દ્રષ્ટિહીન જાપાની નાવિકે પ્રશાંત મહાસાગરની નોન-સ્ટોપ યાત્રા પૂર્ણ કરી રેકોર્ડ સર્જ્યો


(પીટીઆઈ) ટોક્યો, તા.21 એપ્રિલ, 2019, રવિવાર

એક દ્રષ્ટિહીન જાપાની નાવિકે શનિવારે પ્રશાંત મહાસાગરમાં ૧૪,૦૦૦ કિમીની યાત્રા ક્યાંય અટક્યા વગર પૂર્ણ કરી. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ આ નાવિક વિશાળ મહાસાગરમાં જહાજ ચલાવનારી પ્રથમ દ્રષ્ટિહીન વ્યક્તિ છે જે એક રેકોર્ડ છે. જાપાની નાગરિક મિત્સુહીરો ઈવામોટો કેલિફોર્નિયા છોડયાના બે મહિના બાદ શનિવરે સવારે ફુકુશિમા બંદરે પહોંચ્યા હતા. તેમણે પોતાની ૧૨ મીટર લંબાઈ ધરાવતી સેલબોટમાં ક્યાંય રોકાયા વગર જ અવિરત સફર ખેડી હતી. 

સૈન ડિએગોના રહેવાસી ૫૨ વર્ષીય ઈવામોટો ૨૪ ફેબુ્રઆરીના રોજ અમેરિકી શહેરથી પોતાના જોડીદાર ડગ સ્મિથ સાથે રવાના થયા હતા. સ્મિથે તેમને સમગ્ર યાત્રા દરમિયાન મૌખિકરુપે હવાની દિશા વગેરેને લગતી જાણકારી આપી હતી અને તેમની મદદ કરી હતી. સમુદ્રી સફર ખેડવાનો મિત્સુહીરોનો આ બીજો પ્રયાસ હતો. છ વર્ષ અગાઉ પણ તેમણે આ પ્રકારની સફર ખેડવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેમની હોડી એક વહેલ સાથે અથડાવાના કારણે ક્ષતિગ્રસ્ત થઈને ડૂબી ગઈ હતી. 

મિત્સુહીરોએ પોતાની વેબસાઈટમાં જણાવ્યું કે તેમણે ૧૬ વર્ષની ઉંમરે પોતાની દ્રષ્ટિ ગુમાવી હતી. તેઓ અંધાપાની બિમારીને રોકવાના પ્રયાસો કરે છે અને તે માટે દાનરુપી ધન એકઠું કરવા આ સફર ખેડી હતી. ક્યોડો ન્યૂજના સમાચાર મુજબ એક દ્રષ્ટિહીન નાવિક દ્વારા પ્રશાંત મહાસાગર પાર કરવાનો આ પ્રથમ પ્રયાસ હતો.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VksFV2
via Latest Gujarati News

Post a Comment

0 Comments