
સતત ચાર દિવસથી સરહદે ગોળીબાર કરી રહેલુ પાક. સૈન્ય ભારતીય સૈન્યના જડબાતોડ જવાબથી ગભરાયું
જમ્મુ, તા.2 એપ્રિલ, 2019, મંગળવાર
સરહદે સતત ચાર દિવસથી પાકિસ્તાની સૈન્ય ગોળીબાર કરીને ભારતીય ગામડાઓને નિશાન બનાવી રહ્યું હતું જેમાં સોમવારે કરેલા ગોળીબારમાં બીએસએફના એક અધિકારી શહીદ થઇ ગયા હતા જ્યારે પાંચ વર્ષની એક બાળકીનું પણ મોત નિપજ્યું હતું.
આ ઘટનાના બીજા જ દિવસે ભારતીય સૈન્યએ આક્રામક રીતે જવાબ આપ્યો હતો અને પાકિસ્તાનની સાત ચોકીઓનો ખાતમો બોલાવી દીધો હતો, જે દરમિયાન પાકિસ્તાનના ત્રણ જવાનોને પણ ઠાર મારવામાં આવ્યા છે.
ખુદ પાકિસ્તાની સૈન્યએ પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે ભારતીય સૈન્યના ગોળીબારમાં અમારા ત્રણ જવાનો માર્યા ગયા છે.
સોમવારે પાકિસ્તાન સૈન્ય દ્વારા જે ગોળીબાર શરૃ થયો હતો તે મંગળવારે વહેલી સવાર સુધી ચાલ્યો હતો, અને રાજોરી તેમજ પૂંચ સેક્ટરમાં ભારે આતંક મચાવ્યો હતો. બાદમાં મંગળવારે ભારતીય સૈન્યએ પણ આક્રામક જવાબની તૈયારી કરી લીધી હતી અને પાકિસ્તાનની ચોકીઓ પર તુટી પડયા હતા, જેમાં સાત ચોકીઓને ભારે નુકસાન પહોંચાડયું છે.
બીજી તરફ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના વડા પ્રધાન રજા ફારુક હૈદરે સોમવારે જણાવ્યું હતું કે અમારી સરકાર સરહદે જે પણ ગામડાઓ આવેલા છે તેને ખાલી કરાવવાની તૈયારીમાં છે. અહીં ભારતીય સૈન્ય દ્વારા મોટા પ્રમાણમાં ગોળીબાર થઇ રહ્યો હોવાથી અમે આ પગલુ ભરવા જઇ રહ્યા છીએ.
આ સાથે જ પાકિસ્તાન સૈન્યના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે જણાવ્યું હતું કે રાવલકોટ સેક્ટરમાં ભારતીય સૈન્ય દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં અમારા ત્રણ જવાનો માર્યા ગયા છે. બીજી તરફ બીએસએફના ડીજી રજનિકાંત મિશ્રાએ જમ્મુની મુલાકાત લીધી હતી, જે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા જ્યારે પણ શસ્ત્ર વિરામનો ભંગ કરવામાં આવશે ત્યારે અમે આક્રામક રીતે જવાબ આપીશું, કોઇ પણ પ્રકારના ખતરાનો સામનો કરવા માટે બીએસએફ સંપૂર્ણપણે તૈયાર છે.
ભારતે એરસ્ટ્રાઇક કરી તે બાદ પાકિસ્તાન દ્વારા સતત સરહદે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે જેને પગલે અત્યાર સુધીમાં નવ લોકો માર્યા ગયા છે જેમાં મોટા ભાગના જવાનો છે. ગ્રામીણ વિસ્તારોને ટાર્ગેટ કરીને પાકિસ્તાન સૈન્ય ગોળીબાર કરી રહ્યું છે જેને આક્રામક રીતે જવાબ આપવા માટે પણ ભારતીય સૈન્યએ તૈયારી કરી લીધી હતી, પરીણામે મંગળવારે ભારતીય સૈન્યએ પાકિસ્તાનની સાત ચોકીઓનો ખાતમો બોલાવ્યો હતો.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2COuxem
via Latest Gujarati News
0 Comments