આ મહિને ભારત ફરી અમારા પર હુમલો કરશે : પાકિસ્તાનના વિદેશ પ્રધાન કુરેશી


ઇમરાન ખાનની સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા ભારત યુદ્ધ કરવા માગતું હોવાના જુઠાણા ફેલાવે છે : કુરેશીના દાવાને પાક.ના વિપક્ષે ફગાવ્યો

નવી દિલ્હી, તા.7 એપ્રિલ, 2019, રવિવાર

પાકિસ્તાનને ડર છે કે ભારત આ મહિને હજુ પણ એક એરસ્ટ્રાઇક કરી શકે છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મોદમ્મદ કુરેશીએ આ ભય વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે અમને ગુપ્તચર સંસ્થાઓ પાસેથી એવા અહેવાલો મળ્યા છે કે ભારત પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરી શકે છે.

આ એરસ્ટ્રાઇક તે ૧૬થી ૨૦મી એપ્રીલ દરમિયાન કરે તેવી શક્યતાઓ છે. પુલવામામાં પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આત્મઘાતી હુમલો કર્યો હતો જેમાં ૪૦ જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ બદલો લેવા માટે ભારતીય એરફોર્સે પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી. 

પાકિસ્તાનને એવો ડર સતાવી રહ્યો છે કે આવી જ એક વધુ એરસ્ટ્રાઇક કરવાની તૈયારીમાં છે. મુલ્તાનમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતી વેળાએ શાહ મેહમુદ કુરેશીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સરકાર પાસે એવા ગુપ્ત અહેવાલો છે કે ભારત પાક.માં હુમલા માટે નવો પ્લાન તૈયાર કરી રહ્યો છે.

જો ખરેખર ભારત આ હુમલો કરશે તો પ્રાંતમાં શાંતિ પર મોટી અસર થવાની છે. અમારી પાસે મળેલી માહિતી અનુસાર આ એક્શન ૧૬થી ૨૦મી એપ્રીલ દરમિયાન લેવામાં આવી શકે છે. ભારતે હુમલાની પુરી તૈયારી કરી લીધી છે. 

પાકિસ્તાનના વિદેશ પ્રધાને સાથે દાવો કર્યો હતો કે અમે સંયુક્ત રાષ્ટ્રને આ અંગે અગાઉ જ જાણકારી આપી દીધી હતી અને ઇસ્લામાબાદ શાંતિની તરફેણમાં છે. પાકિસ્તાન પોતાના આતંકીઓને ભારતમાં ઘુસાડીને પુલવામા જેવા હુમલા કરાવી રહ્યું છે જ્યારે બીજી તરફ પોતે અહિંસક હોવાના દાવા કરી રહ્યું છે અને ભારત પર આરોપ લગાવી રહ્યું છે કે તેણે ૨૬મી ફેબુ્રઆરીએ પાકિસ્તાનમાં હુમલા કરાવ્યા.

જોકે બીજી તરફ પાકિસ્તાનના વિદેશ પ્રધાન કુરેશીએ જે નિવેદન આપ્યું તેને લઇને પાક.ના વિપક્ષે કોઇ જ ગંભીરતા નહોતી વ્યક્ત કરી, અને પાક.ના વિપક્ષ પીપીપી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે વર્તમાન સરકાર પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે ભારત યુદ્ધની ચીમકી આપી રહ્યું હોવાના જુઠાણા ફેલાવી રહ્યું છે. 

વધુ એક એરસ્ટ્રાઇકના પાક.ના દાવા જુઠા : ભારત 

પાકિસ્તાને દાવો કર્યો હતો કે આ મહિને ભારત ફરી પાકિસ્તાનમા કોઇ એર સ્ટ્રાઇક કરાવી શકે છે. જોકે આ દાવાઓને ભારતે આકરા શબ્દોમાં નકારી કાઢ્યા હતા અને પાકિસ્તાન જુઠ બોલી રહ્યું હોવાનું પુરવાર કર્યું હતું. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ કુરેશીએ દાવો કર્યો હતો કે આ મહિનામાં ભારત વધુ એક એરસ્ટ્રાઇક કરી શકે છે. કુરેશીના આરોપો ખુદ પાક.ના વિપક્ષે નકાર્યા હતા ત્યારે હવે ભારતે પણ આક્રામક જવાબ આપ્યો છે અને સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાન જુઠાણા ફેલાવી રહ્યું છે, વિદેશી બાબતોના સચિવ રવીશ કુમારે જણાવ્યું હતું કે આ એક અતી ગેરજવાબદારી ભર્યું નિવેદન હતું, આરોપો તદ્દન જુઠા અને પાયા વિહોણા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2D2b22h
via Latest Gujarati News

Post a Comment

0 Comments