છે કે જે દેશને તોડવા માગે છે. સાથે મોદીએ મમતાને સ્પીડ બ્રેકર દીદી ગણાવ્યા હતા અને દાવો કર્યો હતો કે મમતા પશ્ચિમ બંગાળના વિકાસમાં અવરોધ ઉભો કરી રહ્યા છે તેથી તેમને વિકાસના સ્પીડ બ્રેકર ગણાવ્યા હતા.
સાથે જ કોંગ્રેસ અને ડાબેરી પક્ષો પર પણ મોદીએ આરોપો લગાવ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે મને સત્તાથી દુર રાખવા માટે કોંગ્રેસ અને ડાબેરીઓ કોઇ પણ સ્તરે જઇ શકે છે. જરુર પડે તો મને સત્તા બહાર રાખવા માટે વિપક્ષ પાકિસ્તાનની પ્રસંશા કરતા ગીતો પણ ગાવા લાગશે. ત્રીપુરામાં પણ રેલીને સંબોધતી વેળાએ મોદીએ જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે મમતાનો પક્ષ તૃણમુલ ત્રિપુરાના વિકાસમાં અનેક અવરોધ નાખવા માગતા હતા પણ ત્રિપુરાની જનતાએ તેમને નકાર્યા, ભાજપ પર વિશ્વાસ બદલ હું જનતાનો આભાર વ્યક્ત કરું છું. ડાબેરી પક્ષો પર આરોપો લગાવતા મોદીએ દાવો કર્યો હતો કે ડાબેરી પક્ષો પોતાના બંધારણને દેશના બંધારણ કરતા વધુ મોટુ અને મહત્વનું માને છે. કોંગ્રેસ પર આરોપો લગાવતા મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં મધ્યમ વર્ગને સૌથી વધુ માઠી અસર પહોંચી હતી. કોંગ્રેસ કહે છે કે મધ્યમ વર્ગના લોકો પાસેથી વધુમાં વધુ ટેક્સ વસુલવા જોઇએ. મમતા પર આરોપો લગાવતા મોદીએ જણાવ્યું હતું કે મારી રેલીને સફળ થતી અટકાવવા માટે રેલી માટે બહુ જ નાના સ્થળની મંજૂરી આપવામાં આવી, સ્પીડ બ્રેકર દીદી મોદી મોદીના સુત્રોચ્ચાર થઇ રહ્યા છે તેને સહન નથી કરી શકતા. મારી રેલીમાં બહુ જ ઓછા લોકો આવે તે પ્રકારના પ્રયાસો મમતા કરી રહ્યા છે તેવો આરોપ પણ મોદીએ લગાવ્યો હતો. આ પ્રકારની બાલીશ માનસિક્તા છે ત્યારે મમતાને લાગી રહ્યું છે કે તેઓ ચૂંટણી જીતી જશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uPS6Pt
via Latest Gujarati News
0 Comments