ચૂંટણી પરિણામ ભલે મોડું આવે પરંતુ VVPATની 50 ટકા સ્લીપની ગણતરી જરૂરી : વિપક્ષ


નવી દિલ્હી, તા.7 એપ્રિલ, 2019, રવિવાર

વિપક્ષમાં બેઠેલા ૨૧થી પણ વધુ પક્ષોના નેતાઓએ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરી છે કે આગામી લોકસભા ચૂંટણીમાં વી.વી.પેટ.ની ૫૦ ટકા સ્લીપની ગણતરી કરવા ચૂંટણી પંચ તૈયાર હોય તો પરિણામ જાહેર કરવામાં છ દિવસ મોડું થાય તો  પણ તેમનો રોઈ વાંધો નથી.. તેલુગુદેશમ્ પાર્ટીના નેતા ચંદ્રબાબુ નાયડુન વડપણ હેઠળના વિપક્ષોએ આજે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના સોગંદનામાના જવાબરૃપે આ રજૂઆત કરી હતી.

તેલુગુદેશમ્ પાર્ટી સહિતના ૨૧ વિપક્ષોએ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દ્વારા આક્ષેપ કર્યો છે કે ઇ.વી.એમ.(ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)માં ચેડાં થઇ શકે છે તેથી તેમની માગણી છે કે લોકસભા ચૂંટણીમાં વી.વી.પેટ.ની ૫૦ ટકા સ્લીપની ગણતરી થવી જોઇએ. જેથી ચૂંટણીમાં પારદર્શકતા આવે.

આ અરજીના જવાબમાં ચૂંટણી પંચે રજૂઆત કરી હતી કે જો વી.વી.પેટ.ની ૫૦ ટકા સ્લીપની ગણતરી કરવામાં આવે તો પરિણામ ૫.૨ દિવસ મોડું જાહેર થાય તેવી શક્યતા છે અને પરિણામની મોડી જાહેરાત ગંભીર બાબત છે. જેની સામે વિપક્ષોએ તૈયારી બતાવી છે કે ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતા જળવાઇ રહે તેમ હોય તો ચૂંટણી પરિણામ છ દિવસ મોડું જાહેર થાય તે ગંભીર બાબત નથી.

ચીફ  જસ્ટિસ રંજન ગોગોઇની ખંડપીઠે આ અરજીની વધુ સુનાવણી આવતીકાલ સોમવાર પર મુકરર કરી છે. ઇ,વી.એમ. સાથે જોડાયેલા મશીન વી.વી.પેટ.(વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રાયલ) મશીનમાં મતદાતાને થોડીવાર પૂરતી એક સ્લીપ જોવા મળે છે કે તેઓ જે ઉમેદવારને મત આપવા માગતા હતા તેને જ મત મળ્યો છે કે નહીં.

લોકસભા અને વિધાનસભા ચૂંટણી દરમિયાન દરેક મતદાન કેન્દ્રના વી.વી.પેટની સ્લીપની ગણતરી કરવામાં આવતી નથી. વિધાનસભા ચૂંટણીઓમાં બેઠક દીઠ એક મતદાન કેન્દ્ર અને લોકસભા ચૂંટણીમાં દરેક બેઠક દીઠ એક  વિધાનસસભા વિસ્તારના વી.વી.પેટ.ની સ્લીપની ગણતરી કરવામાં આવે છે. વિપક્ષોની રજૂઆત છે કે  ઇ.વી.એમ.માં ચેડાં થવાની શક્યતા હોવાથી ૫૦ ટકા વી.વી.પેટ.ની સ્લીપની ગણતરી થવી જોઇએ.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VrYDM0
via Latest Gujarati News

Post a Comment

0 Comments