અમેરિકામાં ભારતીય મૂળના ન્યૂરોલોજિસ્ટ પર હેલ્થકેર કૌભાંડનો આરોપ


દોષિત સાબિત થાય તો 30 વર્ષની જેલ અને 12 લાખ ડોલરનો દંડ થશે

(પીટીઆઈ) ન્યૂયોર્ક, તા.21 એપ્રિલ, 2019, રવિવાર

ભારતીય મૂળના એક ન્યૂરોલોજિસ્ટ પર અમેરિકામાં વ્યાવસાયિક સિદ્ધાંતોનું પાલન ન કરીને કોઈ માન્ય કારણ વગર જ પ્રતિબંધિત દવાઓ લખવાનો અને હેલ્થકેરને લગતું કૌભાંડ આચરવાનો આરોપ લાગ્યો છે. 

અમેરિકી વકીલ પીટર સ્ટ્રાસરે જણાવ્યા મુજબ લુઈસિયાનાના અનિલ પ્રસાદ (૬૨ વર્ષ) પર કોઈ દેખીતા મહત્વના કારણ વગર જ પ્રતિબંધિત દવાઓ લખી આપવાનો અને સ્વાસ્થ્ય સંભાળને લગતી છેતરપિંડી કરવાનો આરોપ લાગ્યો છે. 

કોર્ટમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો મુજબ પ્રસાદ નવેમ્બર ૨૦૧૬થી જુલાઈ ૨૦૧૮ દરમિયાન સ્લિડેલના એક ક્લિનિકમાં કામ કરતો હતો. આ દરમિયાન તેણે પોતાના દર્દીઓને તપાસ્યા વગર જ ઓક્સિડોન તથા હાઈડ્રોકોડોન સહિતની પ્રતિબંધિત દવાઓ લખી આપી હતી. આ પ્રકારની દવાઓ વિશેષ પરિસ્થિતિમાં જ વાપરી શકાય પરંતુ પ્રસાદે દર્દીઓની યોગ્ય તપાસ વગર જ તેમને આ દવાઓ સૂચવેલી. 

આ ઉપરાંત પ્રસાદ સ્વાસ્થ્ય વીમા રકમની વસૂલાતમાં વાપરી શકાય તે માટેના પ્રિસ્ક્રીપ્શન પણ લખી આપતો હતો જેના કારણે વીમા કંપનીઓએ કુલ ૧૬,૫૭,૪૬૧ ડોલર(આશરે ૧૧.૫ કરોડ રુપિયા) ચુકવવા પડયા હતા. ડોક્ટર પ્રસાદ જો આ કેસમાં દોષી સાબિત થશે તો તેને ૩૦ વર્ષની કેદ અને ૧૨ લાખ ડોલર(આશરે ૮.૬૭ કરોડ રુપિયા)નો દંડ થઈ શકે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VjYT2T
via Latest Gujarati News

Post a Comment

0 Comments