માયામી, તા.૩૧
ઓસ્ટ્રેલિયાની એશ્લી બાર્ટીએ ફાઈનલમાં ચેક રિપબ્લિકની પ્લિસકોવાને સીધા સેટોમાં ૭-૬ (૭-૧), ૬-૩થી હરાવીને માયામી ઓપન ટુર્નામેન્ટમાં વિમેન્સ સિંગલ્સ ટાઈટલ જીતી લીધું હતુ. આ સાથે ચાલુ વર્ષે આંતરરાષ્ટ્રીય ટેનિસમાં મેન્સ-વિમેન્સની ૩૩મી ટુર્નામેન્ટમાં ૩૩મી વિજેતા જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય ટેનિસમાં ચાલુ વર્ષે જબરજસ્ત સ્પર્ધા જોવા મળી રહી છે અને અત્યાર સુધીની દરેક ટુર્નામેન્ટમાં મેન્સ અને વિમેન્સમાં કોઈ નવા જ ખેલાડી વિજતા બનીને બહાર આવ્યા છે.
માયામીમાં ગઈકાલે મોડી રાત્રે રમાયેલી વિમેન્સ સિંગલ્સની ફાઈનલમાં બાર્ટીએ આક્રમક મિજાજ સાથે રમતાં ૧૫ એસ ફટકાર્યા હતા. તેની સામે પ્લિસકોવા કોઈ કમાલ દેખાડી શકી નહતી. ક્રિકેટ છોડીને ટેનિસમાં ઝંપલાવનારી બાર્ટીએ આ સાથે ચોથી ટુર્નામેન્ટ જીતી લીધી હતી. આ તેની કારકિર્દીનું અત્યાર સુધીનું સૌથી મોટું ટાઈટલ છે.
ચાલુ વર્ષે બાર્ટીએ જબરજસ્ત ફોર્મ દર્શાવ્યું છે અને તે ૧૮ મેચો જીતી છે, જ્યારે માત્ર ત્રણમાં જ તેને હારનો સામનો કરવો પડયો છે. માત્ર ૨૨ વર્ષની ઉંમર ધરાવતી બાર્ટી ડબલ્યુટીએના નવા રેન્કિંગમાં ૯મું સ્થાન પ્રાપ્ત કરી લેશે.
યોગાનુંયોગ માયામી ઓપનમાં સતત પાંચમા વર્ષે વિમેન્સ સિંગલ્સમાં ભિન્ન ચેમ્પિયન જોવા મળી છે. જોકે ફેડરર આ સિલસિલો અટકાવી શકે તેમ છે. માયામી ઓપનની ફાઈનલમાં તેનો મુકાબલો અમેરિકાના જોન આઇસનર સામે થવાનો છે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WA1vqn
via Latest Gujarati News
0 Comments