
અમદાવાદ,તા.17 એપ્રિલ 2019, બુધવાર
મતદારો, તમે ભૂલેચૂકેય બીજું બટન દબાવશો તો ૨૦૦૨ પૂર્વેની સ્થિતિનો સામનો કરવાની નોબત આવી શકે છે. તમે કયું બટન દબાવો છો તેના પર જ તમારા સંતાનોના ભાવિ કેવું બનશે તેનો આધાર રહેલો છે. હિમ્મતનગરમાં અમદાવાદ પૂર્વ, પંચમહાલ અને સાબરકાંઠાના ઉમેદવારોને વિજયી બનાવવાની અપીલ કરતાં અને ગુજરાતમાં ૨૬ કમળ ખીલવવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ચેતવણી આપી હતી. ૨૩મીએ ગમે તેટલી ગરમી પડે તો પણ જોરદાર મતદાન કરીને ભલ ભલાની ગરમી ઉતારી દેવા પણ તેમણે હિમ્મતનગરની જનતાને હાકલ કરી હતી.
તેમણે કહ્યું હતું કે દેશની પૂરી બેઠક પર ચૂંટણી ન લડતા હોય તેવા પક્ષો પણ હું પ્રધાનમંત્રી, હું પ્રધાનમંત્રી બનીશ તેવા જાપ જપી રહ્યા છે. મહામિલાવટવાળું ગઠબંધન એક જ ભાષા બોલી રહ્યું છે. દિલ્હીવાળા પણ ટાંપીને બેઠાં છે, પરંતુ આ ચૂંટણી નક્કી કરશે કે રાષ્ટ્રવાદી દેશ ચલાવશે કે રાષ્ટ્રદ્રોહીઓ દેશ ચલાવશે.
અમે એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને સમર્પિત છીએ. કોન્ગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રની વૈજ્ઞાાનિક સિદ્ધિથી તેઓ ખુશ થતાં નથી. ઉપગ્રહને મિસાઈલથી તોડી પાડવાની ભારતની સિદ્ધિથી તેમને આનંદ થયો નથી. તેને કારણે તેમની ઊંઘ હરામ થઈ ગઈ છે.
ઉરીમાં ઘૂસીના ભારતીય સૈન્યએ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો તેનાથી પણ તેમને આનંદ થયો નથી. સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી તો તેને કારણે પણ કોન્ગ્રેસીઓને તકલીફ જ પડી છે. તેઓ પાકિસ્તાનને ગમે તેવું બોલી રહ્યા છે. આ જ કોન્ગ્રેસ સૈન્યના જવાનોની સુરક્ષાને દાવ પર લગાડવા માગે છે.
તેમના ઢકોસલાપત્રમાં આ બાબતની તેમણે જાહેરાત કરી છે. તેમને તો આતંકવાદીઓ સામે પગલાં લેતા સૈન્ય માટે પથ્થરમારો કરીને આડખીલીરૂપ બનનારા લોકોને છાવરવા છે. આતંકવાદી પકડાય તો તેને છોડાવવાની કોશિશ કરવી તે દેશદ્રોહ ન કહેવાય તેવો સવાલ પણ તેમણે શ્રોતાઓને કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે આ ચૂંટણીએ ભારતના સન્માન, સ્વાભિમાનની અને ગુજરાતના ભાવિ માટેની લડાઈ છે. ૨૦૦૪થી ૨૦૧૪ સુધી રિમોટ કંટ્રોલથી ચાલેલી સરકારે ગુજરાતને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી છે. ત્યારબાદ આવેલી ભાજપ સરકારે ગુજરાતને એવી કામગીરી કરી છે કે તેમને જામીન લેવા દોડવું પડી રહ્યું છે.
ભાજપને બીજા પાંચ વર્ષ આપવામાં આવશે તો તેમને તેમની અસલ જગ્યાએ મોકલી દેવામાં આવશે. ભાજપે પાંચ વર્ષ સુધી ઇમાનદારીથી કામ કર્યું છે. દેશ અને દુનિયામાં માથું ગર્વથી ઊંચું થાય તેવું કામ કરી બતાવ્યું છે. ઉરીની સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકનો આડકતરો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું.
૨૦૧૪ની સાલમાં તેમને કેન્દ્રમાં સત્તા ગ્રહણ કરી ત્યારે ભારતું અર્થતંત્ર વિશ્વમાં ૧૧માં ક્રમે હતું. આજે તેનો ક્રમ છઠ્ઠો છે. આગામી વરસોમાં તેને દુનિયાના ટોચના ત્રણ દેશોની કક્ષામાં મૂકી દેવાનું આયોજન કરવામાં આવેલું છે.
વાવાઝોડા, વરસાદમાં ખેડૂતોને થયેલું નુકસાન સરભર કરાશે
મંગળવારે ગુજરાત અને અન્ય વિસ્તારમાં પડેલા વરસાદ અને વંટોળને કારણે જે ખેડૂતોને નુકસાનને સરભર કરવાની સૂચના અધિકારીઓને આપી દેવામાં આવી હોવાની વડાપ્રધાને જાહેરાત કરી હતી. સંકટના આ સમયમાં પીડિતોના પરિવારો સાથે રાજકારણ ન કરવાનું હોવા કેટલાક પક્ષો દ્વારા રાજકીય કાવાદવાઓ કરવામાં આવી રહ્યા હોવાનું નરેન્દ્ર મોદીએ આજે તેમની જાહેર સભામાં જણાવ્યું હતું.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UGrQXq
via Latest Gujarati News
0 Comments